Chapter : હઝરાતે અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ)
(Page : 168 to 169)
[૬૧] હઝરત ઈસા અલયહિસ્સલામને ફાંસી નથી અપાઈ
સવાલ : નસારા જે ગુડ ફ્રાઈડે કરે છે એમનું ઈમાન છે કે હઝરત ઈસા અલયહિસ્સલામને ક્રોસ પરથી ઉતાર્યા પછી ત્રણ દિવસ કબરમાં રાખીને આસમાન પર બોલાવ્યા.
આપણું ઈમાન છે કે હઝરત ઈસા અલયહિસ્સલામ ઘરમાં ગયા, તેમના પાછળ એક રોમન સોલ્ઝર તેમને પકડવા ગયો. તો એ સોલ્ઝર હઝરત ઈસા અલયહિસ્સલામની શકલમાં થઈ ગયો અને ખરા હઝરત ઈસા અલયહિસ્સલામને ઘરમાંથી ખુદાએ ઉપર ઉઠાવી લીધા. તો આ બનાવટી ઈસાને સૂળી પર લટકાવ્યા. મરણ બાદ કબરમાં નાંખ્યા અને એ ગાઈબ થઈ ગયા, તો એ સોલ્ઝર કયાં ગયો ? દુશ્મનો લાશને લઈ ગયા હઝરત ઈસા અલયહિસ્સલામ સમજીને, અને નસારાને કેવી રીતે ખબર પડી કે હઝરત ઈસા અલયહિસ્સલામ આસ્માન પર ગયા છે ?
જવાબ : કુર્આને કરીમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે :
وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَكِنْ شُبِّهَ لَهُمْ(سورۃالنساء ،آیت 157)
અર્થ : ન યહૂદીઓએ હઝરત ઈસા અલયહિસ્સલામને કતલ કર્યા છે અને ન સૂળી ઉપર ચઢાવ્યા છે, પરંતુ યહૂદીઓને ગલત શુબહ થઈ ગયો છે.
માટે કુર્આની અકીદહ તો એ જ છે કે હઝરત ઈસા અલયહિસ્સલામને ફાંસી આપવામાં આવી નથી, બલ્કે અલ્લાહ તઆલાએ તેઓને જીવતા જ આસ્માન ઉપર ઉઠાવી લીધા છે અને તેઓ કિયામતના કરીબ ઉમ્મતે મુહમ્મદિય્યહના ઈમામે આદિલ બનીને આસ્માન ઉપરથી જમીન ઉપર ઉતરશે. [“મઆરિફુલ્ કુર્આન” : ર / ૭૮, ૬૦૧]
હઝરત ઈસા અલયહિસ્સલામના હમશકલ નસરાનીને અથવા યહૂદીને ફાંસી આપવામાં આવી હતી તેનું શબ ફાંસી આપ્યા પછી કયાં ગયું એ વિશે કોઈ માહિતી મળતી નથી. અને ઈસાઈઓ હઝરત ઈસા અલયહિસ્સલામના ફાંસી પર ચઢાવ્યાનો અને થોડા દિવસો પછી આસ્માન પર ઉઠાવ્યાનો જે અકીદહ રાખે છે એ અકીદહ તેઓમાં પ્રચલિત ઇન્જીલો (બાઈબલો) આધારિત છે. ઇન્જીલ (બાઈબલ)ની વિવિધ પ્રતો છે તેમાંથી ઇન્જીલે બરનાબાસના વર્ણનથી પણ કુર્આની અકીદહની સત્યતા મજબૂત પુરવાર થાય છે. કારણ કે ઇન્જીલની આ પ્રતમાં બરનાબાસે એ વાતની સાફ શબ્દોમાં ચોખવટ કરી છે કે હઝરત ઈસા અલયહિસ્સલામને ફાંસીએ ચઢાવવામાં આવ્યા નથી. બલ્કે તેઓની જગાએ યહૂદાહ ઈસ્કાયુતીને ફાંસીએ ચઢાવવામાં આવ્યો હતો. એવી જ રીતે ઇન્જીલની બીજી પ્રત જે પિતરસ ઈસાઈ હવારીની તૈયાર કરેલ છે તેમાં પણ છે કે હઝરત મસીહ અલયહિસ્સલામને સૂળી પર ચઢાવતાં પહેલાં આસ્માન પર ઉઠાવી લેવામાં આવ્યા હતા. મતલબ કે ઈસાઈઓની ઇન્જીલોમાં પણ એવી વાતો છે જેનાથી કુર્આની અકીદહને સમર્થન મળે છે. [“બાઈબલસે કુર્આન તક” : ૧/૬૯] Log in or Register to save this content for later.