આખિરત કિયામત વિશે

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 131 to 135)
  • કિયામત (મહાપ્રલય) આવશે, જરૂર આવશે.

કુરઆન શરીફમાં છે : અને એ કે કિયામત આવનાર છે, તેમાં જરા પણ શંકા નથી. અને એ કે અલ્લાહ તઆલા કબરવાળાઓને ઉઠાવશે. (હજ્જ : ૭) બેશક, કિયામત આવશે જ, તેમાં કોઈ શંકા જ નથી, પરંતુ ઘણાખરા લોકો માનતા નથી. (મુઅમિન : પ૯)

  • મે કિયામતના દિવસ પર અને તેમાં જે બનાવો બનશે તેના ઉપર શ્રધ્ધા રાખીએ છીએ.
  • અલ્લાહપાક અને આપણા નબી હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કિયામત પૂર્વેની કેટલીક નિશાનીઓ બતાવી છે, જે આ મુજબ છે : (૧) ઇમામ મહદી અલયહિસ્સલામનો ઝુહૂર (પ્રગટ થવું), (ર) દજ્જાલનું નિકળવું, (૩) હઝરત ઇસા અલયહિસ્સલામનું આસમાનથી ઉતરાણ, (૪) યાજૂજ-માજૂજનું બધે (સર્વત્ર) છવાઈ જવું, (પ) એક આશ્ચર્યજનક જાનવરની જમીનમાંથી ઉત્પત્તિ, જે માનવજાતથી વાતચીત કરશે, (૬) પશ્ચિમમાંથી સૂર્યનો ઉદય, (૭) કુરઆન મજીદનું ઉઠી જવું, (૮) પૃથ્વી પરથી તમામ મુસલમાનોનું મૃત્યુ, (૯) નાહક (નિર્દોષ) કત્લનો બેફામ વધારો, (૧૦) વ્યભિચારની વ્યાપક્તા, (૧૧) ગુનાહો (કુકર્મો)ની વૃધ્ધિ વગેરે.

જેમ કે કુરઆન શરીફમાં છે : “અને જ્યારે તેઓના ઉપર (કિયામતનો) વાયદો પૂરો થવાનો હશે, ત્યારે અમે તેઓના માટે ધરતીમાંથી એક (એવા) પ્રાણીને કાઢીશું કે, જે તેઓની સાથે વાતો કરશે. એટલા માટે કે તેઓ અમારી નિશાનીઓ ઉપર યકીન લાવતા ન હતા.” (સૂરએ નમ્લ : ૮)

અને હદીષોમાં આ બધી નિશાનીઓનું સવિસ્તર વર્ણન છે. જેમાંથી એક હદીષ શરીફ નીચે ટાંકી રહ્યો છું. તિરમિઝી શરીફમાં હઝરત હુઝૈફા બિન ઉસૈદ (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ પોતાના હુજરામાંથી અમોને કિયામત વિશે વાતચીત કરતા સાંભળ્યા, તો આપે ફરમાવ્યું : કિયામત ત્યાં સુધી આવશે નહીં કે જ્યાં સુધી તમે દસ નિશાનીઓ ન જોઈ લો : (૧) પશ્ચિમ દિશાથી સૂર્યોદય, (ર) યાજૂજ-માજૂજનું નિકળીને સર્વત્ર છવાઈ જવું, (૩) જાનવરનું નિકળવું, જે લોકો સાથે વાત કરશે, (૪/પ/૬) ત્રણ જગ્યાએથી જમીન ઢસી જવી, (પૂર્વ, પશ્ચિમ અને અરબ દ્વિકલ્પ), (૭) અદનથી આગનું નિકળવું, જે લોકોને હાંકશે-ભગાડશે, (૮) ધુમાડો, (૯) દજ્જાલનું નિકળવું, (૧૦) (દજ્જાલને કત્લ કરવા માટે) હઝરત ઈસા (અલૈ)નું આગમન. (અબવાબુલ ફિતન, બાબ : ઝમીન ઢસી જવા બાબત)

  • મર્યા પછી ફરીવાર જીવંત થવું નિશ્ચિત છે.

કુરઆન શરીફમાં છે : અને એ કે કિયામત આવનાર છે, તેમાં જરાય શંકા નથી. અને એ કે અલ્લાહપાક કબરવાળાઓને ઉઠાવશે. (હજ્જઃ ૭) અને જ્યારે (મુર્દાઓને સજીવન કરવા) કબરો ઉપર-તળે કરવામાં આવશે, તો (તે તેળા) દરેક વ્યક્તિ પોતાનું આગળ મોકલેલું અને પાછળ મૂકેલું જાણી લેશે. (ઇન્ફિતાર : ૪,પ)

  • હઝરત ઇસ્રાફીલ (અલૈ.) અલ્લાહ તઆલાના હુક્મથી શિંગડાના આકાર જેવી એક વસ્તુ વડે સૂર ફૂંકશે.
  • સૂરથી સમગ્ર સૃષ્ટિ ભાંગી-તૂટી જશે, દરેક મખ્લૂક મૃત્યુ પામશે, પરંતુ અલ્લાહ તઆલા ચાહશે તે સુરક્ષિત રહેશે.

કુરઆન શરીફમાં ફરમાવ્યું : અને જે દિવસે સૂર ફૂંકવામાં આવશે ત્યારે જે કાંઈ આકાશમાં (અને) જે કાંઈ પૃથ્વીમાં છે, તે (સૌ) ગભરાઈ (ને મરી) જશે, પરંતુ જેને અલ્લાહપાક ચાહે. (નમ્લ : ૮૭) અને કિયામતના દિવસે સૂર ફૂંકવામાં આવશે, ત્યારે જે કાંઈ આકાશો તથા પૃથ્વીમાં છે, તે સૌ બેભાન થઈ જશે, પરંતુ જેને અલ્લાહપાક ચાહે (તે બેભાન થશે નહીં). ફરી બીજી (સૂર) ફૂંકવામાં આવશે, તો તત્કાલ તેઓ ઉભા થઈ ચોતરફ જોવા માંડશે. (ઝુમર : ૬૮)

  • કિયામતમાં મીઝાન (ત્રાજવાં) ગોઠવવામાં આવશે, જેના પર બંદાઓના અમલો (કાર્યો)નું વજન કરવું નિશ્ચિત છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે : અને કિયામતના દિવસે અમે અદ્‌લ (ન્યાય)ના ત્રાજવા કાયમ કરીશું, તો કોઈની ઉપર પણ જરાય ઝુલ્મ નહીં થાય. (અમ્બિયા : ૪૭) અને તેઓમાં ન્યાયસર ફેંસલો થશે અને તેઓ પર (સહેજ પણ) ઝુલ્મ નહીં થાય. (યૂનુસ : પ૪)

  • કિયામતના દિવસે હિસાબ-કિતાબ અને પૂછપરછ થવી અને દરેકને પોતાના આમાલનામા (કર્મપોથી) મળવી નિશ્ચિત છે.
  • નેક લોકોનું આમાલનામું (કર્મપોથી) જમણા હાથમાં અને ગુનેહગારોની કર્મપોથી ડાબા હાથમાં આપવામાં આવશે.

અલ્લાહપાક ફરમાવે છે : તો (તે દિવસે) જેને જેનું આમાલનામું જમણા હાથમાં મળશે, તો તેનાથી સહેલાઈ સાથે હિસાબ લેવામાં આવશે. (ઇન્શિકાક : ૭,૮) પછી જેને પોતાનું આમાલનામું જમણા હાથમાં આપવામાં આવશે, તો તે (ખૂશીથી બીજાઓને) કહેશે કે મને મારો હિસાબ મળનાર છે. અને જેને પોતાનું આમાલનામું (કર્મપોથી) ડાબા હાથમાં આપવામાં આવશે, ત્યારે તે કહેશે કે કેવું સારૂ થાત કે મારૂ આમાલનામું જ મને ન મળત ! અને મને ખબર જ ના થાત કે મારો હિસાબ શું છે ? (અલહાક્કહ : ૧૮/૧૯/રપ/ર૬)

  • કિયામતના દિવસે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ માટે હવઝે કવષર નિશ્ચિત છે.
  • અલ્લાહ તઆલા ફરમાવે છે : બેશક ! (હે મુહમ્મદ સલ.) અમે આપને કવષર અર્પણ કરી છે. (અલ કવષર : ૧)
  • એનું ક્ષેત્રફળ (લંબાઇ અને પહોળાઈ) એક મહિનાના અંતર જેટલું છે, એનું પાણી દૂધથી વધુ સફેદ, મધથી વધુ મીઠું, એની ખૂશ્બુ કસ્તુરીથી પણ બેહતર હશે. (આકાશના) તારલાઓની સંખ્યા બરાબર એમાં ફૂલડીઓ કે વાટકાઓ હશે, જેને આ હૌઝથી એક ઘૂંટડો પાણી નસીબ થઈ જશે, તો પછી એને કદાપિ તરસ મહસૂસ થશે નહીં. (બુખારી, મુસ્લિમ)
  • કાયમની સજા અને કાયમ નર્કમાં રહેવું માત્ર નાસ્તિકો અને અલ્લાહ તઆલા સાથે ભાગીદાર કરનાર માટે છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે : (અને જાણી લો કે) બેશક, જે અલ્લાહ તઆલાની સાથે (અન્ય કોઈને) શરીક (ભાગીદાર) ઠેરવશે, તો અવશ્ય અલ્લાહ તઆલા પણ તેના ઉપર જન્નત હરામ કરી દેશે, અને તેનું ઠેકાણું (સદા માટે) દોઝખ (નર્ક) છે, અને એવા પાપીઓનો કોઈ સહાયક થશે નહીં. (માઇદહ : ૭ર)

  • મુસલમાન માટે કાયમી સજા (શિક્ષા) નથી, ભલે ગમે તેટલો મોટો ગુનેહગાર હોય કે પછી પશ્ચાતાપ વિના મર્યો હોય.

અલ્લાહ તઆલા ફરમાવે છે : તે ચાહે તેને બખ્શી દે અને ચાહે તેને શિક્ષા કરે અને અલ્લાહ તઆલા ઘણા જ બખ્શનાર (અને) ઘણો દયાળુ છે. (આલિ ઇમરાન : ૧ર૯) બેશક, અલ્લાહ તઆલા આ વાત કદી પણ માફ કરશે નહીં કે તેની સાથે કોઈને શરીક (ભાગીદાર) કરવામાં આવે અને તેના સિવાય ચાહે તેને બખ્શી દેશે. (નિસાઅ : ૧૧૬)

  • પુલસિરાત હક અને યકીની છે, જે દોઝખની પીઠ ઉપર કાયમ કરાશે. જે વાળથી વધુ બારીક અને તલવારથી વધુ તેજ હશે. નેક લોકો એને સડસડાટ પાર કરી જશે અને બદકાર (ખરાબ કૃત્યો આચરનાર) લોકો લપસીને દોઝખમાં પહોંચી જશે.

અલ્લાહ પાક ફરમાવે છે : અને તમારામાંથી કોઈ પણ એવો નથી જે તે (પુલસિરાત)ના ઉપર પહોંચે નહીં. આ (વાયદો) આપના પરવરદિગાર પર જરૂરી છે, જે પૂરો થઈને જ રહેશે. (મરયમ : ૭૧)

Log in or Register to save this content for later.