સફરના આદાબ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 165 - 166)

જ્યારે કોઈ પોતાના ઘેરથી સફર કરવા ચાહે, તો પોતાના ઘરમાં બે રક્‌અત નમાઝ પઢીને સફરમાં જાય. એ નમાઝ મુસ્તહબ છે. અને જ્યારે સફરથી પાછો ફરે ત્યારે મુસ્તહબ છે કે, પહેલાં મસ્જીદમાં જઈને બે રક્‌અત નમાઝ પઢી લે, પછી ઘેર જાય. હદીષ શરીફમાં છે કે, સફરમાં જતી વખતે જે બે રક્‌અત નમાઝ પઢવામાં આવે છે, તે બે રક્‌અત કરતાં વધારે સારી ચીઝ પોતાના ઘરમાં કોઈ છોડી જતું નથી. (તબરાની) નબીએ કરીમ (સલ.) જ્યારે સફરથી ઘેર પાછા ફરતા, ત્યારે પહેલાં મસ્જીદમાં જઈને બે રક્‌અત નમાઝ પઢી લેતા હતા. (મુસ્લિમ શરીફ)

જ્યારે વાહન પર સવાર થાવ ત્યારે આ દુઆ પઢો : અલ્હમ્દુ લિલ્લાહ ! સુબ્હાનલ્લઝી સખ્ખરલના હાઝા વમા કુન્ના લહુ મુકરિનીન, વ ઈન્ના ઈલા રબ્બિના લમુનકલિબુન.

અર્થ : અલ્લાહ તઆલાનો શુક્ર છે. તે હસ્તી પવિત્ર છે, જેણે આ સવારી અમારા કાબૂમાં કરી દીધી અને અમે પોતે તેને પોતાના કાબૂમાં લાવી શકતા ન હતા. અને એક દિવસ અમે પોતાના પરવર-દિગાર તરફ પાછા ફરી જનાર છીએ.

સ્ટીમર અથવા વહાણમાં સવાર થાય ત્યારે આ દુઆ પઢે : બિસ્મિલ્લાહિ મજરિહા વ મુરસાહા ઈન્ન રબ્બી લગફુરૂર્રહીમ.

 મુસાફરીમાં નીકળે ત્યારે આ દુઆ કરે (હદીષ શરીફની દુઆનો અનુવાદ છે.) :

“હે અલ્લાહ તઆલા ! અમે તારાથી માંગીએ છીએ અમારા આ સફરમાં નેકી અને પરહેઝગારી, અને એવો અમલ કે જેને તું પસંદ ફરમાવે. હે અલ્લાહપાક ! અમારા માટે આ મુસાફરીને સહેલી કરી દે, અને તેની દૂરીને પસાર કરાવી દે. ઈલાહી ! તું જ મુસાફરીમાં મારો સાથી છે, અને મારી પાછળ તું જ મારા ઘરવાળાઓની દેખરેખ રાખનાર છે. હે અલ્લાહપાક ! આ મુસાફરીની મુશ્કેલીઓથી તેમજ બૂરી હાલત જોવાથી તથા પાછા ફરતાં માલમાં, ઘરમાં કે પરિવારમાં અવદશા સામે આવવાથી તારી પનાહ લઉં છું.”

જ્યારે કોઈ શહેર કે ગામમાં પ્રવેશ કરે ત્યારે ત્રણ વખત આ દુઆ પઢે : અલ્લાહુમ્મ બારિક લના ફિહા.

અર્થ : હે અલ્લાહપાક ! અમારા માટે આ શહેરમાં બરકત આપ અને એને અમારા માટે મુબારક બનાવી દે.

Log in or Register to save this content for later.