[૯૯] ઓરત, મર્દ અને ગવાહોના કેવળ દસ્તખત (સહી) કરવાથી નિકાહ થતો નથી

Chapter : નિકાહ

(Page : 143-144)

સવાલઃ– છોકરો ઈગ્લેન્ડથી વતન આવી અમારે ત્યાં (વલસાડ) મુકામે એક છોકરી(ઝોહરા) સાથે લગ્ન સંબંધી વાટાઘાટો કરી, એક બીજાને પસંદ કર્યા બાદ છોકરીના બાપે છોકરીની મરજી જાણવા પૂછતા  છોકરીએ જવાબમાં કહયું કે છોકરો મને પસંદ છે અને હું શાદી કરીશ, ત્યાર બાદ બીજે જ દિવસે મંગણીની રસમ કરી અને તે જ વખતે મશ્વરામાં એવું નકકી કરવામાં આવ્યું કે નિકાહ (શાદી) ઈગ્લેન્ડ મુકામે છોકરી ઈગ્લેંડ પહોંચ્યા બાદ કરશે. વધુમાં સરકારી કાયદા મુજબ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મેરેજ રજીસ્ટર્ડ કરાવી ઈગ્લેન્ડ માટે છોકરીની વીઝા એમબેસીમાં કરાવવી જરૂરી છે, કાગળીયા તૈયાર કરવા અંગે અમારી જમાઅતના નિકાહનામા (દફતર)માં છોકરા, છોકરી – વકીલ – શાહિદ – નિકાહ પઢાવનાર મોલ્વી સાહેબની (બોગસ) સહી કરી મેરેજ રજીસ્ટ્રારમાં નોંધણી કરાવી.

                ઉપરોકત તમામ વિધિ બન્‍નેના નિકાહ કોઈ નિકાહની મજલિસમાં ઈજાબ એટલે રજા અને કબૂલ એટલે મર્દ તરફનો સ્વીકાર  એ સાંભળવા માટે હાઝિરીને મજલિસ વગેરે વિધિગત નિકાહ થયા નથી, ઉપરાંત છોકરીને પણ વકીલ અને શાહિદો નિકાહ માટે સંમતિ પૂછવા ગયા નથી ઈજાઝત લીધી ન હતી નિકાહ પઢાવનાર મોલ્વી સાહેબ તરફથી પણ કોઈ વિધિગત નિકાહ પઢાવ્યા ન હતા, ફકત કાગળીયા વીઝા મેળવવા માટે નિકાહના દફતરમાં સહીઓ કરી છે.

                છોકરો અને છોકરી એમ્બેસીમાં વીઝા લેવા મુંબઈ જાય છે ત્યારે બન્‍ને વચ્ચે એરપોર્ટ ઉપર વાતચીતમાં મતભેદ ઉભો થાય છે, છોકરી ઈગ્લેન્ડ જવા અને શાદી કરવા  માટે ઈન્કાર કરે છે, હાલ શાદી કેન્સલ થતા છોકરી વલસાડમાં જ છે અને છોકરો ઈગ્લેન્ડ ચાલ્યો ગયો છે, હવે બન્‍નેના કુટુંબીઓ કે છોકરા–છોકરી વચ્ચે કોઈ સંબંધ નથી, છોકરીને બીજા છોકરા સાથે નિકાહ થાય તો પૂછેલી સૂરતમાં કાગળ ઉપર ફકત સહી કરવાથી નિકાહ દુરસ્ત ગણાશે કે નહીં તે લખી જણાવશો.

જવાબ :–  કોઈ પણ મર્દ ઓરત વચ્ચે નિકાહના અસ્તિત્વ માટે ગવાહોને સાંભળતા મોઢેથી બોલી ઈજાબ – કબૂલ થવા જરૂરી છે, ઈજાબ – કબૂલ કર્યા વગર માત્ર નિકાહના સર્ટિફિકટ ઉપર દુલ્હા – દુલ્હન – વકીલ – ગવાહો અને નિકાહ પઢાવનારની સહીઓ કરવાથી શરીઅતની રૂએ નિકાહ થયેલા ગણાતા નથી અને માત્ર સહી કરવાથી સહી કરનાર મર્દ અને ઓરત પતિ – પત્ની બનતા નથી, માટે સવાલમાં લખેલી ઘટનામાં નિકાહનું શરઈ રીતે અસ્તિત્વ થયું નથી, એટલે મજકૂર છોકરી કોઈ બીજા છોકરા સાથે નિકાહ કરી શકે છે અને તે બીજા છોકરા સાથે કરેલા નિકાહ જાઈઝ અને હલાલ ગણાશે.                 (શામી –ર)

Log in or Register to save this content for later.