[પ૦] હપ્તાવાર કિંમતની ઝકાત

Chapter : ઝકાત

(Page : 90-91)

સવાલ :– ઝૈદે બકરને એક ખેતર અથવા હોટલ અથવા ઘરધારી પ્લોટ વેચ્યા, જેમાં નીચે મુજબ શરતો થઈ. એક લાખ રૂપિયા રોકડા, એક લાખ રૂપિયા છ મહિના પછી, બે લાખ રૂપિયા એક વર્ષ પછી આપવામાં આવશે. આ બન્ને જણાં પોતાની ઝકાતનો દસ રમઝાને હિસાબ કરે છે, તો બકર પોતાના હિસાબમાં ૩ લાખ રૂપિયા બાદ કરી શકે છે ખરા ! શું ઝૈદને આ ત્રણ લાખ રૂપિયાની ઝકાત કાઢવી પડશે ? ખરીદાર બકર પાસે હાલમાં ત્રણ લાખ રૂપિયા તો નથી પણ ખેતીની ઉપજ, નોકરીના ફંડ અથવા બીજી કોઈ મિલકત વેચી પૂરા કરી દઈશ એ આશાએ સોદો કરે છે. ઝૈદ પાસે જો હાલ આ રકમ આવી જાય તો પોતાની ઝરૂરતમાં અથવા કોઈ વસ્તુ ખરીદવામાં વાપરી શકે છે, પરતું સોદાની શરતોના આધિન રહી એ ખરીદાર પાસે માગી શકતો નથી તો આ બન્નેની ઝકાત વિષે વિગતવાર જણાવશો.

જવાબ :– બકર ઝૈદને જે એક લાખ રૂપિયા રોકડા ઝકાતનું વર્ષ પૂરું થતાં પહેલાં આપી ચૂકયો છે તે એક લાખ ઉપર તો ઝકાત લાગુ પડવાનો સવાલ પૈદા થતો નથી, જે બે લાખ રૂપિયા દેવું છે, જો બકર પાસે ઝકાત વાજિબ થવા પાત્ર કોઈ માલ મૂડી હશે તો તેમાંથી આ દેવાના બે લાખ બાદ કરવામાં આવશે, અને અત્રે બકર માટે એક વાત યાદ રાખવી કે જો ખરીદેલી વસ્તુ તેણે નફો લઈ વેચવાની નિય્યતથી ખરીદી હશે તો તે ખરીદેલી વસ્તુ તેની ઝકાત વાજિબ થવા પાત્ર વસ્તુઓમાં ગણવામાં આવશે.

               ઝૈદે પૂછેલી સૂરતમાં કોઈ તિજારતી માલ મિલ્કત વેચી નથી એટલે રોકડ રકમની ઝકાત તો પોતાનું વર્ષ પૂરું થાય અને મઝકૂર રકમ ત્યારે જમા હોય,  વપરાય ગઈ ન હોય તો તેની ઝકાત આપવી પડશે અને બાકીના બે લાખ ”દેને મુતવસ્સિત” ગણાશે અને તેની ઝકાતનો હુકમ આ છે કે જેટલી રકમ વસૂલ થાય અને ઝૈદનું ઝકાતનું વર્ષ પુરું થાય ત્યારે તે વસૂલ થયેલી રકમ જમા હોય તો બીજા માલ સાથે આ રકમની ઝકાત પણ આપવી પડશે, ઝૈદ પ્લોટ કે હોટલ કે ખેતર વેચતાં પહેલા પણ માલદાર હતો એટલે ઝકાતના મૂળ માલ સાથે વસૂલ થયેલી રકમ જો જમા હશે તો તેની ઝકાત પણ આપવી પડશે.           (શામી–ર/૩૬ પ્રકા–નોઅમાનિય્યહ)

Log in or Register to save this content for later.