Chapter : હજ
(Page : 245-246-247)
સવાલઃ– બીજી હજ સ.હિ. ૧૪૦૬માં કરી ત્યારે હું જિદ્દહમાં મુકીમ હતો હું અહિંનો કાયદેસરનો લેબર છું, પરંતુ સ.હિ. ૧૪૦પની રમઝાનમાં મારો ઓળખકાર્ડ ખોવાઈ ગયો હતો અને અમારો કફીલ બીજો બનાવી આપતો ન હતો તેથી પોલીસથી સંતાઈને સાઉદીમાં રહેવું પડતું હતું, એક વરસ દરમ્યાન કર્ઝ પૂરું થઈ ગયું હતું તથા આગલા વર્ષે પોતાની હજ અદા કર્યા વગર હજ્જે બદલ અદા કરી હતી અને પાછળથી જાણવા મળ્યું કે મકકહમાં મુકીમ હોય તો કર્ઝદાર હોવા છતાં હજ ફર્ઝ છે. તેથી બીજી હજ કરવાનો ઈરાદો કર્યો હતો, પરંતુ ઓળખપત્ર ન હોવાથી ડાયરેકટ મકકહ ન જવાય તેથી બે નંબરના રસ્તે ટેકસીવાળાને ૧૦૦ રિયાલ આપી વગર એહરામે મકકહ પહોંચ્યો હતો, ત્યાં જઈ ‘હજે ઈફરાદ’ અદા કરી હતી તેથી તવાફે ઝિયારતમાં સઈ ન હોતી કરી, જો કે એહરામ હરમ શરીફમાંથી બાંધ્યું હતું, મીનામાં જતાં પહેલાં તવાફ તારીખ ૮મી ઝુલ્હજના મગરિબ બાદ તથા સઈ કરી હતી તો વગર એહરામે મકકહ જવા બદલ (મજબૂરીને કારણે) તથા સઈ ન કરવા બદલની હજ દુરસ્ત ગણાશે કે પછી દમ દેવો પડશે તે જણાવશો.
અને દમ માટે મોટું જાનવર જોઈએ કે બકરો અને કેટલા વરસનો અને એક જાનવરમાં ચાલશે કે બે જાનવર જોઈએ અને એનું ગોશ્ત દરેકને વહેંચી શકાય છે કે નહિ? અને દમનું જાનવર હરમ શરીફમાં કરવાનું કે ઈન્ડિયામાં ઝબહ કરે તો ચાલે કે નહિ?
જવાબ :– હુદૂદે હરમની બહારથી એહરામ બાંધ્યા વગર હજની નિય્યતથી મકકહ મુર્કરમહમાં દાખલ થયા અને નફલ તવાફ કરી સઈ પણ કરી લીધી એટલે તમારા ઉપર વિના એહરામે હુદૂદે હરમમાં દાખલ થવાના કારણે દમ આપવો પડશે અને દમમાં મોટું જાનવર જરૂરી નથી બકરો પણ ચાલશે. બે જરૂરી નથી અને તે કુરબાની લાયક ઉમરનો એટલે કે કમથી કમ એક વર્ષનો હોવો જોઈએ અને તે જાનવર હુદૂદે હરમમાં જ ઝબ્હ કરવું પડશે, હુદૂદે હરમથી બહાર ઈન્ડિયામાં ઝબ્હ ન કરી શકાય તે જાનવરનો ગોશ્ત ગરીબોને સદકો કરી આપવો જરૂરી છે, પોતે ન ખાય શકાય અને માલદારોને પણ ન ખવડાવી શકે. (ઝુ. મનાસિક – ર/૧૧૯)
અને સઈમાં અફઝલ તો એ જ છે કે તવાફે ઝિયારત પછી અદા કરવામાં આવે, પરંતુ આફાકી માટે શરૂમાં તવાફે કુદૂમ પછી અને મકકહ તથા જિદ્દહના રહેવાસી માટે શરૂમાં નફલ તવાફ પછી કરવી જાઈઝ છે અને તમોએ શરૂમાં નફલ તવાફ પછી સઈ અદા કરી લીધી છે એટલે તે છૂટેલી ન ગણાય અને તે બદલ કોઈ દમ નહિ આપવો પડે. (શામી – ર)
Log in or Register to save this content for later.