Chapter : નિકાહ
(Page : 101-102-103)
સવાલઃ– અમારા ગામમાં એક છોકરીની મંગની કરી હતી, એ છોકરી પહેલેથી જ ત્યાં શાદી કરવાનું ના કહેતી હતી, કારણ કે એનું બીજા છોકરા સાથે દિલ હતું અને બન્નેવની રાજીખુશી હતી, પણ છોકરી વાળાઓએ ના પાડતાં બન્ને છોકરો છોકરી ઘર છોડીને નિકળી ગયા, પરંતુ સંજોગ વસાત એ લોકો બીજા દિવસે પકડાય ગયા અને નિકાહ પઢવાનો ચાન્સ ન મળ્યો, છેવટે છોકરીને એના ઘરે લાવીને લગભગ દસેક જણાએ એને ખૂબ માર માર્યો, જેમાં એનો એક પરહેઝગાર મામો પણ મારવામાં શરીક હતો, તેના ભાઈ – બનેવીનો આટલો માર છતાં પણ તે છોકરી શાદી કરવાનું ના જ પાડતી હતી, પછી છોકરાને સામે આ વાતની જાણ થઈ, તો એ પણ ના પાડતો હતો, પણ છોકરીના સગા અને છોકરાના માં–બાપે અંદરખાને મળી જઈને નિકાહ પઢાવી દીધા, નિકાહ એ રીતે પઢાવ્યા કે છોકરીને છોકરાના ઘરે લઈ ગયા અને ધમકી આપી કે નિકાહ નહીં પઢે તો તને મારી નાખીશું, પેલી બાજુ છોકરાનું પણ એ જ પોઝિશન હતું, હવે નિકાહ થઈ ગયા બાદ છોકરો – છોકરી સાથે બનાવતો નથી અને છોકરીથી દૂર રહે છે, તો શું આવી હાલતમાં નિકાહ થશે કે કેમ તે જણાવશો. જો આગળના છોકરા સાથે નિકાહ પઢાવી આપત તો આટલી લાંબી વાત ન થાત, આખુ ગામ અંદર અંદર લડે છે, એક બીજાથી દુશ્મની થઈ ગઈ છે, હજુ પણ પેલા છોકરા સાથે નિકાહ થઈ જાય તો બધુ શાંત થઈ જાય, જેથી હમોને કંઈક રસ્તો જણાવશો.
જવાબઃ– પૂછેલી સૂરતમાં સગાઓએ ચાહે છોકરી પાસે જબરદસ્તી નિકાહની વકાલત મંજૂર કરાવી વકીલ બની છોકરીના નિકાહ ગવાહોની રૂબરૂ કરી આપ્યા હોય, કે ચાહે છોકરી પાસે જાતે જબરદસ્તી નિકાહના ઈજાબ – કબૂલ કરાવી નિકાહ કરાવ્યા હોય બન્ને સૂરતોમાં છોકરીના નિકાહ મજકૂર મંગેતર છોકરા સાથે જાઈઝ અને દુરસ્ત થયેલા ગણાશે. જો કે જબરદસ્તી કરવી અને મારી નાંખવાની ધમકી આપવી જાઈઝ ન હતી, પરંતુ થયેલા નિકાહ દુરસ્ત ગણાશે, એટલે જયાં સુધી હવે તે છોકરો છોકરીને તલાક ન આપે ત્યાં સુધી આ છોકરીના નિકાહ બીજા છોકરા સાથે કરવા જાઈઝ અને હલાલ નથી, જો આ નિકાહથી પતિ – પત્ની બનેલા છોકરા છોકરી પરસ્પર એક બીજા સાથે લગ્ન જીવન ન નિભાવી શકતા હોય અને એક બીજાના હકકો અદા ન થઈ શકતા હોય, તો પતિ બનેલ છોકરાએ પોતાની પત્ની બનેલ આ છોકરીને સ્વેચ્છાએ તલાક આપી દેવી જોઈએ અને જો છોકરો પત્ની તરીકેના હક અદા કરવા તૈયાર હોય, તો છોકરીએ પોતાના આ પતિથી ખુલઅ કરવાની દરખ્વાસ્ત કરવી જોઈએ અને જો છોકરીના પત્ની તરીકે ના હકકો ન મળતા હોય અને છોકરો તલાક પણ ન આપતો હોય અને ખુલઅ કરવા પણ તૈયાર ન હોય તો ભરૂચ જીલ્લા મહકમએ શરઈય્યહમાં છોકરીએ અરજી કરી, કોઈ ઉપાય તલાશ કરવો જોઈઅ. (શામી : ર/૪ર૧,પ/૮૬)
Log in or Register to save this content for later.