ઉમરહના ફર્ઝો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 82 - 83)

ઉમરહમાં બે ફર્ઝો છે : (૧) એહરામ (ર) તવાફ

એહરામ માટે તલ્બિય્યહ અને નિય્યત બંનેવ ફર્ઝ છે. જ્યારે તવાફ માટે ફકત નિય્યત ફર્ઝ છે.

ઉમરહના વાજિબોઃ (૧) સફા–મરવહની સઈ કરવી.(ર) માથાના વાળ કપાવવા કે મૂંડાવવા.

ઉમરહની રીતઃ ઉમરહ માટે હજની જેમ મિકાતથી અથવા મિકાત પહેલાં એરપોર્ટ ઉપર ઉમરહનો એહરામ બાંધવો અને તલ્બિય્યહ પઢવું. એહરામની બે રકાઅત પઢી તલ્બિય્યહ સાથે નિય્યત કરતાં જ એહરામમાં મના કરેલ કામોથી બચવું. મક્કા મુકર્રમહના અદબોનો ખ્યાલ રાખી પ્રવેશવું. મસ્જિદે હરામમાં બાબુસ્સલામ અથવા બાબુલ્ઉમરહથી દાખલ થઈ રમલ અને ઈઝતિબાઅ સાથે તવાફના સાત ચક્કરો પુરા કરે. હજરે અસ્વદને બોસો અથવા દૂરથી ઈશારો કરી તલ્બિય્યહ પઢવાનું બંધ કરી આપે.

તવાફ બાદ બે રકાઅત પછી (મકામે ઈબ્રાહીમ પાસે) હજરે અસ્વદને ઈસ્તિલામ કરી બાબુસ્સફાથી નીકળી હજની જેમ સઈ કરે અને મરવહ ઉપર સાત ચક્કર પુરા કર્યા પછી હજામત બનાવી હલાલ થઈ જાય. આ મુજબ કરવાથી ઉમરહની વિધિ પુરી થઈ જશે.

ઉમરહની ફઝીલતઃ ઘણી હદીષોમાં ઉમરહની ફઝીલતો દર્શાવવામાં આવી છે. જેમાંથી અમુક આ પ્રમાણે છે :

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ કે, હજ અને ઉમરહ એક સાથે કરો. કારણકે એ બંનેવ ફકીરી અને ગુનાહોને એવી રીતે દૂર કરે છે, જેમકે ભઠ્ઠી લોખંડ, ચાંદી અને સોનાના મેલને દૂર કરે છે.

ઉપરોકત હદીષ શરીફથી માલુમ પડયું કે, હજ–ઉમરહથી ફકત ગુનાહો જ માફ નથી થતાં, પરંતુ તેની બરકતથી ગરીબી અને ફકીરી પણ દૂર થાય છે.

બીજી રિવાયતમાં છે કે, રમઝાન શરીફમાં ઉમરહનો સવાબ એક હજ બરાબર છે. એક રિવાયતમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, તે હજ બરાબર સવાબ છે. જે મારી સાથે (આપ સ.અ.વ.) કરી હોય.

એક હદીષમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ કે, હાજી અને ઉમરહ કરનાર અલ્લાહ તઆલાના મહેમાન છે. તે અલ્લાહપાકથી દુઆ માંગે છે, તો કબૂલ ફરમાવે છે. અને મગફિરત ચાહે છે, તો મગફિરત કરી આપે છે.

મસ્અલોઃ ઉમરહનો પૂરો તવાફ અથવા વધુ ચક્કરો કે થોડા ચક્કરો ચાહે એક જ ચક્કર હોય, જો નાપાકી અથવા માસિક અવસ્થામાં અથવા વુઝૂ વગર કર્યા તો દમ વાજિબ થશે. અને જો પાક થઈને તવાફ દોહરાવી લીધો તો દમ માફ થઈ જશે.

મસ્અલોઃ ઉમરહનો કોઈ વાજિબ છોડવાથી મોટુ જાનવર અથવા સદકો વાજિબ નથી થતો. બલ્કે ફકત (દમ) નાનુ જાનવર અથવા મોટા જાનવરનો સાતમો ભાગ વાજિબ થશે. પરંતુ ઉમરહના એહરામમાં, એહરામમાં મના કરેલ કોઈ વસ્તુ કરવાથી હજના એહરામની જેમ દમ અથવા સદકો વાજિબ થશે.

Log in or Register to save this content for later.