રમઝાનની ફઝીલતો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 152 to 155)

રમઝાનુલ મુબારકનો મહિનો મુસલમાનો માટે અલ્લાહપાક તરફથી બહુ મોટું ઈનામ છે. આ મહિનાના રોઝા રાખવા અલ્લાહ તઆલાએ ફર્ઝ કર્યા છે. અને રાત્રે કિયામ કરવું એટલે કે તરાવીહ પઢવી સુન્નત છે. આ મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને દોઝખના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. અને અલ્લાહ તઆલા આ માસમાં પોતાની ખાસ રહેમતો નાઝિલ ફરમાવે છે. અને શયતાનોને કેદ કરી લેવામાં આવે છે, અને ગુનાહોની માફી આપે છે, અને દુઆઓ કબૂલ ફરમાવે છે. અને અલ્લાહ તઆલા તરફથી આ માસમાં રોજ રાત્રે એક ફરિશ્તો પોકારીને કહે છે કે, “છે કોઈ મગફિરત ચાહનાર કે તેની મગફિરત કરી દેવામાં આવે, છે કોઈ તૌબા કરનાર કે તેની તૌબા કબૂલ કરી લેવામાં આવે, છે કોઈ દુઆ કરનાર કે એની દુઆ કબૂલ કરી લેવામાં આવે, છે કોઈ માંગવાવાળો કે તેનો સવાલ પુરો કરી દેવામાં આવે.” હઝરત ઉમર (રદી.) હુઝૂર (સલ.)થી રિવાયત કરે છે કે, રમઝાનુલ મુબારકમાં અલ્લાહ તઆલાને યાદ કરવાવાળા માણસની બખ્શીશ થઈ જાય છે. અને અલ્લાહપાકથી માંગવાવાળો નાઉમ્મીદ થશે નહીં. (ફઝાઈલે રમઝાન)

હદીષ શરીફમાં છે કે, જો લોકોને આ ખબર થઈ જાય કે, રમઝાન મહિનો શું ચીઝ છે ? તો મારી ઉમ્મત આ તમન્ના કરે કે, પુરૂ વર્ષ રમઝાન જ થઈ જાય. અને રમઝાન માસમાં એટલો બધો સવાબ મળે છે કે, જે બીજા દિવસોની સરખામણીમાં નફલ ઈબાદતનો સવાબ ફર્ઝ જેટલો મળે છે અને ફર્ઝનો સવાબ સિત્તેર ગણો મળે છે. (ફઝાઈલે રમઝાન)

હઝરત સલમાન ફારસી (રદી.) બયાન કરે છે કે, શઅબાનના આખરી દિવસે હુઝૂર (સલ.)એ અમારી સામે ખુત્બો પઢ્યો, જેમાં ફરમાવ્યું કે, હે લોકો ! એક મોટો અને ઘણી જ બરકતવાળો માસ તમારા ઉપર છાયા નાખનાર છે. અને એ માસમાં એક એવી રાત્રિ છે કે, જેની ઈબાદત હજાર મહિનાઓની ઈબાદતથી બેહતર છે. અલ્લાહપાકે આ માસના રોઝા (રાખવા) ફર્ઝ કર્યા છે, અને રાતની ઈબાદતને નફલ કરી છે. (રાતનો કિયામ મુસ્તહબ છે.) જો કોઈ આ મહિનામાં કોઈ નેકીથી અલ્લાહપાકની રઝામંદી અને તેની ખુશ્નૂદી હાસિલ કરવા નફલ ઈબાદત કરે, તો તેનો સવાબ બીજા માસના ફર્ઝ જેવો મળે છે. અને આ મહિનામાં ફર્ઝનો સવાબ બીજા માસના ફર્ઝ કરતાં સિત્તેર ગણો મળે છે. અને આ મહિનો સબરનો છે. અને સબરનો બદલો જન્નત છે. અને આ માસ પરસ્પર સહાય અને હમદર્દીનો છે. અને આ મહિનામાં મુઅમિનની રોઝીમાં વૃદ્ધિ કરવામાં આવે છે. જેણે કોઈ રોઝદારનો રોઝો ઈફતાર કરાવ્યો, તો એના ગુનાહોની બક્ષિસનું કારણ બની જાય છે. અને જહન્નમની આગથી છૂટકારાનું કારણ બને છે. અને રોઝો ઈફતાર કરનારના સવાબમાં કાંઈ ઘટાડો થતો નથી. સહાબા (રદી.)એ પૂછ્યું : યા રસૂલલ્લાહ (સલ.) ! અમે સૌ એટલુ ગજાુ રાખતા નથી કે, કોઈ રોઝદારને ઈફતાર કરાવી શકીએ અને તેને ખવડાવીએ. ત્યારે આપ (સલ.)એ ફરમાવ્યું કે, અલ્લાહપાક એવા માણસને પણ આ સવાબ આપશે કે, જેણે માત્ર એક ખજૂર અથવા માત્ર એક ઘુંટ દૂધ અથવા પાણી વડે રોઝો ઈફતાર કરાવ્યો. અને જે માણસ રોઝદારને પેટ ભરીને પુરૂ ખાણું ખવડાવે, તો અલ્લાહ તઆલા તેને મારા હૌઝે કવષરના પાણીથી સયરાબ કરશે કે એને ફરી જન્નતમાં દાખલ થતાં સુધી તરસ લાગશે નહીં. અને આ મહિનો એવો છે કે, આ માસના પહેલા દસ દિવસ રહમતના છે, વચલા દસ દિવસ મગફિરતના અને આખરના દસ દિવસ દોઝખથી છૂટકારા (નજાત)ના છે. અને આ માસમાં જે માણસ પોતાના તાબાના માણસ ઉપર છૂટછાટ મૂકશે (એટલે કે ઓછુ કામ લેશે) તો અલ્લાહ તઆલા તેને દોઝખની આગથી છૂટકારો આપી દેશે, એટલે કે બક્ષી દેશે. (મિશ્કાત, બયહકી)

આ મુબારક મહિના માટે ઘણી ફઝીલત હદીષ શરીફમાં બયાન થઈ છે. અને ઘણો બરકતવાળો મહિનો છે. આ મહિનામાં જેટલો સમય બની શકે તેટલો વધુ ઈબાદતમાં પસાર કરવો જોઈએ.

આ મહિનામાં તહજ્જુદની નમાઝ, ઈશ્રાક, ચાશ્ત, અવ્વાબીન ખાસ કરીને પઢવી જોઈએ. પરંતુ આપણો તો આ હાલ છે કે, ઘણા માણસો સેહરી કરીને સૂઈ જઈ ફજરની નમાઝને પણ કઝા કરી દે છે. આવા મુબારક મહિનામાં નમાઝનું કઝા કરવું કેટલા મોટા ગુનાહનું કામ છે, તે આપણે વિચારવું જોઈએ. અને ઘણા લોકો નમાઝ તો પઢી લે છે, પણ જમાઅતથી ન પઢતાં વહેલા નમાઝ પઢીને સૂઈ જાય છે. જમાઅતને વગર ઉઝરે છોડવી વાજિબને છોડી દેવા સમાન હોઈ જમાઅતથી નમાઝ પઢવી જોઈએ. વગર જમાઅતે નમાજ પઢવાથી ફર્ઝ તો ઉતરી જશે, પણ તેનો સવાબ કંઈ પણ મળશે નહીં. એવો જ મગરિબની નમાઝનો હાલ થાય છે કે, રોઝો ખોલવામાં જમાઅતને છોડી દેવામાં આવે છે. આ રીતે એક ફર્ઝ અદા કરવામાં ત્રણ વાજિબ ખોવા જેવું કરવામાં આવે છે.

Log in or Register to save this content for later.