Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 89 to 92)
તવાફની બે રકાત નમાઝ
તવાફના સાત ચકકરો પૂરા થયા, એટલે હવે તમારે ”તવાફ”ની બે રક્અતો પઢવાની છે, પણ એ પહેલાં આપે એક મસ્અલો યાદ રાખવો જોઈએ, કે જો ”તવાફ”નાં ચકકરોમાં ભૂલ થઈ જાય, અને સાતના બદલે આઠ ચકકરો થઈ જાય, તો ”તવાફ” થઈ જશે, પણ જો છ ચકકર થયા તો ”તવાફ” નહિ થાય, (અધૂરો ગણાશે અને તેને પૂરો કરવો જરૂરી છે.)માટે ચકકરોને યાદ રાખવા માટે કોઈ નિશાની જરૂરથી રાખશો અથવા સંપૂર્ણ સજાગ રેહશો, જેથીભૂલ ના થાય.
(હજ્જમાં દરેક જગાએ જો તમે સજાગ રેહશો અને કોઈ ભૂલ નહિ કરો, તો આપને ઘણી જ રાહત રહેશે, અને કોઈ પણ જાતની પરેશાની નહિ થાય, પણ જો ગફલત અથવા બે તવજજુહીના લઈને ભૂલી ગયા, અથવા કોઈ વસ્તુ છોડી આપી, તો હજ્જનાં ઘણાં મસાઇલનું ઉલ્લંધન કરી નાખશો.)
અને બીજી વાત એ કે, જેવી રીતે નમાઝ વુઝૂ વગર થતી નથી, એવી જ રીતે તવાફ પણ વુઝૂ વગર થતો નથી , માટે જો કોઈનું વુઝૂ, ચાર ચકકર પૂરા કરતાં પહેલાં તુટી જાય તો, તે વુઝૂ બનાવીને નવેસરથી તવાફ કરે અને જો ચાર અથવા ચારથી વધુ ચકકરો પછી તૂટી જાય તો ચાહે તો વુઝૂ બનાવીને બાકીના ચકકરો પૂરા કરે, અને ચાહે તો નવેસરથી કરે, એને ઈખ્તિયાર છે.
(પેશાબ, પાખાનાનો તકાઝો હોય એવી હાલતમાં તવાફ કરવો મકરૂહ છે.)
અને ત્રીજી વાત આ પણ યાદ રાખશો કે, જો કોઈ તવાફ કરવાવાળો નમાઝીના સામેથી ગુજરે, તો ન તો તવાફ કરવાવાળાને કોઈ ગુનોહ થશે અને ન તો સામેથી ગુજરનારાને કોઈ ગુનોહ થશે. બલ્કે તવાફ ના કરતો હોય અને ફકત ભીડના કારણે ગુજરે તો પણ જાઈઝ છે, હા, ફુકહાએ લખ્યું છે કે સિજદહની જગા છોડીને આગળથી ગુજરવું જોઈએ.
”તવાફ” થી ફારિગ થઈ હવે ”મકામે ઈબ્રાહીમ” તરફ, બે રકા’ત નમાઝ પઢવા માટે આવો.
”મકામે ઈબ્રાહીમ”, ”કઅ્બતુલ્લાહ”ના દરવાજાની સામે એક પીંજરા આકારના મજબૂત આવરણમાં સુરક્ષિત છે, તેના અંદર તે પથ્થર મુકેલો છે, જેના ઉપર ઉભા રહી હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)એ બયતુલ્લાહની તા’મીર કરી હતી. તે પથ્થર જરૂરત પ્રમાણે ઉંચો નીચો પણ થઈ જતો હતો, એના ઉપર હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ના મુબારક કદમોના નિશાન છે, અને આ પથ્થર જન્નતી પથ્થર છે.
જયારે તમો આ જગા તરફ આવો, ત્યારે તમારી ઝુબાન પર :
وَ اِتَّخِذُوْا مِنْ مَقَامِ اِبْرَاھَیْمَ مُصلَّٰی
(વત્તખિઝૂ મિમ્મકામિ ઈબ્રાહીમ મુસલ્લા.)
”અને ઇબ્રાહીમ (અલ.)ના ઊભા રહેવાની જગાને તમો નમાઝ (પઢવા)ની જગા બનાવો”નો વઝીફો હોવો જોઈએ.હવે જો સહૂલતના સાથે મકામે ઈબ્રાહીમના પાછળ, એટલે કે તમારા અને બયતુલ્લાહની વચમાં, મકામે ઈબ્રાહીમ આવે એ રીતે જગા મળી જાય તો ઠીક, નહિ તો, આસપાસ જયાં પણ જગા મળે ત્યાં તવાફની બે રકા’ત નમાઝ પઢી લો. (મકામે ઈબ્રાહીમને બોસો આપવો કે હાથ લગાવવો મના છે, એનાથી બચશો.)
પહેલી રકા’તમાં قُلْ ھُوَ اللّٰہُ اَحَد (કુલ યા અય્યુહલ કાફિરૂન) અને બીજી રકા’તમાં قُلْ یَا اَیُّھَا الْکَافِرُوْن(કુલ હુવ લ્લાહુ અહદ) પઢવી. (જો બીજી કોઈ સૂરતો પઢશો તો પણ વાંધો નથી. આ બે રકા’ત પઢવી વાજિબ છે. અને તવાફ કરતી વેળાએ મર્દોએ જે ”ઈજ્તિબાઅ” (ખભો ખૂલ્લો) કર્યો હતો, હવે તે ખભો ઢાંકીને નમાઝ પઢવાની છે, એટલે ચાદર જમણી બગલની નીચેથી કાઢી નાખો, અને હવે જમણા ખભા ઉપર નાખી દો. (નમાઝ પછી તમારે ”સફા– મરવહ”ના વચમા ”સઈ” કરવાની છે, તેમાં પણ ખભો ઢાંકેલો જ રાખવાનો છે.) હા, પણ માથું તો ખુલ્લું જ રાખવાનું છે. સલામ ફેરવ્યા પછી, ખુશૂઅ સાથે દિલ લગાવીને દુઆઓ કરો, તમારી ભાષામાં માંગો, અને ખૂબ માંગો.
નમાઝ તથા દુઆથી ફારિગ થઈ, જો શકય હોય તો મુલ્તઝમ ઉપર આવો (હજરે અસ્વદ અને કાબાના દરવાજાની વચમાં લગભગ અઢી ગઝની જે દિવાર છે તેને મુલ્તઝમ કહે છે.મુલ્તઝમનો અર્થ છે ચીમટવા અને વળગવાની જગા) દુઆ કબૂલ થવાની આ ખાસ જગા છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ મુલ્તઝમને એવા વળગી જતા હતા, જેવી રીતે નાનુ બચ્ચુ માંની છાતીએ વળગી જાય છે. તમોને પણ મોકો મળે, તો તમો પણ જરૂર વળગી જશો.
અને ચીમટવાની રીત આ છે, કે બંને હાથ બરાબર સીધા માથા ઉપર ઉંચા કરી, દીવાર ઉપર પાથરી આપવા અને સાથે સાથે પેટ અને છાતીને પણ દિવારથી લગાવી આપવા અને કોઈક વાર જમણો ગાલ દિવાર ઉપર લગાવો, તો કોઈકવાર ડાબો ગાલ દીવાર ઉપર લગાવો. (એની મિસાલ એવી સમજો જેમકે એક નાના બચ્ચાને કોઈ સતાવતો હોય અને તે રડી પડે, અને તેની માં તેને જયારે ખોળામાં લે છે, તો બચ્ચું કેવું વળગી પડે છે ? અને તેના ગાલો પણ વારા ફરતી આવી જ રીતે કરે છે!) અને કોઈક વાર કઅ્બતુલ્લાહના પરદાને પકડી પકડીને, રડી રડીને દુઆ કરો, કારણ કે આ સમય ઘણી જ કાકલૂદી અને ખુશૂઅ, ખુઝૂઅથી દુઆ માંગવાનો છે. જે ભાષામાં પણ દુઆ માંગવા ચાહો, માંગો, અને એવું સમજીને માંગો કે રબ્બે કરીમના દરવાજા ઉપર પહોંચી ગયો / ગયી છું , અને તેના ઉંબરા થી લાગીને ઉભેલો / ઉભેલી છું, અને તે મારા હાલને જોઈ રહયો છે. આ મોકા ઉપર જહન્નમથી છુટકારો, અને જન્નતમાં વિના હિસાબ કિતાબ દાખલાની દુઆ જરૂર માંગો. તમારા એવા ગુનાહ પણ હશે જેને ફકત તમો જ જાણો છો અને દિલના ખુણામાં એવી ઉમ્મીદો અને આરઝુઓ પણ હશે જે વર્ષોથી તમોએ તમારા સીનામાં છુપાવી રાખી હશે ! આજે તેને પણ માંગી લો, પોતાના માટે, પોતાની અવલાદ માટે, પોતાના વાલિદૈન માટે, બીજા સગાવ્હાલાઓ માટે, દોસ્તો માટે, તમારા મુહસિનો માટે અને યાદ રહે તો આ ”ઇકબાલ ફલાહી” માટે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પૂરી ઉમ્મત માટે, દુનિયા આખિરતની દરેક નેઅ્મત માંગો, અને રડી કકડીને માંગો. સમસ્ત માનવજાતની હિદાયત માટે પણ અચૂક દુઆ માંગો.
જો ”મુલ્તઝમ”ને વળગવાનો મોકો ના મળે તો ”હરમ”માં જયાં પણ જગા હોય, ત્યાંથી પોતાનું મોઢું અને પોતાની નઝર ”મુલ્તઝમ” તરફ કરીને દુઆ માંગી લો.
Log in or Register to save this content for later.