[૧૩૬] ઝૂ રહિમ અને મહરમનો મતલબ

Chapter : નિકાહ

(Page : 178-179)

સવાલ :– દારૂલ ઉલૂમમાંથી પ્રગટ થયેલી કિતાબ ”ઈસ્લામી તઅલીમ”ના ભાગ–૪ ના પેજ ૧૮૭ પર મય્યિતના બયાનમાં લખેલુ છે કે ”ઓરતકો કબરમેં ઉતારનેકે યે લોગ ઝયાદા મુસ્તહિક હેં, ઝી રહિમ મરહમ, ગેર ઝી રહિમ મરહમ, ઝી રહિમ ગેર મહરમ” આ લખાણમાં ત્રણ પ્રકારના માણસોનો બયાન છે તો ત્રણેવનો મતલબ અને ઓળખ લખશો અને ત્રણેવ પ્રકારના માણસોને ઉદાહરણ સાથે જુદા પાડી સમજાવશો.

જવાબ :– ઝૂ રહિમ કોઈ મર્દ અથવા ઓરતના એવા રિશ્તેદારને કહેવાય છે જેની સાથે નસબ અને રહિમની રિશ્તેદારી હોય ચાહે તે રિશ્તેદારી સીધે સીધી કોઈ બીજાના વાસ્તા વગર હોય અથવા કોઈ બીજા રિશ્તેદારના વાસ્તાથી હોય, માટે કોઈ ઓરત માટે તેના બાપ, દાદા, નાના, દીકરો, પોત્ર, નવાસો, મામા ભાણજો, કાકા, કાકાનો દીકરો અને ભાઈ, ભત્રીજો આ બધા તેના ઝૂ રહિમ રિશ્તેદારો ગણાશે. (શામી – પ/પ૦૪)

                ઓરતના મહરમ ઓરતના એવા રિશ્તેદારને કહેવામાં આવે છે કે જેના સાથે નસબી અથવા સુસરાલી અથવા દૂધની સગાઈ હોવાથી હંમેશા માટે તેની સાથે ઓરતના નિકાહ હરામ હોય, જેમકે ઓરતનો નસબી ભાઈ, નસબી દિકરો, નસબી બાપ, નસબી કાકા, નસબી ભત્રીજો, નસબી ભાણજો, દૂધ પુત્ર, દૂધ ભાઈ, દૂધ પિતા, દૂધ કાકા, દૂધ ભત્રીજો, દૂધ ભાણજો અને સસરા–જમાઈ વગેરે..                  (શામી–ર/૧૪પ)

                ઓરતના અમુક પુરૂષ સગાઓમાં ઝૂ રહિમ અને મહરમ હોવાની બન્‍નેવ સગાઈઓ હોય છે, જેવી રીતે કે ઓરતના બાપ, દાદા, નાના, દિકરો, ભાઈ, કાકા, ભત્રીજો અને ભાણજો વિગરે.. ઓરતના અમુક પુરૂષ રિશ્તેદારો ઝૂ રહિમ હોય છે, પરંતુ મહરમ હોતા નથી, જેવી રીતે કે ઓરતના કાકાનો દિકરો, પિતરાઈ કાકા કે તેઓ ઓરતના ઝૂ રહિમ છે, પણ ઓરતના મહરમ નથી. ઓરતના અમુક પુરૂષ રિશ્તેદારો મહરમ હોય છે, પરંતુ ઝૂ રહિમ હોતા નથી, દા.ત. ઓરતના સસરા, જમાઈ, દૂધ ભાઈ, દૂધ પિતા, દૂધ પુત્ર, તેઓ ઓરતના મહરમ છે પરંતુ ઓરતના ઝૂ રહિમ નથી. ઓરતની મય્યિતને દફન કરવાના મજકૂર મસ્‍અલામાં ઉપર મુજબ મતલબ અને વિગત સમજવી જોઈએ અને ઉપર લખવામાં આવેલો ઝૂ રહિમનો મતલબ અરબી ભાષા અને લુગતની દ્રષ્ટિએ બયાન કરવામાં આવ્યો છે અને મય્યિતને દફન કરવાના મસ્‍અલામાં ઝૂ રહિમનો એ જ મતલબ અને ભાવાર્થ મોઅતબર છે, અલબત્ત વારસા વહેંચણીમાં ઝૂ રહિમ એવા નસબી રિશ્તેદારને કહેવામાં આવે છે કે જે મય્યિતના અસ્હાબે ફરાઈઝ અને અસ્બહ પ્રકારના રિશ્તેદારો અને વારસદારોમાંથી ન હોય. (શામી–પ, કવાઈદુલ ફિકહ, તઅરીફાતે ફિકહિય્યહ–૩૦૦)

Log in or Register to save this content for later.