તવહીદ અને મુહબ્બતનો સફર

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 6 to 12)

[૧] હજ્જયાત્રીઓને અલ્લાહ તઆલાએ પોતાના મહેમાન (અતિથિ) ઠેરવ્યા છે. ઈબ્ને માજહ્‌ની રિવાયત છે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઈર્શાદ છે કે, ‘‘હજ્જ તથા ઉમરહ કરવાવાળાઓ અલ્લાહ તઆલાના મહેમાન (અતિથિ) છે. જો તેઓ દુઆ માંગે છે, તો અલ્લાહ તઆલા કુબૂલ ફરમાવે છે. અને જો તેઓ માફી ચાહે છે તો અલ્લાહ તઆલા માફી પણ આપી દે છે.

[મિશ્કાત, કિતાબુલ મનાસિક]

[ર] હજ્જના તમામ અમલોનો મકસદ અને સાર અલ્લાહ પાકની યાદ છે. હજ્જના બધા જ અમલો કરતી વખતે આ મૂળ મુદ્દાને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ઈન્શાઅલ્લાહ આ બાહ્ય અમલો, અંતરમનમાં પણ થોડોક તરવરાટ પેદા કરશે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઈર્શાદ છે કે, કઅ્‌બહ શરીફનો તવાફ, સફા તથા મરવહ વચ્ચે સઈ, અને શયતાનને કાંકરી મારવી માત્ર અલ્લાહ પાકની યાદ માટે છે.                                                                                                                                                                            [અબૂ દાવૂદ, તિર્મિઝી]

માની લ્યો કે એક શખ્સ હજ્જના ઉપરોકત અમલોને પૂર્ણપણે અદા કરે છે, પરંતુ તેનુ હૃદય અલ્લાહ પાકની યાદથી તદ્દન ખાલી છે, તો તે પેલા શખ્સની તોલે ન આવી શકે જેનું દરેક કાર્ય ખુદા પાકની યાદ સાથે રહે છે. ખુદા તઆલાની યાદ સાથે કરવામાં આવતા કાર્યની બરકત તથા સુફળ કંઈક ઓર જ હોય છે.

[૩] તેનાથી જ મળતી આવતી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, હજ્જના અમલોમાં ડગલે પગલે તવહીદ (એકપૂજ્યવાદ)ની ઘોષણા (એલાન) છે. જ્યારે હાજી એહરામ બાંધે છે તો ‘તલબિયહ્‌ પઢે છે. તલબિયહ્‌માં અલ્લાહ તઆલાના એકત્વનુ ખુલ્લુ એલાન તથા શિર્ક (અનેકપૂજ્યવાદ)નો રદિયો છે. જુઓ,

لَبَّیْکَ اَللّٰہُمَّ لَبَّیْکَ لَبَّیْکَ لَا شَرِیْکَ لَکَ لَبَّیْکَ اِنَّ اَلْحَمْدَ وَالنِّعْمَۃَ لَکَ  وَالْمُلْکَ لَا شَرِیْکَ لَکَ

લબ્બય્‌ક અલ્લાહુમ્મ લબ્બય્‌ક,  લબ્બય્‌ક લાશરીક લક લબ્બય્‌ક. ઈન્નલ હમ્દવનનિઅમતલક વલમુલ્ક. લાશરીકલક.

તર્જમોઃ હું હાજર છું, હે અલ્લાહ પાક ! હું હાજર છું. હું હાજર છું, તારો કોઈ ભાગીદાર નથી, હું હાજર છું. તમામ પ્રસંશાઓ તથા નેઅમતો તારા જ માટે છે. અને સત્તા તો તારી જ છે. તારો કોઈ જ ભાગીદાર નથી.                                                                                                                                                                                                                               જ્યારે કઅ્‌બહ શરીફ પર નજર પડે છે ત્યારે હાજી اَللہُ اَکْبَرْ لَا اِلٰہَ اِلَّا اللہُ وَاللہُ اَکْبَرْ      “અલ્લાહુ અકબર, લાઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર” કહે છે.                                           અર્થાત્‌ : અલ્લાહ પાક સૌથી મોટો છે. અલ્લાહ પાક સિવાય કોઈ પૂંજાને લાયક નથી. અને અલ્લાહ પાક સૌથી મોટો છે. અલ્લાહ પાક સિવાય કોઈ પૂંજાને લાયક નથી. અને અલ્લાહ પાક સૌથી મોટો છે.

તવાફ શરૂ કરો તો નિય્યત વખતે પઢો :

بِسْمِ اللہِ اَللہُ اَکْبَرْ لَا اِلٰہَ اِلَّا اللہُ وَاللہُ اَکْبَرْ وَلِلّٰہِ الْحَمْدُ

“બિસ્મિલ્લાહિ, અલ્લાહુ અકબર, લાઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ” અલ્લાહ પાકના નામથી શરૂ કરું છું, અલ્લાહ પાક સૌથી મહાન છે. તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તથા અલ્લાહ પાક સૌથી મહાન છે. સર્વ સ્તુતિ (વખાણ) અલ્લાહ પાક માટે જ છે.

મકામે ઈબ્રાહીમમાં નમાઝ પઢો તો એ બેહતર છે, અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સુન્નત પણ એ જ છે કે, સૂરએ ફાતિહા સાથે પહેલી રકઅતમાં સૂરએ કાફિરૂન અને બીજીમાં સૂરએ ઈખ્લાસ પઢો. આ બન્નેવ સૂરતો મૂળભૂત રીતે તવહીદ (એકેશ્વરવાદ)નું એલાન કરે છે. અને તેમાં શિર્ક (અનેકપૂજ્યવાદ)નો સાફ તથા સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર છે.

સફા–મરવહની સઈ માટે જાઓ તો બન્ને પહાડીઓ પર જઈને સૌથી પહેલા પઢો :

لَااِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَلَہٗ الْحَمْدُ وَہُوَ عَلٰی کُلِّ شَیٍٔ قَدِیْرٌ

“લાઈલાહ ઈલ્લલ્લાહુ વહ્‌દહુ લાશરીકલહુ લહુલમુલ્કુ વલહુલહમ્દુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર”.

અર્થાત્‌ : અલ્લાહ પાક સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તે અદ્વિતિય (એકલો) છે. તેનો કોઈ ભાગીદાર નથી. સત્તા ફકત તેની જ છે. વખાણ તેના જ માટે છે. અને તે દરેક બાબતે સર્વ શકિતમાન છે.

અરફાતમાં જાઓ તો ત્યાં પઢવા માટે પણ સર્વશ્રેષ્ઠ દુઆ આ બતાવવામાં આવી છે :

لَااِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَلَہٗ الْحَمْدُ وَہُوَ عَلٰی کُلِّ شَیٍٔ قَدِیْرٌ

લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્‌દહુ લાશરીક લકુ લહુલમુલ્કુ વલહુલહમ્દુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર. (જેનો તર્જમો ઉપર સફા–મરવહની દુઆમાં આપ્યો છે.)

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું ફરમાન છે કે, મારી તથા મારાથી પહેલા પયગમ્બરોની પણ પરંપરા છે કે તેઓ અરફાતમાં ઉપરોકત દુઆ પઢતા હતા.

કેટલીક રિવાયતોમાં છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે નીચે લખેલ આયત પણ અરફાતના મેદાનમાં પઢી :

شَھِدَ اللّٰہُ اَنَّہُ لَا اِلٰہَ اِلَّا ھُوَ وَالْمَلَائِکَۃُ وَاُولُوْ الْعِلْمِ قَائِمًابِالْقِسْطِ لَا اِلٰہَ اِلَّا ہُوَ الْعَزِیْزُ الْحَکِیْمُ

શહીદલ્લાહુ અન્નહુ લાઈલાહ ઈલ્લાહુવ વલમલાઈકતુ વઉલુલઈલમિ કાઈમમ બિલકિસતિ લાઈલાહ ઈલ્લા હુવલ અઝીઝુલ હકીમ.

અર્થાત્‌ : સ્વયં અલ્લાહ પાકે ગવાહી આપી છે કે, તેના સિવાય કોઈ ઈબાદત (પૂંજા)ને લાયક નથી. તેમજ ફરિશ્તાઓએ અને ન્યાયનિષ્ઠ આલિમોએ પણ ગવાહી આપી છે કે તેના સિવાય કોઈ ઈબાદતને પાત્ર નથી. જે માનવંત તથા બુધ્ધિવંત છે.

શયતાનને કાંકરી મારતી વખતે કહો :

بِسْمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَرْ، رَغْماً لِلشَّیْطَانِ وَرِضًی لِلرَّحْمٰنِ

‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર રગમલલિશ્શયતાનિ વરિદલલિર્રહમાન’ હું અલ્લાહ તઆલાનું નામ લઈ કાંકરી મારુ છું. શયતાનને અપમાનિત કરવા માટે, અને રહમાનને રાજી કરવા માટે.

આ બધી વાતો પર ઝિણવટપૂર્વક વિચાર કરો અને એ સમજવાની કોશિષ કરો કે દરેક મોકા પર કેવી રીતે તવહીદનો ઇકરાર તથા એલાન છે. હાજીએ આ તવહીદમાં પોતાને ડુબાડી દેવાની જરૂર છે. તવહીદના માત્ર શબ્દોનું રટણ નહી, બલ્કે વસ્તુ સ્થિતિ અને હકીકત બની જાય. તવહીદનો અર્થ માત્ર ખુદાપાકને એક કહેવાનો નથી. અલ્લાહ પાક જ (મઅબૂદ, મહબૂબ અને મતલૂબ) તથા અનંત છે, તે હાજી માટે સુસ્પષ્ટ થઈ જવુ જોઈએ.

[૪] ખુશનસીબ હાજી જ્યારે પણ તલબિયહ પઢે તે એ વાતને યાદ રાખે કે તેના સુરમાં આખી સૃષ્ટિની પ્રત્યેક વસ્તુઓ સુર પૂરાવી રહી છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઈર્શાદ છે કે, જ્યારે કોઈ મુસલમાન લબ્બૈક કહે છે તો તેની ડાબી જમણી બાજુ, જમીન ખત્મ થાય ત્યાં સુધી જેટલી પણ વસ્તુઓ છે, બધી જ લબ્બૈક કહે છે. [તિર્મિઝી, ઈબ્ને માજહ્‌] અલ્લાહ પાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના આ કથનને નજર સમક્ષ રાખનારને વિશેષ રૂહાની લિજ્જત (સ્વાદ) મળે છે.

[પ] જે તવાફ પછી સઈ કરવામાં આવે તેમાં ‘રમલ કરવામાં આવે છે. મતલબ પહેલા ત્રણ ફેરામાં ખભા હલાવીને, અકડીને જરા ઝડપી ચાલથી ચાલવામાં આવે છે. તેનું કારણ એ હતુ કે હિજરત (૬ર૩ ઈ.સ.) પછી મક્કા શરીફના જાની દુશ્મનોએ મુસ્લિમોને ટોણો માર્યો હતો કે મદીના શરીફના તાવ (બુખાર)ના કારણે તેઓ કમઝોર થઈ ગયા છે. એટલે આદેશ મળ્યો કે, એવી રીતે અકડીને ચાલો, જેથી દુશ્મનો સામે મુસ્લિમોની શકિતનું પ્રદર્શન થાય. ત્યાં હવે ઈસ્લામના દુશ્મનો તો નથી એ ખુલ્લી હકીકત છતાં ‘રમલની પરંપરા ઈસ્લામે બાકી રાખી છે. આ પરંપરાની અદાયગી વખતે હાજી કયો ભાવ રાખે તેનો મશ્વેરો આપતા શેખ અબ્દુલહક મુહદ્દિસ દહેલ્વી રહ. લખે છે કે, ‘‘જો આ શકિત પ્રદર્શન અંદરના દુશ્મન અર્થાત્‌ શયતાન, નફ્‌સ તથા તેના ચેલાઓ સામે સમજવામાં આવે તો આ કાર્ય (રમલ) પ્રત્યે વિશેષ રસ ઉત્પન્ન થશે. અને અદા કરતી વખતે તેમાં મન પરોવાશે.

[૬] હરમ શરીફની ઝિયારત કરનાર જ્યારે મદીના મુનવ્વરહ જાય અને મસ્જિદે નબવી તથા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના રોઝહ મુબારક નજીક પહોંચે, તો નબીયે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના તે હક્કો યાદ કરે, જે ઉમ્મતે અદા કરવા જરૂરી છે. આ સંદર્ભે હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ.ના એક પત્રની કેટલીક લીટીઓ નોંધવી રહેશે :

     કબ્ર મુબારકની હાજરી વખતે એવુ વિચારે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ત્યાં મૌજૂદ છે. આપણે જે કાંઈ પઢીએ છીએ, તેને આપ સાંભળી રહ્યા છે. આપને બધી વાતની ખબર છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અત્યંત જમાલ તથા જલાલ સ્વરૂપે પણ ત્યાં બિરાજમાન છે. એમ વિચારે કે શહેનશાહે આલમના દરબારમાં હાજરી આપવા જઈ રહ્યો છે. ત્યાં ફોગટની વાતો અને ફુઝૂલ મજલિસો જમાવવાથી બચે. જે સમય મળે તેમાં વધારેમાં વધારે દુરૂદ શરીફ પઢે. ઝિક્ર કરે, કુર્આન શરીફ પઢે, નફિલો પઢે.

મદીના મુનવ્વરહ અને મક્કા મુઅઝઝમામાં પણ સફા, મરવહ, મિના, અરફાત અને મુઝદલિફહ, બધી જ જગ્યાએ અલ્લાહ પાકનું નૂર પથરાયેલુ હોય છે. જો કે દરેક જગ્યાની હૈસીયત અને દરજા પ્રમાણે નૂરના પ્રકારો વિભિન્ન છે. હાજી આ પૈકી જે સ્થળે જાય તો તે મુજબ જ મનોસ્થિતિ અને કૈફીયત તેના ઉપર છવાયેલી હોવી જોઈએે. આમ કરવાથી દરેક પવિત્ર સ્થળની યોગ્ય માન–મર્યાદા જાળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. ઈન્શાઅલ્લાહ.

Log in or Register to save this content for later.