[૯૭] ગુનાહથી બચવા સગાઈ થયેલી છોકરીથી ગવાહો વિના નિકાહ

Chapter : નિકાહ

(Page : 141-142)

સવાલઃ– આજકાલ આપણા સમાજમાં યુ.કે.થી આવનાર છોકરીઓ હાફ મેરેજ કરે છે અને તે અહિંઆ રહે છે, જેથી નાજાઈઝ કામોનું પ્રમાણ વધતુ જાય છે. આવો જ એક પ્રશ્ન મારા દોસ્તનો છે કે તેણે પોતાના રિશ્તેદારની છોકરી સાથે હાફ મેરેજ કર્યા છે, પરંતુ છોકરી જેની સાથે હાફ મેરેજ થયા છે તે એની સાથે રહે છે, જેથી ઈસ્લામી મસાઈલ (કાનૂન) મુજબ આ યોગ્ય નથી, હવે આ પ્રસંગે તે તેની સાથે નિકાહ કરવા ઈચ્છે છે અને બન્‍ને રાજી છે, પરંતુ કુટુંબ (સમાજ)ના રીવાજ પ્રમાણે વીઝા મળ્યા પછી તેના નિકાહ કરવાના છે, નિકાહ કરવાને હજુ વાર છે, હવે તેથી સાથે રહેવાથી જે હરકતો થાય છે તે ઝિના તરીકે સાબિત થાય છે, તેનાથી તેને બચવું છે તો શું છોકરી  છોકરાને કહી આપે કે હું તારા નિકાહમાં અને છોકરો તેને ઈસ્લામી કાનૂન પ્રમાણે મહેર આપીને કબૂલી લે તો તે તેના નિકાહમાં ગણાશે? આ નિકાહમાં કુટુંબીજનોને કોઈને જ ખબર નથી અને ન કોઈ ગવાહ છે. ફકત અલ્લાહ પાક જાણનાર છે તો આવા નિકાહ થઈ શકે? જો આ રીતે કરેલો નિકાહ જાઈઝ હોય તો ફરીથી કુટુંબના રિવાજ પ્રમાણે કોઈ પણ જાતની તલાક આપ્યા વગર નિકાહ જાહેરમાં કરવામાં આવે છે તો શું એક જ છોકરી સાથે એક જ છોકરો ફરી વાર નિકાહ કરી શકે છે?

જવાબઃ– નિકાહ માટે કમથી કમ બે મુસલાન મર્દ અથવા એક મુસલમાન મર્દ અને બે ઓરતોની ગવાહી જરૂરી છે. આવા ગવાહો વગર કરેલા નિકાહ નાજાઈઝ અને ફાસિદ ગણાશે અને ગવાહો વગરના નિકાહથી ઓરત મર્દ માટે હલાલ અને પત્ની નહીં બને, માટે આવા ગુપ્ત નિકાહ કરીને કોઈ ઓરત સાથે પત્ની જેવો વ્યવહાર કરવો હરગિઝ જાઈઝ અને હલાલ નથી.          (શામી – ર)

Log in or Register to save this content for later.