Chapter : હજ
(Page : 197-198)
સવાલ :– એક ભાઈ સને ૧૯૮૧માં સઉદી અરબિય્યહમાં અલહસા હુકૂફમાં નોકરી માટે ગયા હતા. અલ હુકૂફ મક્કહ મુકર્રમહથી ૧૪૦૦ થી ૧પ૦૦ કિ.મીટર દૂર છે. આ ભાઈએ ૧૯૮૩માં હુફૂફથી મક્કહ મુકર્રમહ જઈ હજ પઢવાનું વિચાર્યુ અને તેવણે હજની નિય્યત કરી દહરાન થઈ રિયાઝ – જિદ્દહ વિમાન દ્રારા હજ માટે ગયા અને હજના તમામ અરકાન પૂરા કરી હજ પઢી આવ્યા.
મજકૂર ભાઈ મૂળ ઈન્ડિયાના વતની છે અને તેવણ નોકરી દરમ્યાન દર વર્ષે રજાઓમાં પોતાના વતન ઈન્ડિયા આવતા હતા. હવે અમુક લોકો એવુ કહે છે કે મજકૂર ભાઈએ નોકરી દરમ્યાન ત્યાં હુકૂફથી જે હજ પઢી તે હજ થતી નથી, કારણ કે માણસ પોતાના વતનથી હજની નિય્યતથી સીધે સીધા મક્કહ મુકર્રમહ જઈ હજ પઢે તો જ હજ અદા થાય છે, તો શું કોઈ માણસ રોજી રોટી માટે દુબઈ, મસકત કે લંડન ગયો હોય અને તે માણસ ત્યાંથી હજ પઢવા જાય તો તેની હજ થતી નથી? અને હજ કરવા મક્કહ શરીફથી કેટલા કિ.મી.નું અંતર હોવું જોઈએ.
જવાબ :– જે હિન્દુસ્તાની ભાઈ સઉદીમાં કે બીજા કોઈ દેશમાં નોકરી કરતા હોય અને ત્યાંથી તે દેશના મીકાત ઉપરથી હજનું એહરામ બાંધી ફર્ઝ કે નફલ હજ પઢે તો તેની હજ જાઈઝ અને દુરસ્ત ગણાશે, પોતાની ફર્ઝ કે નફિલ હજના જાઈઝ અને દુરસ્ત થવા માટે પોતાના દેશમાંથી મક્કહ મુકર્રમહ જવું અને પોતાના દેશના મીકાત ઉપરથી એહરામ બાંધવું અને હજ પઢવી ઝરૂરી અને શર્ત નથી, બલ્કે દુન્યાના ગમે તે દેશમાંથી હજ પઢવા જવું અને ત્યાંના મીકાત ઉપરથી એહરામ બાંધી પોતાની ફર્ઝ કે નફલ હજ અદા કરવી જાઈઝ અને દુરસ્ત છે અને હજના જાઈઝ અને સહીહ થવા માટે કોઈ ચોક્કસ અંતરની દૂરીથી જવું ઝરૂરી અને શર્ત નથી, કોઈ વિદેશી માણસ ખાસ મક્કહ મુકર્રમહમાં નોકરી કરતો હોય અને ત્યાંથી જ એહરામ બાંધી હજ કરે તો પણ તેની હજ જાઈઝ અને સહીહ ગણાશે. (શામી–ર)
Log in or Register to save this content for later.