નમાઝની મકરૂહ ચીઝો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 97 to 100)

જે વસ્તુથી નમાઝ તૂટતી નથી, પણ સવાબ ઓછો થાય છે અને ગુનોહ થાય છે, તે મકરૂહ છે. જે ચીજોથી નમાઝ મકરૂહ થાય છે, તે આ પ્રમાણે છે :

  • કપડાંને શરીર ઉપર લટકાવવું. જેમકે ચાદર માથા ઉપર ઓઢીને બન્ને છેડા ખભા ઉપર ન નાખવા અને એમ જ લટકાવવા. શેરવાની કે ઝબ્બાની બાંયોમાં હાથ નાખ્યા વગર ખભા ઉપર નાખી દેવું.
  • કપડાંને ધૂળથી બચાવવા માટે હાથથી રોકવું, સંભાળવું અથવા સમેટવું. (આજકાલ લોકો આઈન કર્યા બાદ કરચલીઓ પડવાથી બચવા માટે હાથથી રોકે અને સમેટે છે, તો તે પણ મકરૂહ છે.)
  • પોતાના કપડાથી, શરીરથી અથવા ઘરેણાંથી રમત રમવી.
  • આસ્તીનો ચઢાવી રાખી કોહણી ખુલ્લી રાખી નમાઝ પઢવી.
  • સજીવ તસ્વીરવાળુ કપડુ પહેરી નમાઝ પઢવી.
  • ઘણા મેલા-કુચેલા ખરાબ કપડાં પહેરી નમાઝ પઢવી. બીજા કપડાં ન હોય તો દુરૂસ્ત છે.
  • ખભા ઉપર રૂમાલ લટકાવીને નમાઝ પઢવી.
  • સુસ્તી અને બેપરવાઈથી ઉઘાડા માથે નમાઝ પઢવી.
  • પેશાબ-પાખાનું જોરથી લાગ્યું હોય તેવી હાલતમાં નમાઝ પઢવી.
  • હાથ અને માથાના ઈશારે સલામનો જવાબ આપવો.
  • આંખો બંધ રાખી નમાઝ પઢવી. પરંતુ નમાઝમાં ધ્યાન લાગવા માટે બંધ કરે તો વાંધો નથી.
  • નમાઝમાં આંગળીઓના ટચકા ફોડવા અથવા એક હાથના આંગળા બીજા હાથની આંગળીઓમાં ભેરવવા.
  • કમર, કુખ કે કુલા ઉપર હાથ મૂકવો.
  • આયતો, સૂરતો અથવા તસ્બીહોને નમાઝમાં આંગળીઓથી ગણવું. જો આંગળીઓ દબાવીને યાદ રાખે તો વાંધો નથી.
  • ફર્ઝ નમાઝમાં એક જ આયત અથવા એક જ સૂરતને વધુ વાર પઢવી. કોઈ ઉઝર અથવા તેમાં ભૂલ થઈ હોય તો દોહરાવી શકે છે. નફલ નમાઝમાં દુરૂસ્ત છે.
  • કિરાઅતને અધૂરી રાખી રુકૂઅમાં પુરી કરવી.
  • જમણી-ડાબી તરફ મોઢુ કરી જોવું.
  • નમાઝમાં જાણી જોઈને ખાંસી ખાવી, આળસ મરડવી.
  • નમાઝમાં જાણી જોઈને બગાસુ ખાવુ અથવા બગાસુ આવે ત્યારે રોકી શકાય એમ હોવા છતાં ન રોકવું.
  • કાંકરીઓ હટાવવી. જો સિજદહ કરવો મુશ્કેલ હોય તો એક વાર કાંકરીઓ હટાવવી દુરૂસ્ત છે.
  • મરદોએ કોણીઓને જમીન પર ટેકવવી મકરૂહે તહરીમી છે.
  • મરદોએ સિજદહમાં પેટને જાંગોથી મેળવી રાખવું.
  • સિજદહ કરતી વખતે ઘુટણોના પહેલાં હાથ રાખવા અને ઉભા થતી વખતે હાથ કરતાં પહેલા ઘુટણો ઉપાડવા.
  • નમાઝમાં ક્યારેક જમણી તરફ અને ક્યારેક ડાબી તરફ ઝૂકી જવું, તો ક્યારેક એક પગ ઉપર વજન આપી ઉભા રહેવું, તો ક્યારેક બીજા પગ ઉપર વજન આપી ઉભા રહેવું. ઉઝર હોય તો દુરૂસ્ત છે.
  • નમાઝમાં જાંગો ઉભી રાખી બેસવું. એટલે કે જાંગોને પેટની સાથે અને ઘુટણોને છાતી સાથે મેળવી દઈ ઉભડક બેસવું તેમજ પલાંઠી વાળીને બેસવું. બીમારી અથવા લાચારી હોય તો દુરૂસ્ત છે.
  • કોઈ વ્યક્તિના મોઢા તરફ નમાઝ પઢવી મકરૂહ છે, તેમજ કોઈ નમાઝ પઢી રહ્યો હોય ત્યારે તેની સામે મોઢુ કરી બેસવું પણ મકરૂહ છે.
  • લોકો સૂતા હોય તેની સામે નમાઝ પઢવી.
  • મોઢામાં પૈસા, કોડી કે એવી કોઈ વસ્તુ રાખી નમાઝ પઢવી મકરૂહ છે. અને જો કોઈ એવી વસ્તુ હોય કે નમાઝમાં કુર્‌આન (કિરાઅત) પઢી શકાય નહિ, તો નમાઝ તદ્દન થશે નહીં.
  • જો ખૂબ જ ભૂખ લાગી હોય અને ખાણું તૈયાર હોય તો પહેલાં ખાઈ લે, પછી નમાઝ પઢે. વગર કારણે ભૂખે નમાઝ પઢવી મકરૂહ છે. પરંતુ જો જમાઅત જવાનો ડર હોય અથવા તો વખત પૂરો થવા લાગે, તો પહેલા નમાઝ પઢી લેવી જોઈએ.
  • આગલી સફમાં ખાલી જગ્યા હોવા છતાં પાછળની સફમાં ઉભા રહેવું.
  • સિજદહમાં હાથ-પગની આંગળીઓ કિબ્લહ સામે ન રાખવી.
  • નમાઝમાં સુન્નત વિરૂદ્ધ કોઈ કામ કરવું.
  • અમૂક સમય માણસ પોતાની દુકાનમાં નમાઝ પઢે છે, જેમાં તેલના ડબ્બા વગેરે પર ફોટા હોય છે. તો જો તે ફોટાવાળો સામાન સામે જ છે, તો ઘણું સખત મકરૂહ (મકરૂહે તહરીમી) છે. અને જો ડાબી-જમણી બાજુ છે, તો એમાં પણ થોડું મકરૂહ (મકરૂહે તન્ઝીહી) છે, પણ સામે હોવા કરતાં ઓછું. એટલે દુકાનમાં નમાઝ પઢતી વેળા આવી વસ્તુઓ પર કપડું ઢાંકી દેવું જોઈએ. (કિતાબુલ ફતાવા : ર૩૪/ર)
  • નમાઝમાં અમૂક લોકો ઘડિયાળમાં જોયા કરે છે, તો નમાઝમાં કોઈપણ એવું કામ જે નમાઝથી ધ્યાન હટાવી દે, મકરૂહ છે. અને આ કામ (ઘડિયાળમાં જોવું) પણ એવું જ છે. એટલે એનાથી બચવું જોઈએ. હા, ઘડિયાળમાં જોઈને ટાઈમ સમજી લે, પણ મોઢેથી કંઈ જ ન બોલે, તો નમાઝ તૂટશે નહીં. (કિતાબુલ ફતાવા : ર૩પ/ર)
  • અરીસા સામે ઉભા રહીને નમાઝ પઢવી મકરૂહ છે. કારણ કે એમાં માણસને પોતાનો ફોટો દેખાય છે અને નમાઝ પઢવાના સમયે સામે કોઈ વ્યક્તિ કે સ્વયં પોતાનો ફોટો હોવો મકરૂહ છે. (કિતાબુલ ફતાવા : ર૩૭/ર)
  • અરીસામાં ફોટાની જેમજ માણસનું પુરૂ સ્વચ્છ પ્રતિબિંબ દેખાય છે, અને નમાઝીની સામે અથવા ડાબી-જમણી બાજુ ફોટો રાખવો મકરૂહ છે. અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે (જે ફોટાની જેમ જ છે), એટલે એને પણ સામે કે ડાબી-જમણી બાજુ રાખવું મકરૂહ છે. (કિતાબુલ ફતાવા : ર૩૭-ર૩૮/ર)
Log in or Register to save this content for later.