સફા–મરવહ દરમિયાન સઈ

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 99 to 104)

સફામરવહ દરમિયાન સઈ

                                સફા–મરવહના વચ્ચે એક ખાસ રીતથી સાત ચકકર લગાવવાને શરીઅતની પરિભાષામાં ”સઈ” કહેવામાં આવે છે. હજ્જ–ઉમરહ કરનાર માટે ”સઈ” કરવી વાજિબ છે.

                આપને પહેલાં હું જણાવી ચુકયો કે ”સફા– મરવહ” તે જગા છે, જેના દરમિયાન હઝરત હાજિરહ (રદિ.)એ પાણીની શોધમાં વ્યાકૂળતાપૂર્વક દોડ લગાવી હતી, મસ્જિદે હરામની નવેસરથી ત’અ્‌મીર થયા બાદ, ત્યાંનો નકશો એકદમ બદલાઈ ગયો છે. ”સફા– મરવહ” જે બે પહાડીઓ હતી, અને બંનેના વચમાં એક લાંબુ મોટું બઝાર હતું, હાજી લોકો ”સફા– મરવહ”ની ”સઈ”, આ બઝારવાળી સડક ઉપર જ કરતા હતા. હવે તે બઝાર ખતમ કરી દેવામાં આવ્યું છે અને એમ લાગે છે કે જાણે આ ભાગ પણ મસ્જિદે હરામમાં દાખલ છે.

                ”સઊદી હુકૂમતે” હાજીઓ માટે જે રાહતો કરી છે, તેમાંની એક આ પણ છે કે બંનેના વચ્ચેના રસ્તામાં સંગે મરમર બીછાવી દીધા છે, તેને એર કંડીશન કર્યા છે અને હાજીઓની ભીડના કારણે બે માળના બનાવી દીધા છે, એટલે ઉપર પણ સઈ કરવામાં આવે છે, ભીડ વધારે હોય તો ઉપર જઈને સઈ કરશો તેમાં આપને રાહત રહેશે.

                ઉપર જવા માટે સફા તથા મરવહ બંને તરફ ઈલેકટ્રીકલ સીડીઓ છે, અને એ સિવાય વચમાં સાદી સીડીઓ પણ છે.

                ”સઈ” કરવામાં લગભગ લોકો એ ભૂલ કરે છે કે, ”સઈ” શરૂ કરતા પહેલાં ”હજરે અસ્વદ”ને ”ઇસ્તિલામ” કર્યા વગર જ ”સઈ” માટે ચાલ્યા જાય છે, હાલાં કે જેવી રીતે ”તવાફ”, ”હજરે અસ્વદ”ના ”ઇસ્તિલામ”થી શરૂ કર્યો હતો, એ જ રીતે, ”સઈ” પણ ”હજરે અસ્વદ”ના ”ઇસ્તિલામ”થી શરૂ કરવી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્‍નત છે.

                તો આપે હવે ”સઈ” કરવા જવાનું છે, માટે ”હજરે અસ્વદ”ને ”ઇસ્તિલામ” કરી લો અથવા દૂરથી તેના તરફ બંને હથેળીઓ કરી, તેને ચૂમી લો, અને ”બાબુસ્સફા” ઉપર આવો.

                હજરે અસ્વદની નિશાનીવાળી કાળી પટ્ટી, જયાં પૂરી થાય છે, ત્યાં મોટા અક્ષરે અરબી અને ઈંગ્લીશમાં ”અસ્સફા”નું બોર્ડ લગાવેલું છે, ત્યાંથી થોડા આગળ ચાલતાં, પહાડની નિશાની શરૂ થઈ જાય છે.

                આ વાત પણ જણાવી દઉં, કે સફા પહાડી ઉપર એકદમ ઉપરના ભાગે, સઉદી હુકૂમતે એક ઓફિસ બનાવેલી છે, ત્યાં મા’ઝૂર અને એવા કમઝોરો માટે, જેઓ ચાલીને તવાફ કે સઈ નથી કરી શકતા, ચેર (ખૂરશી) આપવાનો ઈન્તિજામ કર્યો છે, અને તેની રીત આ છે કે, આપનો પાસપોર્ટ ત્યાં જમા કરાવો, તો આપને એક વ્હીલચેર આપશે, આપ પોતાના માણસને તે વ્હીલચેર ઉપર તવાફ કે સઈ કરાવ્યા પછી, પાછી તે વ્હીલચેર ત્યાં જ ઓફિસે જમા કરાવી આપો, એટલે આપને આપનો પાસપોર્ટ પાછો આપશે. જેટલી વ્હીલચેર જોઈતી હોય, એટલા પાસપોર્ટ આપવા પડે છે. પણ જો તમારે વ્હીલચેરની સાથે સાથે વ્હીલચેર ચલાવનારો પણ જોઈતો હોય, તો પાસપોર્ટ જમા કરાવવાની જરૂરત રહેતી નથી, આ જ જગાએ ઘણા બધા માણસો પોતપોતાની વ્હીલચેર લઈને બેસેલા હોય છે તેમાંથી ગમે તે એકને બોલાવી મઝદૂરી નકકી કરી લો, અને આપનું કામ પૂરુ થયે, એમની મઝદૂરી આપી એમને રવાના કરી દો.

તમો જયારે ”સફા” પહાડી પાસે પહોંચો તો આ પઢો :

اَبْدَأُ بِمَا بَدَأَ اللّٰہُ بِہٖ، اِنَّ الصَّفَا وَ الْمَرْوَۃَ مِنْ شَعَائِرِ اللّٰہِ۔

                (અબ્દઉ બિમા બદઅ લ્લાહુ બિહી, ઈન્‍નસ્સફા વલ મરવત મિન શઆઈરિ લ્લાહિ.)

                ” હું (સઈ)તે જ જગાએથી શરૂ કરું છું જેનું અલ્લાહ તઆલાએ પહેલા વર્ણન કયુર્ં છે, (જેમકે ફરમાવ્યું) બેશક સફા અને મરવહ અલ્લાહ તઆલાની નિશાનીઓમાંથી છે.”

                અને ”સફા” ઉપર એટલી ઉંચાઈએ ચઢો કે ”કઅબહ” શરીફ દેખાય (વગર ચઢે કઅબતુલ્લાહ જોવાય તો પણ ચઢવું મસ્નૂન છે.)

                નવા બાંધકામ પછી સફાની ઉંચાઈના પ્રથમ ભાગ પર ચઢવું, જયાંથી બયતુલ્લાહ નજર આવે, બસ છે. અમૂક લોકો બિલ્કુલ દિવાલ સુધી ચઢી જાય છે, એ સહીહ નથી.

                હવે દિલમાં ”સઈ”ની નિય્યત કરો અને મોંથી આ પઢો :

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ السَّعْیَ بَیْنَ الصَّفَا وَ الْمَرْوَۃَ سَبْعَۃَ اَشْوَاطٍ لِوَجْھِکَ الْکَرِیْمَ ، فَیَسِّرْہٗ لِی وَ تَقَبَّلْہُ مِنِّی۔

                (અલ્લાહુમ્મ ઈન્‍ની ઉરીદુ સ્સઅ્‌ય બય્‌ન સ્સફા વલ મર્‌વત સબ્અત અશ્વાતિન લિવજહિકલકરીમ ફ યસ્સિરહૂ લિ વ તકબ્બલહુ મિન્‍ની.)

”અય અલ્લાહ હું આપની રઝામંદી માટે સફા–મરવહના સાત ચકકરોનો ઈરાદો કરું છું. આપ મારા માટે તે આસાન ફરમાવી દો અને તેને કબૂલ ફરમાવો. (દિલથી નિય્યત કરી શકો છો, પરંતુ મોંઢેથી બોલવું અફઝલ છે.)

                પછી બંને હાથ આસ્માન તરફ એ પ્રમાણે ઉઠાવો, જે પ્રમાણે દુઆમાં ઉઠાવવામાં આવે છે. નમાઝની ”તકબીરે તહરીમહ”ની જેમ ના ઉઠાવશો, જેમકે ઘણા અભણ લોકો આ પ્રમાણે કરે છે. પછી અલ્લાહ તઆલાની હમ્દ અને ષના બયાન કરો, ત્યાર પછી તેની તવહીદ બયાન કરો, ખાસ કરીને કલિમએ તવહીદ પઢો જે આ પ્રમાણે છે.

                                                لااِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لاشَرِیْکَ لَہٗ، لَہُ المُلْکُ وَ لَہُ الْحَمْدُ وَ ھُوَ عَلٰی کُلِّ شَیْئٍ قَدِیْرٌ۔

                (લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહદહૂ લા શરીક લહૂ, લહુલ મુલ્કુ વલહુલ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર.)

                ” અલ્લાહના સિવાય કોઈ મઅબૂદ નથી, તે એક છે, તેમનો કોઈ ભાગીદાર નથી, તેમની બાદશાહી છે, અને બધા વખાણ તેમના જ માટે છે, અને તેઓ દરેક વસ્તુ ઉપર કાદિર છે.”

અને ત્રીજો કલિમો, કલિમએ તમજીદ પણ પઢો :

                                                سُبْحَانَ اللّٰہِ، وَ الْحَمْدُ للّٰہِ، وَ لااِلٰہَ اِلاَّ اللّٰہُ، وَ اللّٰہُ اَکْبَرْ، وَ لاحَوْلَ، وَ لاقُوَّۃَ اِلاَّ بِاللّٰہِ الْعَلِیِّ الْعَظِیْم۔

                (સુબ્હાન લ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઇલાહ ઇલ્લ લ્લાહુ વ લ્લાહુ અકબર, વલા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ.)

                ”અલ્લાહ તઆલા પાક છે અને બધા વખાણ અલ્લાહ તઆલાના માટે છે અને અલ્લાહ સિવાય કોઈ મઅ્‌બૂદ નથી, અને અલ્લાહ સૌથી મોટા છે, અને ગુનાહોથી બચવાની તાકત અને સારા કામો કરવાની તાકત, અલ્લાહના તરફથી છે,જે મોટી શાન અને અઝમતવાળા છે..”

                પછી અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરો કે, તેણે ફકત પોતાના ફઝલો કરમથી આ મુબારક અને પાક જગાએ આપને પહોચાડયા અને ખૂબ ઈત્મીનાનથી દુઆ કરો અને અહીંયાં જે પણ ચાહો તે માંગો અને વધારે વખત ઊભા રહો. લગભગ રપ આયતો પઢી શકાય એટલી વાર ઉભા રહો, ત્યાર પછી પોતાની આદત પ્રમાણે ઝિક્ર કરતાં કરતાં, અને દુઆ માંગતાં માંગતાં, ”મરવહ” પહાડી તરફ ચાલો.

                સઊદી હુકૂમતે જવા આવવાના રસ્તાઓ, અલગ અલગ કરી આપ્યા છે, અને વચમાં મઅઝૂર લોકોની ગાડીઓ ચલાવવાના રસ્તા પણ બનાવેલા છે.

                ”સફા– મરવહ”ના વચમાં પણ દિલથી દુઆ માંગો, કે ઈલાહી આ સઈ હઝરત હાજિરહ (રદિ.) હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) અને હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ની યાદગાર છે. એજ પ્રમાણે મને અને મારી અવલાદને તારા દીનની મહેનત અને કોશિષ માટે ચાલવાની તૌફીક અર્પણ ફરમાવો. અને આ દુઆ પઢતા રહો :

رَبِّ اغْفِرْ ،وَ ارْحَمْ ،اَنْتَ الاعزُّ الاکْرَمْ

(રબ્બિગફિર, વર્‌હમ, અન્તલ અઅઝઝુલ અકરમ.)

                ”અય અલ્લાહ તઆલા મને મુઆફ ફરમાવો, અને મારા ઉપર રહમ ફરમાવો, તમો સૌથી વધૂ ઈઝઝત અને બુઝુર્ગીવાળા છો.”

                અને બીજી દુઆઓ પણ માંગો. પછી આગળ ચાલતાં ચાલતાં, લીલા રંગના થાંભલાઓ, જમણી તથા ડાબી બંને બાજુ આવશે. (લીલા રંગની ટયુબો ર૪ કલાક સળગેલી રહે છે.) તો એ થાંભલાઓ જયારે તમારાથી બે ચાર ફૂટ દૂર હોય, ત્યારથી જ મર્દોએ (ઓરતો એ નહિ.) ઝડપથી ચાલવાનું છે અને દોડતાં દોડતાં, આગળ ફરીવાર બીજા લીલા થાંભલાઓ, ડાબી તથા જમણી બંને તરફ આવશે, તો તેનાથી બહાર નીકળી જાઓ, ત્યાં સુધી ઝડપથી ચાલતા રહો, પછી મર્દોએ આહિસ્તા ચાલવાનું છે, જેથી તમારી સાથે જે ઓરતો હતી અને તમારા ઝડપથી ચાલવાના કારણે તેણીઓ પાછળ રહી ગઈ છે, તેણીઓ તમારા સાથે થઈ શકે. હવે આગળ મરવહ પહાડી આવશે, તો તેના ઉપર પણ એટલી ઉંચાઈએ ચઢો, કે જો સામે મકાનો ના હોત, તો બયતુલ્લાહ દેખાત! (હવે ત્યાં બાંધકામ થઈ જવાથી બય્‌તુલ્લાહ નઝર નથી આવતું). બય્‌તુલ્લાહ તરફ મોઢું કરીને ઉભા રહો અને ત્યાર પછી, જે રીતે સફા પહાડી ઉપર ઝિક્ર અને દુઆ કરી હતી, અહીંયા પણ તેમજ કરો, હવે આ તમારો એક ચકકર પૂરો થયો. હવે મરવહથી સફા તરફ ઉતરીને ચાલો અને લીલા થાંભલાઓ આવે, ત્યારે પહેલાનાં જેમ જ ઝડપથી ચાલો, અહીંયાં સુધી કે બીજા લીલા થાંભલાઓ આવી જાય અને ત્યાર પછી આહિસ્તા ચાલો જેમકે પહેલા ચકકરમાં કર્યું હતું. હવે તમે સફા ઉપર પહોંચી પહેલાની જેમ જ દુઆ કરો, આ તમારો બીજો ચકકર થયો. આજ પ્રમાણે તમારે સાત ચકકરો પૂરા કરવાના છે. સાતમો ચકકર મરવહ પહાડી ઉપર પૂરો થશે.

                સઈ દરમિયાન તમને આ રસ્તા ઉપર ઇસ્લામી દુન્યાના ખૂણે ખૂણાના મુસ્લિમો એક જ લિબાસમાં, એક જ તરાનું ગાતાં, એક ઈશ્કની કૈફિયતમાં જતાં આવતાં જોવા મળશે. તેઝ કદમ, ખુલ્લુ માથું, અલ્લાહનો ઝિક્ર કરતાં જઈ રહયા હશે. એમાં માલદારો હશે, અને ગરીબો પણ, ગોરા, કાળા, મર્દો, ઓરતો પણ જોવા મળશે. પણ કોઈને કશું જ જોવાની ફુરસદ નહિ હોય. ઘણી વખતે તો આશિકોનાં આ મજમાને અને તેમની આશિકાના અવરજવરને જોઈને દિલ પર અજીબ કૈફિયત છવાય જાય છે.

                (એક ખાસ વાત તરફ ધ્યાન અપાવું, કે આ જે સાત ચકકરો લગાવવાના છે, એમાં આપની ભૂલ થઈ શકે છે, અને બની શકે છે, કે આપને યાદ ના રહે કે આપે કેટલા ચકકરો કર્યા છે, માટે ચકકરોને યાદ રાખવા માટે સાત દાણાની તસ્બીહ આંગણીમાં પરોવી રાખવી અને દરેક ચકકર પર એક એક દાણો હટાવતા રહેવું..

                બીજી વાત એ કે, આપ સઈ કરી રહયા છો, અને હજુ ૩ કે ૪ કે એથી ઓછા વત્તા ચકકરો માર્યા છે, અને મસ્જિદે હરામમાં નમાઝ ઉભી થઈ રહી છે તો તમો પણ સઈ કરવાનું છોડીને, જમાઅતની નમાઝમાં શરીક થઈ જાઓ, અને નમાઝ પછી બાકીના ચકકરો પૂરા કરો.

                ત્રીજી વાત એ કે સઈમાં વુઝુ હોવું મુસ્તહબ છે, વુઝૂ વગર પણ સઈ થઈ જાય છે.)

                હવે તમે સઈના સાત ફેરા પૂરા કર્યા છે, એટલે મતાફમાં આવી, કોઈ પણ જગાએ બે ર’કા’ત નમાઝ પઢો. (શરત આ છે કે મકરુહ વખત ના હોય અને સફા કે મરવહ ઉપર નફલ ના પઢશો, ત્યાં નમાઝ પઢવી મકરુહ અને બિદઅત છે.)

Log in or Register to save this content for later.