તવાફની રીત તથા મસાઈલ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 57 to 60)

તવાફની નિય્યત કરવી જરૂરી છે. વગર નિય્યતે તવાફ થશે નહીં. ચાહે દિલથી નિય્યત કરી લે. નિય્યત કરે કે, અલ્લાહ પાક તારી રઝામંદી માટે તવાફ કરૂં છું. તુ મારા માટે આસાન ફરમાવી કબૂલ કર.

ત્યારબાદ કાબા શરીફની સામે જે તરફ હજરે અસ્વદ છે તે તરફ એ પ્રમાણે ઉભો રહે કે જમણો ખભો હજરે અસ્વદની નીશાનીવાળા પથ્થરથી બહાર હોય, એટલે કે હજરે અસ્વદ સંપૂર્ણ રીતે જમણી તરફ રહે. ત્યારબાદ તવાફની નિય્યત કરી જમણી તરફ એટલુ ચાલે કે હજરે અસ્વદ બિલ્કુલ સામે આવી જાય. હજરે અસ્વદ તરફ મોઢું કરી ઉભા થઈ બંનેવ હાથ એ પ્રમાણે ઉઠાવે, જેવી રીતે નમાઝમાં ઉઠાવે છે. (એટલે કે કાન સુધી ઉઠાવે) હાથ ઉઠાવી આ દુઆ પઢે :

بِسْمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَرْ لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَلِلّٰہِ الْحَمْدُ وَالصَّلٰوۃُ وَالسَّلَامُ عَلٰی رَسُوْلِ اللّٰہِ۔ اَللّٰھُمَّ اِیْمَانًام بِکَ وَتَصْدِیْقاً بِکِتَابِکَ وَوَفَائً بِعَھْدِکَ وَاِتِّبَاعًا لِسُنَّۃِ نَبِیِّکَ مُحَمَّدٍ صَلَّی اللّٰہُ تَعَالٰی عَلَیْہِ وَسَلَّمَ ۔

બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર લા ઈલાહ ઈલ્લલ્લાહુવ લિલ્લાહિલ્હમ્દ વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિલ્લાહ અલ્લાહુમ્મ ઈમાનન બિક વ તસ્દીકન બિકિતાબિક વ વફાઅન બિ અહદિક વ ઈત્તિબાઅન બિ સુન્નતિ નબિય્યિક મુહમ્મદિન સલ્લલ્લાહુ તઆલા અલયહિ વ સલ્લમ.

જો પુરી આ દુઆ યાદ ન હોય અથવા ભીડમાં પઢવી મુશ્કેલ હોય તો ફકત બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર વલિલ્લાહિલ્હમ્દ પઢી લેવું કાફી છે.

ત્યારબાદ હાથ જોડીને હજરે અસ્વદ પાસે આવે અને બંનેવ હાથ હજરે અસ્વદ ઉપર એ પ્રમાણે રાખે, જે પ્રમાણે સિજદાની હાલતમાં હોય છે. અને બંનેવ હથેળીઓની વચમાં મોઢું રાખી હજરે અસ્વદને અદબની સાથે બોસો આપે. હાથ ન રાખી શકતો હોય તો લાકડી અથવા બીજી કોઈ વસ્તુ હજરે અસ્વદથી લગાડી તે વસ્તુને બોસો આપે. આ પણ ન થઈ શકે તો દૂરથી બંનેવ હાથ હજરે અસ્વદ તરફ કરી હાથોને બોસો આપે.

નોંધ : આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે, હજરે અસ્વદને બોસો આપવો મુસ્તહબ છે અને કોઈ મુસલમાનને તકલીફ પહોંચાડવી હરામ છે. માટે ધક્કા–મુક્કી કરી કમઝોરોને હટાવી મુસ્તહબને અદા કરવા જતાં હરામ કૃત્ય કરવાથી બચે, એનો ગુનોહ મોટો છે. સાથે ત્યાં સ્ત્રીઓની પણ ભીડ જામેલ હોય છે, તો ગેર મહરમ સ્ત્રીઓ સાથે શરીરનું લાગવુ, ધક્કા વાગવા વગેરે બાબતો ઘણી નાજુક છે. સ્ત્રીઓના સંબંધીઓએ એમને મુસ્તહબ અદા કરવાના શોખમાં હરામ કૃત્યોથી બચાવવી જરૂરી છે. આ પ્રમાણેના કામો કરી લોકોમાં ફખ્ર સાથે વર્ણન કરે છે કે, અમોને હજરે અસ્વદને બોસાનો મોકો મળ્યો. પરંતુ સવાબની જગ્યાએ ગુનાહ વહોરી આવ્યા તેનું ઘણા પુરૂષો તથા સ્ત્રીઓને ભાન હોતુ નથી. સાથે મસ્જિદે હરામના અદબમાં પણ ખલલ પહોંચે છે.

હજરે અસ્વદને બોસો અથવા દૂરથી ઈશારો કર્યા બાદ જમણી બાજુ કાબા શરીફના દરવાજા તરફ ચાલવાનું શરૂ કરે અને જ્યારે રૂકને યમાની પાસે પહોંચે તો એને બન્નેવ હાથોથી અથવા ફકત જમણો હાથ લગાડવો સુન્નત છે. અને બોસો આપવો અથવા ફકત ડાબો હાથ લગાડવો સુન્નત વિરૂધ્ધ છે. જો હાથ લગાડવાનો મોકો ન મળે તો એમ જ પસાર થઈ જાય. રૂકને યમાની અને હજરે અસ્વદના દરમ્યાન આ દુઆ પઢે :

رَبَّنَا اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَۃً وَّفِی الاٰخِرَۃِ حَسَنَۃً وَّقِنَا عَذَابَ النَّارِ۔

રબ્બના આતિના ફિદ્દુનિયા હસનતંવ વફીલ્આખિરતિ હસનતંવ વકિના અઝાબન્નાર. [અબૂ દાઉદ શરીફ]

અર્થ : અય હમારા પરવરદિગાર ! અમોને દુન્યામાં પણ ભલાઈ અતા ફરમાવો અને આખિરતમાં પણ, અને અમોને (દોઝખના) આગના અઝાબથી પણ બચાવો, આમીન….

જ્યારે હજરે અસ્વદ પાસે આવે તો પાછા ‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ કહી હજરે અસ્વદને બોસો આપે અથવા દૂરથી ઈશારો કરી હાથને બોસો આપે. આ પ્રમાણે એક ચક્કર પુરો થયો. એવી જ રીતે સાત ચક્કર હજરે અસ્વદથી શરૂ કરી હજરે અસ્વદ ઉપર પુરા કરવાને એક તવાફ કહે છે. જેમાં સાત ચક્કર અને આઠ વખત હજરે અસ્વદને ઈસ્તિલામ (બોસો વગેરે) થશે.

મસ્અલો : હજરે અસ્વદને ઈસ્તિલામ પહેલી અને આઠમી વખતે સુન્નતે મુઅક્કદા છે. વચલા ચક્કરોમાં કરવો મુસ્તહબ છે. બેહતર છે કે દરેક વખતે કરી લે.

જો કોઈ માણસ તવાફ કરી રહયો હતો અને સાત ચક્કર પુરા ન થયા અને ત્યાર પહેલાં જ જમાઅત ઉભી થઈ ગઈ તો તવાફનો અમલ તે જ જગ્યાએ સ્થગિત (રોકી) કરી દઈ જમાઅતમાં શરીક થઈ જાય. ફર્ઝ નમાઝથી ફારિગ થઈ સુન્નતો અને નવાફિલને મોકૂફ રાખે અને જે જગ્યાએથી તવાફ સ્થગિત કર્યો હતો ત્યાંથી તવાફ શરૂ કરી આપે. અને તવાફના પછી સુન્નતો અને નવાફિલને અદા કરે. આ તવાફમાં બેહતર એ છે કે બાકીની જગ્યાએથી થોડો પાછો હટીને કરે.

મસ્અલો : જ્યારે નમાઝની જમાઅત માટે ઈકામત થઈ રહી હોય અથવા ઈમામ સાહબ ખુત્બા માટે ઉભા થઈ ગયા હોય ત્યારે તવાફ કરવો મકરૂહ છે. તે સિવાય કોઈપણ વખત તવાફ મકરૂહ નથી. ચાહે તો નમાઝના મકરૂહ ટાઈમો હોય.

મસ્અલો : હજના દિવસોમાં હજરે અસ્વદ ઉપર લોકો ખુશ્બૂ લગાવે છે અને તવાફ કરવાવાળા એહરામની હાલતમાં હોય છે, તો તેવા મોકા ઉપર હજરે અસ્વદને બોસો આપવો જાઈઝ નથી. બલ્કે હાથથી ઈશારો કરી હાથને બોસો આપે.

Log in or Register to save this content for later.