[૧૧૦] રઝાઈ માની દિકરી સાથે નિકાહ હરામ છે

Chapter : નિકાહ

(Page : 157-158)

સવાલઃ– મારા મોટાભાઈની ઓરત તંદુરસ્ત છે અને મારી ઓરત પણ તંદુરસ્ત છે. મારી ઓરતના પેટે જન્મેલ બાળક (છોકરો) મારા મોટા ભાઈની ઓરતની છોકરી એક જ વર્ષે જન્મેલા છે, બન્‍ને બાળકો સાથે રમતા હતા, અમો પહેલેથી જ સંયુકત કુટુંબમાં રહીએ છીએ, જયારે બન્‍ને બાળકો દૂધ પીતા હતા તે સમયે મારા મોટા ભાઈની ઓરત પોતાની છોકરીને દૂધ પીવડાવતા હતાં, ત્યારે મારો છોકરો પણ રમતો રમતો નજીક મોટા ભાઈની ઓરતના ખોળામાં બેસી જાય અને તેણીને ધાવવા લાગે, મતલબ કે મોટાભાઈની ઓરત પોતાનું ધાવણ મારા બાળકોને ધવડાવી લેતા હતાં, હવે મસ્અલો એ પેશ આવે છે કે મોટા ભાઈની છોકરી ઉમર લાયક થતાં ગેર મુસ્લિમની સાથે ભાગી ગઈ, આવા સંજોગોમાં એ છોકરીને અમો પરત લાવેલ છે અને એના નિકાહ મારા છોકરા સાથે પઢાવવાના છે તો આ બન્‍નેના નિકાહ થાય કે કેમ? અગર એના નિકાહ પઢાવવામાં ઢીલ કરીએ તો છોકરીના મગજમાંથી ગેર મુસ્લિમનું ભુસુ નિકળે એમ નથી.

તા.ક.:–  ઉપરોકત છોકરો પોતાની માંને જ ધાવતો હતો પણ રમતા રમતા મોટામાને ધાવી લેતો હતો.

જવાબઃ– પૂછેલી સૂરતમાં જો છોકરાએ છોકરીની માંનું દૂધ પોતાની અઢી વર્ષની ઉમર દરમિયાન પીધું હોય અને જે લોકો છોકરીની માનું દૂધ છોકરાના પીવાની ખબર આપી રહયા છે, જો છોકરો તે ખબરથી ઈન્કાર ન કરતો હોય, બલ્કે માન્ય રાખતો હોય તો તે છોકરાના નિકાહ મજકૂર છોકરી સાથે પઢાવવા જાઈઝ નથી કારણ કે છોકરો છોકરી બન્‍ને દૂધ ભાઈ બહેન થઈ જાય છે અને જેવી રીતે ગેર મુસ્લિમથી નિકાહ જાઈઝ નથી, એ જ પ્રમાણે દૂધ બહેનથી પણ નિકાહ હલાલ નથી, છોકરાએ વધુ પડતુ દૂધ માંથી પીધું છે અને છોકરીની માનુ દૂધ કદી કદી પીધું છે, તેનાથી મજકૂર હુકમમાં કોઈ ફરક નહીં પડે; કારણ કે કોઈક ઓરતનું નાનપણમાં કદી કદી દૂધ પીવાથી અને થોડું દૂધ પીવાથી પીવાડનાર ઓરત દૂધ પીનાર છોકરાની દૂધ માં બની જાય છે અને તેની અવલાદ છોકરાના ભાઈ બહેન બની જાય છે.

નોંધ :– જો છોકરો મજકૂર ખબરનો ઈન્કાર કરતો હોય તો મજકૂર છોકરી સાથે દૂધનો રિશ્તો સાબિત થવા માટે અને છોકરીથી નિકાહ હરામ થવા માટે શરઈ ગવાહીની જરૂરત રહેશે અને શરઈ ગવાહી એટલે બે દીનદાર પુરુષ અથવા એક દીનદાર પુરુષ અને બે દીનદાર ઓરતો હોવી જોઈએ.                         (શામી – ૪૧૩ – ભા.ર)

Log in or Register to save this content for later.