Chapter : તંત્રી સ્થાનેથી
(Page : 1)
કેન્દ્ર સરકાર તરફથી નવી શિક્ષણનિતિ જારી કરવામાં આવી છે. કેબિનેટમાં મંજૂર કરીને હવે આગળ એના અમલીકરણની કોશિશ કરવામાં આવશે. આ નિતિ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અલબત્ત વર્તમાન વાતાવરણમાં અનેક જવલંત મુદ્દાઓ ચર્ચામાં છે. કોરોના, સરકારી સંપત્તિઓનું ખાનગીકરણ, બેરોજગારી, આર્થિક મંદી, સરકારની નિષ્ફળતાઓને ઢાંકવા નાના નાના મુદ્દાઓને મોટા બનાવીને ચગાવવા અને હિંદુ – મુસ્લિમ એંગલ હોય એવા મુદ્દાઓને આધારે નફરતનો માહોલ ઉભો કરવો. વગેરે… આ બધા વચ્ચે આ નિતિ અંગે જેવી જોઈએ એવી ચર્ચા નથી થઈ રહી…
અત્રે અમુક વિચારવા યોગ્ય બાબતો અમે લખવાની કોશિશ કરીએ છીએ, શકય છે કે કંઈક એના થકી કંઈ વિચારવાની અને સમજવાની રાહ મળે..
સહુપ્રથમ વાત આ છે કે આવી કોઈ પણ નવી નિતિ બહાર પાડતાં પહેલાં સરકાર તરફથી એનો મુસદ્દો – ડ્રાફટ તૈયાર કરીને લોકો સમક્ષ મુકવામાં આવે છે, અને લોકો પાસેથી મંતવ્યો માંગવામાં આવે છે. લોકો તરફથી મળતા યોગ્ય મંતવ્યોના આધારે (જો એ સરકારની મરજી વિરુદ્ધ ન હોય તો) મુસદ્દામાં જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવે છે. આજે આ પોલિસી કેબીનેટમાં મંજૂર પણ કરી લેવામાં આવી, પણ જયારે એનો મુસદ્દો લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો, ત્યારે આપણે એની કોઈ નોંધ લીધી હતી ? એનો અભ્યાસ કરીને યોગ્ય સુચનો સરકાર સમક્ષ મુકયા હતા ? પ્રથમ કરવાનું કામ આ જ હતું, જે કદાચ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. આજ સુધી આ નવી નિતિની કોઈ ચર્ચા આપણે ન કરી અને હવે જયારે સામે આવી ગઈ તો બધા એના વિશે ફિકર કરે છે કે એ આપણા માટે હાનિકારક છે કે લાભદાયી ?
આ ચર્ચા કોણ કરે છે અને કેટલી નિખાલસતા કે સભાનતાથી કરે છે ? એ પણ વિચારીએ ? વોટસેપ, ફેસબુક જેવા સોશલ મીડીયાના આ ઝમાનામાં વધુ પડતા લોકો પોતે કંઈ કરતા નથી. આ નિતિના મુદ્દા સીધી રીતે વાંચવાનો સમય કોઈની પાસે નથી, પણ કોઈ બીજાની ઓડિયો – વીડીયો કલીપ મળે કે બધા એને જ સો ટકા સાચી સમજીને શેર પણ કરે છે અને કોઈ પણ આધારભૂત જાણકારી વગર પોતાના તરફથી પણ હકારાત્મક કે નકારાત્મક બાબતો એમાં ઉમેરે છે. સમાજના જે આગેવાનો કે સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, અને શિક્ષણની નિતિ કે એની અસરો વગેરે સમજે છે, અને સમાજ માટે શું કરવું એની સમજ રાખે છે એવા લોકો માટે ચર્ચાનો આ વિષય છે, દરેક જ માણસ એમાં કુદી પડે એ જરૂરી નથી. અન્ય લોકો વધારે ડર અને માયૂસીનો માહોલ ઉભો કરે છે.
આપણે જે દેશમાં અને આજકાલ જે વાતાવરણમાં રહીએ છીએ એમાં કોઈ એવી પોલીસી આવે અથવા આદેશો જારી થાય જેમાં દેશની બહુમતિ સંખ્યાને સામે રાખીને નિર્ણય કરવામાં આવ્યો હોય, એ નવાઈની વાત નથી. આ બાબત દેશના બંધારણ અને સેકયુલરિઝમ સાથે મેળ નથી ખાતી એટલે ખોટી છે પણ બહુમતિ લોકોની નજરે તો તર્કસંગત છે, આપણને બંધારણીય કે ધાર્મિક રીતે કોઈ બાબતે વાંધો હોય તો એ વિશે સકારાત્મક સુધારાની માંગ કરવી આપણો અધિકાર છે.
નવી નિતિમાં એક સ્પષ્ટ વાત આ છે કે સંઘ પરિવાર વર્તમાન સરકારની પાછળ રહીને પોતાની વિશેષ વિચારધારા લાગુ કરી રહયો છે, અને પાછલા અનુભવોના આધારે હવે ‘હિંદુત્વ’ કે હિન્દુ ધર્મનું નામ લેવાના બદલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ, ભારતીય વિદ્યાઓ – કળાઓ, ભારતના પ્રાચીન ઇતિહાસ અને ભવ્ય વારસા… જેવા નવા મથાળાઓ હેઠળ પાઠયક્રમને ભગવા રંગે રંગવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સેકયુલર બંધારણ અને અદાલતના કાયદા સામે આ એક છટકબારી છે અથવા કહો કે મજબૂત કવચ છે. લોકોને યાદ હશે કે ભારતીય જનતા પાર્ટીએ શરૂમાં જયારે હિંદુત્વને પોતાનો ચુંટણી એજન્ડો બનાવ્યો તો ધર્મના આધારે વોટ માંગવાનો વિરોધ થયો અને સુપ્રિમમાં કેસ થયો, આ સમયે ભાજપ તરફથી કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું કે ‘હિંદત્વ’નો મતલબ કોઈ વિશેષ ધર્મ નથી, બલકે ભારતીય સંસ્કૃતિ છે, આ શબ્દને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. વર્તમાન નિતિમાં ફરીવાર આવો જ ધોકો આપવાનો પ્રયત્ન છે.
આવી સ્થિતિમાં ઘણીવાર સીધો વિરોધ આપણને નુકસાન કરી શકે છે. સીધો વિરોધ એક તો રાજકીય પાર્ટીઓ તરફથી થતો હોય છે, જે એમની નિતિનો એક ભાગ હોય છે, પણ સમાજ માટે કામ કરતી સંસ્થાઓએ આવા સમયે સમાનતા અને સમન્વયના મુદ્દા શોધીને પોતાની વાત રજૂ કરવી જોઈએ. સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ, ધાર્મિક સંસ્કાર, વગેરેમાં ઘણી બાબતો દરેક માટે સમાન પણ હોય શકે છે અને વિવિધ પ્રદેશો, સંસ્કૃતિઓ, પ્રદેશના આધારે અલગ અલગ પણ હોય શકે છે, જેના આધારે આપણને સવલત કે છુટછાટ મળી શકે છે.
એક વાત યાદ રાખવાની છે કે મુસલમાનો અને અન્ય લઘુમતિ કોમોએે લઘુમતિમાં હોવાને લઈ, બંધારણમાં મળેલા અધિકારો મુજબ પોતાની ધાર્મિક ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખવા ધાર્મિક શિક્ષણને જરૂરી મહત્વ આપીને જીવંત રાખ્યું છે. પોતાનો ધર્મ, ધાર્મિક પરંપરાઓ, અને આગવી ઓળખ ગુમ નથી થવા દીધી. બાળકોને માટે સ્કૂલ – કોલેજના શિક્ષણ પછીનો સમય આપીને, અને મોટાઓ પોતાના ધંધા, રોજગાર, નોકરી વગેરેમાંથી સમય કાઢીને ધર્મ સમજવા અને અનુસરવા માટે પુરતો સમય આપવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આપણે દુનિયા (ધંધો રોજગાર) અને દીન બંને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. બલકે આપણામાંથી તો અમુક લોકો એવું માને છે કે આ કારણે જ આપણે દુનિયામાં પાછળ છીએ, અલબત્ત આ ચર્ચાનો અલગ વિષય છે. પરંતુ સામે પક્ષે બહુમતિ સમાજ પોતાના ધર્મના શિક્ષણ, કેળવણી, ધાર્મિક પુસ્તકોના શિક્ષણ વગેરે બાબતે મહદ અંશે ગાફેલ છે. એમની આસપાસ શિક્ષણ ફકત સ્કૂલ – કોલેજનું જ છે. અને એમના હિત ચિંતકો કે આગેવાનોને જયારે પણ ધર્મ જીવંત રાખવાની કે આગળ વધારવાની ચિંતા થાય એટલે પહેલું નિશાન સરકારી શિક્ષણ વ્યવસ્થા ઉપર જ તાકવામાં આવે છે. આવી ચેષ્ટા અગાઉ પણ અનેક વખત કરવામાં આવી ચુકી છે.
આપણા વચ્ચે દીની ઉલમા અને દુન્યવી શિક્ષિતો વચ્ચે જરૂરી સમન્વય ઓછું થઈ રહયું છે, એટલે કે જે સંસ્થાઓ સમાજની મદદ માટે જે કોઈ ક્ષેત્રમાં કામ કરે છે, એમાં જે તે વિષયના નિષ્ણાંતો સાથે જરૂરી મસલત કરવામાં આવતી નથી. આધુનિક શિક્ષણ આપતી મુસ્લિમ સંસ્થાઓ અને દીની તાલીમ આપતા મદરસાઓના જિમ્મેદારોએ પરસ્પર બેસીને, પોતાની બીબાઢાળ વ્યવસ્થામાં કંઈક ફેરફાર કરીને નવા ચેલેન્જનો સામનો કરવાની જરૂરત છે. મદરસાઓને સ્કૂલ બનાવી દેવાની કે સ્કૂલ શિક્ષણમાં કાપ મુકવાની જરૂરત નથી, પણ બંને ક્ષેત્રના કાબેલ લોકો અને જરૂરી સાધનો ધરાવતી સંસ્થાઓ ઘણું બધું કામ કરી શકે એની ગુંજાઈશ છે.
સ્કૂલના પાઠયક્રમોમાં જે વાતો ઇસ્લામ કે મુસલમાનો વિરુદ્ધ હોય છે, એની જરૂરી છણાવટ અને અભ્યાસ પણ નથી કરવામાં આવતો, પછી એની અસરો દૂર કરવાના પ્રયત્નો તો દૂરની વાત છે. પાઠયક્રમોના અભ્યાસ પછી એમાં ઇસ્લામ, મુસલમાન, ઇસ્લામી ઇતિહાસ, મુસ્લિમ પરંપરાઓ વગેરે બાબતે આવતી નકારાત્મક બાબતોને અનુલક્ષીને સાચા તથ્યો આધારિત ટુંકનોધ સકારાત્મક શૈલીમાં તૈયાર કરવામાં આવે અને બે ચાર દિવસના કેમ્પ કે વર્કશોપ થકી બાળકો કે યુવાનોને એની સમજૂતી આપી શકાય છે. આ કેમ્પ કે વર્કશોપ સ્કૂલ – કોલેજના માપદંડ પ્રમાણે જ હોય અને એ જ ક્ષેત્રના લોકોની સેવા લેવામાં આવે તો ઘણો ફાયદો થાય. નવી નિતિ મુજબ શિક્ષણ શરૂ થશે તો પછી આ રીત જ સહુથી વધારે ઉપયોગી નીવડશે.
વર્તમાન શિક્ષણ નિતિમાં તો છે જ અને આવનારી નિતિમાં પણ ઘણા એવા કોર્સ અને વિભાગો હશે જે લઘુમતિ કે મુસ્લિમ સમાજને સામે રાખીને તૈયાર કરવામાં આવ્યા હશે, પણ આપણે એનો લાભ કેટલો ઉઠાવીએ છીએ ? ગુજરાતની યુનિવર્સિટીઓમાં અરબી વિભાગ છે, પણ અરબીનું ઉચ્ચ શિક્ષણ આપતા મદરસાઓની ભરમાર હોવા છતાં આપણે આ વિભાગોને વિદ્યાર્થીઓ પૂરા નથી પાડી શકતા, પરિણામે આ વિભાગો કયાં તો બંધ થઈ ગયા છે અથવા બંધ થવાની આરે છે. જામિઅહ મિલ્લીયહ અને અલીગઢ મુ. યુનિ.માં ઇસ્લામી સ્ટડીઝના વિભાગો છે તો આપણે જ એને વિદ્યાર્થીઓ પૂરા પાડવાના છે અને આવા બીજા ધર્મના વિભાગો બને તો આપણને એના ઉપર વાંધો ન હોવો જોઈએ.
ઘણીવાર સ્કૂલોમાં અમુક પ્રકારની ધાર્મિક વિધિઓ કરવાનો પરિપત્ર આવે છે, અને ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ. આપણને આપણા બાળકોના ઇસ્લામી સંસ્કારોની ચિંતા થાય છે, આ સ્વભાવિક છે. આવા સરકુલરોને અદાલતમાં પડકારવામાં આવે છે. આ રીત દુરુસ્ત છે, એમાં બેમત નથી. સરકાર, સરકારી નિતિઓ અને સરકારી શિક્ષણનો કોઈ ધર્મ ન હોવો જોઈએ, એ સરકારની બંધારણીય અને ફરજ છે. આ વિષયે એક બેહતર રીત આ પણ છે કે સામાન્ય દિવસોમાં સરકારના શિક્ષણ વિભાગ અને જવાબદારો સાથે ચર્ચા કરીને સલાહ આપવામાં આવે કે વિવિધ ધર્મી ભારતીય મિશ્ર સમાજને સામે રાખીને સ્કૂલોને આવી ધાર્મિક વિધિઓથી બાકાત રાખવામાં આવે, કાં તો દરેકને એના ધર્મ અનુસાર વિધિ કરવાની છુટ આપવામાં આવે. વિરોધ કે વિવાદનો માહોલ ઉભો કર્યા વગર આમ કરવામાં આવે તો કદાચ સારું પરિણામ મળી શકે છે. નવી નિતિ વિશે જે ભય સેવવામાં આવી રહયો છે એના નિરાકરણમાં આ બાબત પણ ઉપયોગી નીવડી શકે છે.
શિક્ષણ ક્ષેત્રના નિવૃત શિક્ષકો, આચાર્યો, પ્રોફેસરો, સરકારી અધિકારીઓ અને અફસરોની મોટી નેઅમત આપણી પાસે આજે ઉપલબ્ધ છે, પણ સમાજ એમની કદર નથી કરી રહયો, એ સાફ દેખાય આવે છે. આ લોકો પોતાનું છેલ્લું જીવન સંસાર સાથે રહીને કે અલ્લાહનું નામ લઈને જીવવા માંગતા હોય એ સ્વભાવિક છે, પણ એમને થોડી કુરબાની માટે તૈયાર કરીને એમની પાસેથી માર્ગદર્શન અને કેળવણી મેળવી શકાય છે. વિવિધ ક્ષેત્રના નિવૃત લોકો પોતે પણ આગળ આવીને, નાના મોટા ગુ્રપ કે સંસ્થા બનાવીને સમાજ માટે ઘણું કરી શકે છે.
આપણી એક સમસ્યા આ પણ છે કે દેશ અને દુનિયામાં બધું જ આપણી મરજી મુજબ ઓટોમેટિક થયા કરે, અને કદી પણ કોઈ અવરોધ, સમસ્યા કે ચિતા આડે ન આવે. આવું કેવી રીતે શકય છે ? આપણા અકીદા મુજબ દુનિયા દારૂલ અસબાબ છે. દેશ અને દુનિયામાં અન્ય ધર્મના લોકો વસે છે. દરેકના વિચારો, વિચારધારાઓ અને સ્વભાવ પણ અલગ અલગ હોય છે. એટલે દરેક સ્થિતિમાં આપણે કેવી રીતે રહેવું એની તૈયારી આપણે જ કરવાની રહે છે. સમસ્યા કે મુસીબત આવતાં પહેલાં એનો અંદાઝો કરવાની શકિત (દીર્ધદષ્ટિ) આપણે કેળવવી પડશે. લોકો ફકત મુસીબત આવ્યા પછી રોક્કળ અને શોર ઘણો કરે છે પણ યોગ્ય ઉપાય અને ઈલાજ કરવામાં પાછા પડે છે. ……….