મકકા મુકર્રમહ તરફ વાપસી

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 135 - 136)

હવે મિનાથી ફારિગ થઈ મક્કા મુકર્રમહ ચાહે સવારી ઉપર આવે અથવા પગપાળા આવે. પગપાળા આવવા માટે પણ સાઉદી સરકારે રસ્તા બનાવ્યા છે. છેલ્લા શયતાનને કાંકરી માર્યા બાદ સામે ચાલ્યા કરવાનું છે. તે સીધા હરમ શરીફ પાસે પહોંચાડી આપે છે અને સવારી માટે પણ વાહનોની વ્યવસ્થા છે.

હવે હજના કામોમાંથી ફકત એક કામ તવાફે વિદાઅ બાકી રહયો છે. જે મક્કા મુકર્રમહથી પાછા ફરતી વખતે વાજિબ છે. જ્યાં સુધી મક્કા મુકર્રમહમાં રહે, બીજા નફલી તવાફ પોતાની તાકાત પ્રમાણે વધુ પ્રમાણમાં કરતો રહે. હરમ શરીફમાં પાબંદીથી હાજરી, તવાફ, નમાઝો, તિલાવત, કાબા શરીફને અઝમત અને મુહબ્બતથી જોવુ ગનીમત સમજી ખૂબ ઈબાદતોમાં મશ્ગૂલ રહે.

સદકો, ખયરાત જેટલો બની શકે કરે. મક્કાવાસીઓથી મુહબ્બત, એમની ઈઝઝત, અદબ, મર્યાદા સાચવે. તેમની બેઈઝઝતી કરવાથી બચે અને દિલમાં ખ્યાલ જમાવે કે મને અલ્લાહના રસૂલﷺ એ મક્કાવાસીઓ બલ્કે દરેક અરબથી મુહબ્બત કરવાનો હુકમ કર્યો છે. માટે એમનાથી કંઈ તકલીફ પહોંચે તો પણ અલ્લાહ પાકના રસૂલﷺ ની મુહબ્બતને લઈ દરગુઝર કરે. ઉમ્મીદ છે કે આપણા આ અમલથી પણ આપણી બખ્શીશ થઈ જાય. નાના–મોટા ગુનાહોથી દરેક રીતે બચવાની કોશિશ કરે. કારણકે અહિંયા જેમ ઈબાદતોનો સવાબ એક લાખ બરાબર છે, તેમ ગુનાહોનો વબાલ પણ ઘણો મહાન છે. માટે ત્યાંની બજાર, માર્કેટોમાં શોપિંગ માટે અથવા ફરવા માટે વધુ નીકળવુ, ગેરમહરમ ઓરતો પર નજર પડવી, બેકાર વાતો, ગીબતો વગેરેથી પોતાને બચાવવાની કોશિશ કરે.

Log in or Register to save this content for later.