Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 38 to 39)
તયમ્મુમ પાક માટીથી અથવા કોઈ એવી વસ્તુ કે જે માટીના હુકમમાં હોય, શરીરને નજાસતે હુકમિય્યહ (જેનાથી વુઝૂ-ગુસલ કરવું જરૂરી છે)થી પાક કરવાને તયમ્મુમ કહે છે. અને જ્યારે પાણી ન મળે અથવા પાણીના ઉપયોગથી બીમાર થઈ જવા અથવા બીમારી વધી જવાનો ડર હોય, ત્યારે તયમ્મુમ કરવું દુરૂસ્ત છે.
તયમ્મુમમાં ત્રણ ફર્ઝ છે :
(૧) નિય્યત કરવી,
(ર) બન્ને હાથ માટી ઉપર મારી પુરા મ્હોં ઉપર ફેરવવા,
(૩) બીજી વખત બન્ને હાથ માટી ઉપર મારીને બન્નેહાથોને કોહણી સહિત મસળવા.
તયમ્મુમ કરવાની રીત :
પ્રથમ નિય્યત કરે કે, હું નાપાકી દૂર કરવા અને નમાઝ પઢવા માટે તયમ્મુમ કરૂં છું. પછી બન્ને હાથ પાક માટી ઉપર મારી હાથને ખંખેરી નાંખે. પછી બન્ને હાથ મ્હોં ઉપર એવી રીતે ફેરવે કે કોઈ જગ્યા બાકી રહે નહીં. ફરી બીજી વાર બન્ને હાથ માટી ઉપર મારીને ડાબા હાથના ચારેવ આંગળા જમણા હાથની આંગળીઓના ટેરવાંઓની નીચે મુકી ખેંચી કોહણી સુધી લઈ જાય. પછી ડાબા હાથની હથેળી જમણા હાથની ઉપરની બાજુએ મુકી કોહણીથી આંગળીઓ સુધી ખેંચી લાવે, અને ડાબા હાથના અંગુઠાના અંદરના ભાગને જમણા હાથના અંગુઠાની પીઠ પર ફેરવે. ફરી એ જ પ્રમાણે જમણા હાથને ડાબા હાથ ઉપર ફેરવે. પછી આંગળીઓમાં ખિલાલ કરે. જો અંગુઠી પહેરેલી હોય તો તેને ઉતારવી કે હલાવવી જરૂરી છે. દાઢીનો ખિલાલ કરવો પણ સુન્નત છે.
બન્ને હાથ એવી રીતે ફેરવે કે જેટલું મ્હોં અને હાથ ફર્ઝ છે, તે સર્વે જગ્યાએ હાથ પહોંચે. કોઈ જગ્યા બાકી રહે નહીં.
પાક માટી ઉપર હાથ મારીને તેને ઝટકે કે જેથી મ્હોં અને હાથો પર ધૂળ લાગવાથી સુરત (બાહ્ય દેખાવ) બગડે નહીં. પાક માટી, રેતી, પથ્થર, ચુનો, માટીના કાચા અથવા પાકા વાસણો કે જેની ઉપર કલર ન હોય, માટીની કાચી અથવા પાકી ઈંટો અથવા પથ્થરની દીવાલ, ગેરૂ અથવા ખડી ઉપર તેમજ પાક ધૂળ ઉપર પણ તયમ્મુમ કરવું જાઈઝ અને દુરૂસ્ત છે.
Log in or Register to save this content for later.