Chapter : હજ
(Page : 63-64-65-66)
સવાલ :– મારી પાસે સત્તાવીસ એકર જમીન છે તે મારી પોતાની માલિકીની છે, ઉપરાંત મારી પાસે બે મકાન પાકાં છે, એક મકાન રૂપિયા ૭પના ભાડાથી આપેલું છે બીજું મારા પોતાના વપરાશ માટે છે, મારી પાસે તાબાં પિત્તળના વાસણો આજની બજાર કિંમત પ્રમાણે રૂપિયા ર૦૦૦/– ના છે જેનો વપરાશ થતો નથી.
બીજું મારો બાલિગ પુત્ર છે, જે લગભગ સાત મહિનાથી સાઉદી છે, જેના તરફથી મને પરવરદિગારની મહેરબાનીથી દર મહિને રૂા ૩૦૦૦/– જેટલી રકમ મળે છે. અત્યાર સુધીમાં એના તરફથી રૂા ર૦,૦૦૦/– મળ્યા છે એને મોકલવામાં મને લગભગ રૂા ૧૬૦૦૦/– રૂપિયા ખર્ચ પણ થયો છે.
મારા માથા પર અમારી સોસોયટીનું રૂા વીસથી પચ્ચીસ હજાર જેવું દેવું છે, સીઝન પણ લગભગ ૧ર વર્ષથી બરાબર એટલે કે સોસાયટીનું દેવું ભરપાય થઈ શકે તેવી પાકતી નથી. હું હાલ અત્રેની કન્યાશાળામાં નોકરી કરું છું.
ઉપરની હકીકત ધ્યાનમાં લઈ ચાલુ સાલે મારે હજમાં જવાનો ઈરાદો છે તો મારાથી જઈ શકાશે કે કેમ? તેનો શરઈ હુકમ મુજબ જવાબ આપશો ? અને મારા પર ઝકાત વાજિબ થશે કે કેમ? તેમાં પણ શરઈ હુકમ મુજબ જવાબ આપશો.
આવી પરિસ્થિતિ હોવા છતાં અલ્લાહ તઆલાની મહેરબાનીથી હું હર સાલ કુર્બાની આપું છું તો તે બરાબર ગણાશે કે કેમ? તેનો ખુલાસાવાર જવાબ આપશો. હજ મારા પુત્રના પૈસામાંથી પઢવાનો વિચાર છે મારા પુત્રના પૈસાનો ઉપયોગ મારાથી તેની રજા સિવાય કરી શકાય છે કે કેમ? તેનો જવાબ આપશો.
આમ તો મેં એને પૈસા માટે લખેલું તો એના જવાબમાં તેણે લખેલું કે હું તમને જે રકમ મોકલું છું એ મારું તમારા પર એહસાન નથી પરંતુ એને મારી ફરજ સમજું છું અને તમારા માટે અલ્લાહ તઆલાએ મને એ ફરજ પૂરી કરવાની શકિત આપી એ બદલ ખુદાપાકનું એહસાન માનું છું કે મને આવી તૌફીક આપી. ખુદાપાકના ફઝલથી મારી નિય્યત પણ એવી નથી કે કર્ઝ અદા ન કરવું, ખેતી પાકે તો એ કર્ઝ જરૂરથી ભરી દેવાની નિય્યત છે અને હવે પછી દુઆ છે કે અલ્લાહ પાક આવી હરામની રોઝીથી બચાવે.
જવાબઃ– આપના સવાલમાં પોતાની માલી સ્થિતિ બતાવ્યા સહિત હજ, ઝકાત અને કુર્બાની વિષે પૂછવામાં આવ્યું છે, તો સર્વ પ્રથમ છોકરાની આવક વિષે સમજી લેવું જોઈએ કે જો તમોએ ખર્ચ કરેલા સોળ હજાર રૂપિયા તમોએ છોકરાને બક્ષિશ તરીકે આપી દીધા હતા તો છોકરાની આવકમાંથી એટલા રૂપિયા તમારી મિલ્કત ગણાશે નહિ અને જો એમ સમજી આપ્યા હતા કે છોકરો કમાશે એટલે પરત મળી જશે તો તમારી ખર્ચ કરેલ રકમ છોકરાની આવકમાંથી તમારી મિલ્કત ગણાશે. (શામી–૪)
હવે છોકરો દર મહિને જે કંઈ મોકલે છે જો તે તમારી મિલ્કત તરીકે મોકલે છે તો એ આવક તમારી મિલ્કત ગણાશે અને જો ફકત અમાનત તરીકે મોકલે છે તો એ છોકરાની જ મિલ્કત ગણાશે અને છોકરાની રજા સિવાય તમો એ રકમ ખર્ચ કરી શકતા નથી કારણ કે તમો પોતે પોતાના ભરણ પોષણ માટે શકિતમાન છો. (શામી બાબે નફકહ–ર)
શરીઅતના હુકમ મુજબ તમારા ગુજરાનની જમીનની આવકમાંથી જે બચત થતી હોય તે અને બિન ઉપયોગી વાસણો આજની કિંમતથી જેટલી રકમના હોય તે અને હાલ તમારા ઉપયોગમાં ન લેવાતા મકાનની કિંમત અને બીજો જે કંઈ બિન ઉપયોગી સામાન હોય તેની કિંમત અને તમારી પોતાની માલિકીનું પોતાની પાસે કે બેંકમાં જે કંઈ રોકડ ભંડોળ હોય તે કુલ મળી સોસાયટીનું જે કંઈ દેવું હોય તે બાદ કરતાં વધારાના એક ઘર, વાસણો અને અન્ય ફાઝલ સામાનની કિંમત તથા રોકડમાંથી એટલી રકમ વધે છે કે તેનાથી પોતાની હજનો શરઈ જરૂરી ખર્ચ અને હજમાં જઈને પાછા આવતાં સુધી તે વ્યકિતઓનો ભરણપોષણ ખર્ચ જેમનું ભરણપોષણ શરઈ દ્રષ્ટિએ તમારા શિરે વાજિબ છે. (જેમકે ઔરત, નાબાલિગ અવલાદ, અપરિણિત છોકરીઓ અને મા–બાપ ગરીબ હોય તો તે, શામી – ર/૬૭૧,૬૭ર) પૂરો થઈ શકે છે તો તમારા ઉપર હજ ફર્ઝ છે, જો ઉપરની કુલ મિલ્કતમાંથી દેવું બાદ કરતાં એટલા પ્રમાણમાં ન બચે તો હજ ફર્ઝ નથી. છોકરાની આવકનો ખુલાસો ઉપર લખેલ વિગતથી સમજીને હજ વાજિબ થવા પાત્ર મિલ્કતનું ટોટલ લગાડવામાં આવે એ જરૂરી છે. (શામી–૧૪૩/ર)
તમારી કુર્બાની વિષેનો હુકમ આ છે કે પોતાની હજ વાજિબ થવા પાત્ર ઉપર લખેલ મિલ્કતમાંથી દેવું બાદ કર્યા પછી એટલી મિલ્કત વધે કે કુર્બાનીના દિવસોમાં સાડા બાવન તોલા ચાંદીની ચાલતી કિંમત બરાબર હોય તો કુર્બાની અને સદકએ ફિત્ર વાજિબ થશે, નહિ તો તમારી આપેલી કુર્બાની નફલ ગણાશે. (દુર્રે મુખ્તાર, શામી – ર)
ઝકાત ફર્ઝ હોવા વિશે હુકમ આ પ્રમાણે છે કે તમારી પાસે જે કંઈ સોનું–ચાંદી અને રોકડ રકમ હોય તેમાંથી પોતાનું દેવું બાદ કર્યા પછી ફકત સાડા સાત તોલા સોનું અથવા સોનું ચાંદી મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર અથવા સોનું રોકડ રકમ સાથે મળી અથવા ચાંદી અને રોકડ રકમ મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર બાકી રહે અને તે નિસાબ પર ઇસ્લામી વર્ષ પુરું વીતી ચૂકયું હોય તો ઝકાત ફર્ઝ છે અને જો એટલા પ્રમાણમાં બાકી ન બચે તો ઝકાત ફર્ઝ નથી. ઝકાતના નિસાબના હિસાબમાં વધારાનું બીજું ઘર અને વાસણો કે અન્ય કોઈ જરૂરતથી ફાઝલ બિન તિજારતી સામાન ગણવામાં આવશે નહિ. (શામી– ર)
Log in or Register to save this content for later.