અરફાતના મેદાનની દુઆઓ

Chapter : બહેનોની હજ્જ

(Page : 122 to 140)

અરફાતના મેદાનની દુઆઓ

                મજકૂર દુઆઓ કુર્આન પાકની આયતો અને મસ્નૂન દુઆઓનો ગુજરાતી અનૂવાદ છે, જેથી દરેક હાજી/હજીયાણી સમજીને પોતાના અંતઃકરણથી દુઆ માંગી શકે છે, દરેક ભાષાનો સર્જનહાર અલ્લાહપાક આપની ભાષાને જાણે છે અને સમજે છે. ઘણી આજિઝીની સાથે દુઆઓ માંગવી જોઈએ, દિલ અને આંખોએ પણ દુઆનો સાથ આપવો જોઈએ.

                ”હે મારા ખુદા ! તમે અમોને દુઆ કરવાનો હુકમ આપ્યો છે, અને અમારી દુઆઓને કબૂલ કરવાનો વાયદો પણ કર્યો છે કે ”મારાથી માંગો હું તમારી દુઆઓ કબૂલ કરીશ.”

                જેથી હે મારા ખુદા ! અમારી ભૂલોને માફ ફરમાવો, અને અમારા ગુનાહો ઉપર પરદો નાંખી દો, પોતાની રહમત અને ફઝલથી અમારા દરેક કામોને આસાન ફરમાવી દો.

                હે અલ્લાહ ! આ મુબારક સફરમાં અને આ અરફાતના મેદાનમાં તમારાથી તમારી હંમેશા બાકી રહેનારી રઝામંદી અને રઝામંદીના સાથે સાથે દરેક જાતની આસાની અને સરળતાની તલબગાર છું, તમો મારા મદદગાર અને સાથ આપનારા છો. તમો જ મારી અવલાદ અને ઘરવાળાઓની હિફાઝત કરનારા છો, આ સફરની દરેક તકલીફને કબૂલ ફરમાવો, અને દરેક કામમાં અમોને નેક નિય્યતીના સાથે કાયમ રાખો.

                આ અરફાતના મેદાનમાં સાચા દિલથી ઈકરાર કરૂં છું કે તમારા સિવાય મારો કોઈ મઅ્‌બૂદ નથી, અને હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તમારા ખાસ બંદા અને સાચા રસૂલ અને પયગમ્બર છે.

                હે દુનિયા અને આખિરતના માલિક ! હે અનહદ રહમત અને બક્ષિશ કરનારા ! મારા ઉપર તમારા અપાર એહસાનો છે, દરેક નેઅ્‌મતનો હું શુક્ર અદા કરી શકતી નથી, મારા ઉપર રહમ કરનારા ! મને ગરીબાઈ અને તંગદસ્તીના કારણે જલીલ ના કરશો, કર્ઝની બદનામીથી મારી હિફાઝત ફરમાવશો અને જે નેઅમતો તમોએ મને આપેલ છે, તેને તમો પાછી ના લઈ લેશો, તંદુરસ્તી અને આફિયતની ઝિંદગી અતા ફરમાવો.

                તમારી દરેક નેઅ્‌મતો પર તમોને યાદ કરવા માટે, તમારો શુક્રિયહ અને ઈબાદતનો પૂરેપૂરો હક અદા કરવા માટે મારી મદદ ફરમાવો, દરેક જાતના ફસાદ અને આ વર્તમાન યૂગના દરેક ફિત્નાઓથી મારી તથા દરેક મુસલમાનની હિફાઝત ફરમાવો, તમો જ પોતાના બંદાઓની હિફાઝત કરનાર છો.

                હે અમારા ખુદા ! અમારી નમાઝો, અમારી હજ્જ, અમારી ઝકાત, અમારા રોઝા, અમારા તરફની કુર્બાનીઓ, અમારી ઝિન્દગી, અમારૂ મૌત, સર્વે તમારા માટે જ છે, હું તમારાથી, તમારી ખૂશ્નૂદી અને રઝામંદીની તલબગાર છું. આ સર્વે મારી નજીવી કોશિષ છે, અને તમારા ઉપર મારો ભરોષો છે.

                એ મારા ખુદા ! હું અત્યારે તમારી પાક ઝમીન અને રહમતના છાંયડા હેઠળ છું, આ સમય તમારી રહમત અને બક્ષિશ કરવાનો છે, તૌબા કબૂલ કરવાનો અને ગુનાહોને માફ કરવાનો અને તમારા કરમ અને એહસાનો કરવાનો છે. અમારી દુઆઓ સાંભળવાનો અને દુઆ કબૂલ કરવાનો ખાસ સમય છે. દરેક માણસ પોતાની દુઆઓ તમારા દરબારમાં રજૂ કરી રહયો છે, અને તમો જ પોતાની રહમતથી તેને કબૂલ કરનાર છો, આ અરફાતના મેદાનમાં જે આજે તમારી તજલ્લીઓ અને બરકતોનો એક ખાસ દિવસ અને ખાસ જગ્યા છે, મારી આ હાજરી મારા જીવનની છેલ્લી હાજરી ન હોય, અને વારંવાર અહિંયાની હાજરીની સઆદત નસીબ ફરમાવો.

                હે અલ્લાહ ! અમોને હિદાયત નસીબ ફરમાવી દો, જેનાથી અમે માર્ગ ભટકેલાઓથી અને ગુમરાહીથી દૂર રહીએ અને તમારા મકબૂલ બંદાઓમાં શામિલ ફરમાવો, જે સાચા દિલથી ઈમાન લાવ્યા છે, તમો પાક અને ઐબ વિનાના છો, અમે તમારી નેઅમતોની ગણત્રી કરી શકતી નથી, તમોજ સૌથી વધારે રહમ કરનાર અને કરમ કરનાર છો, અને દરેક માંગવાવાળાઓને દરેક વસ્તુ આપનાર છો.

                હે કરીમ ! અમોને આફિયત અને સલામતી અતા ફરમાવો, તમારી ઈતાઅત અને બંદગી કરવાની તૌફિક અતા ફરમાવો, અમારી ઝિન્દગી તમારી અમાનત છે, એટલે સાચા મઝહબ દીને ઈસ્લામના સાથે એવી હાલતમાં અમે તમારા સામે હાજર થઈએ કે તમો અમારાથી રાજી અને ખૂશ હોય !

                તમારા સિવાય અમારો કોઈ માલિક અને કોઈ પાલનહાર નથી અને તમારા સિવાય કોઈ ઈબાદતના લાયક નથી, અને કલિમા ઉપર અમને ખાતિમો નસીબ ફરમાવો :

اَشْھَدُ اَنْ لَا اِلٰہَ إِلَّا اللّٰہُ وَحْدَہُ لَا شَرِیْکَ لَہُ وَ اَشْھَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُہُ وَ رَسُوْلُہُ۔

 

                તમો જ આસમાનો અને પૃથ્વીઓના સર્જનહાર અને બનાવનાર છો અને દુનિયા તથા આખિરતમાં અમારા માલિક અને મદદગાર છો, આ દુઆ કબૂલ ફરમાવીને સાચી મુસલમાન તરીકે મારો ખાતિમો ફરમાવો, તમારા નેક બંદાઓની સોહબત નસીબ ફરમાવો, દરેક વસ્તુને તમોએ પોતાની રહમતમાં લઈ લીધેલ છે, તમો દરેક વસ્તુથી ખબરદાર છો, તમારા બતાવેલ માર્ગ ઉપર ચાલવાની અને ગુનાહોથી બચવાની અને તૌબા કરવાની તૌફિક નસીબ ફરમાવો, તમોએ અમોને જેટલું ઈલ્મ અર્પણ કર્યું છે, એનાથી વધારે અમો કંઈ જાણતી નથી, તમોજ દરેકે દરેક વસ્તુના જાણકાર છો. હું તમારાથી દીન અને દુનિયાની દરેક ભલાઈ, દરેક આફતથી સલામતી અને દરેક મુસીબતથી આફિયતની ઉમ્મીદવાર છું, પોતાના ગુનાહોની માફી સાથે તારા ગજબ અને જહન્નમની આગથી પનાહ માંગુ છું.

                એ અલ્લાહ ! મારા સાંભળવા અને સમજવાની અને જોવાની તાકતને હંમેશા કાયમ રાખશો અને મારા દિલને પોતાના નૂરથી ભરી આપો. માલ અને દોલતની બુરાઈઓથી મારી હિફાઝત ફરમાવો, ફક્ર અને તંગદસ્તીની ઝિલ્લતથી મારી હિફાઝત ફરમાવો, દિલની તારીકી અને કબરની સખ્તી અને અઝાબથી હિફાઝત ફરમાવો, તમારા સિવાય કોઈ બચાવનાર અને હિફાઝત કરનાર નથી.

                હે અલ્લાહ ! મારી અરજ છે કે દરેક વખતે તમારી ઈબાદત અને તમારી બંદગી અને તમારી તાબેદારીનો હકક અદા કરૂં, કુર્આને પાકની તિલાવતને મારી આંખોનું નૂર અને મારા ગમ અને રંજને દૂર કરવાનો જરીયો બનાવો.

                હે અલ્લાહ ! તમો તમારા બંદા ઉપર તેની શકિત અને તાકતથી વધારે બોજ નાંખતા નથી, દરેક માણસ જે કંઈ કરશે તે તેનું પરિણામ મેળવશે અને પોતાના ગુનાહોની સઝા ભોગવશે, જો અમે ભૂલચુકથી કોઈ ગુનોહ કરી બેસીએ તો અમારી પકડ ના ફરમાવશો, દરેક જાતના નિફાક અને કુફ્ર અને આપસના મતભેદ અને બદઅખ્લાકી અને બદનિય્યતીથી અમારી હિફાઝત ફરમાવો. દિલમાં ઉત્પન્ન થનાર દરેક ખરાબ ખ્યાલોથી અને જીવનની દરેક મુસીબતથી અમારી હિફાઝત ફરમાવો, અમારી અચાનક મૌતથી હિફાઝત ફરમાવો, અચાનક પકડથી અમારી હિફાઝત ફરમાવો, અમોને દરેક હકક અદા કરવાની, હક વાત માનવાની અને હક વાત કહેવાની તૌફિક નસીબ ફરમાવો.

                હે અલ્લાહ ! એવા ઈલ્મથી જે આખિરતમાં કામ ન લાગે અને એવા અમલથી જે તમારા દરબારમાં મકબૂલ ન હોય અને એવા દિલથી જે તમારી યાદથી ગાફિલ હોય અને એવી નફસ પરસ્તીથી જેની લાલચ અને હિર્સ કોઈ પણ કાળે પૂરી ન થાય અને એવી દુઆથી જે તમારા દરબારમાં કબૂલ ન થાય, એ બધી બાબતોથી હું તમારી પનાહ માંગુ છું.

                હે અલ્લાહ ! તમો પાક અને દરેક ઐબોથી પવિત્ર છો, અમે તમારી નેઅમતો અને તમારી ફરમાંબરદારીનો સંપુર્ણ હક અદા કરી શકી નથી, તમો તમારી મહોબ્બત અને ઈમાનને અમારા દિલોની ઝિનત બનાવી દો, બુરા અમલોથી અમારી હિફાઝત ફરમાવો, દીન અને દુનિયામાં મારા માટે અને મારા ઘરવાળાઓની હિફાઝત માટે જે કંઈ તમોએ મને આપ્યું છે, એ દરેક માટે તમારી રહમત અને તમારી પર્દાપોશીની તલબાગર છું, મને તે દિવસે અઝાબથી બચાવજો જે દિવસે તમો પોતાના બંદાઓને બીજીવાર ઝિંદગી આપી ઉઠાવશો.

                હે અલ્લાહ ! તમો જ અમારી જરૂરતોને પૂરી કરનાર, દુનિયા અને આખિરતમાં અમારા દરજજાને બુલંદ કરનાર, અમારા દર્દભર્યા અવાઝને સાંભળનાર અને અમારી દુઆઓને કબૂલ કરનાર છો.

                હે દરેક બાબતોને જાણનાર ! અમારા દિલોને પાક કરો, અમારી ઐબો ઉપર પર્દો ફરમાવી દો, અમારા ઘરવાળા અને દરેક મુસલમાન ભાઈઓની દરેક મુસીબત, દરેક પરેશાની અને દરેક આફતોથી હિફાઝત ફરમાવો. !

                હે કમઝોરોની વાત સાંભળનારા ! ચેપી રોગો અને ખાસ કરી લાઈલાજ બીમારીઓ, બલાઓ, દુકાળ, મોંઘવારીથી અમારી હિફાઝત ફરમાવો, દરેક જાહેર અને છુપા ગુનાહોથી હિફાઝત ફરમાવો.

                હે અલ્લાહ ! મુસલમાન પોતાની બદઅમલી અને ગુમરાહીના કારણે દરેક જગ્યાએ ઘણી સખત મુસીબત અને આઝમાઈશમાં સંડોવાયેલા છે, તો પરેશાનહાલોની દુઆ કબૂલ કરનાર, અમારા ગુનાહોના કારણે અમારા ઉપર એવા લોકોને હાકિમ ના બનાવો કે જે તમારાથી ડરતા નથી અને અમારા ઉપર રહમ કરતા નથી.

                હે અમારા અલ્લાહ ! જેઓ તમારા માર્ગમાં નીકળેલ છે અને જેઓ સબરના સાથે, હિમ્મતના સાથે, દુશ્મનોનો મુકાબલો કરી રહયા છે અને તમારૂ નામ ઊંચુ કરવાની કોશીશમાં લાગેલા છે, જેઓ દીનની ખિદમત અને મદદ કરી રહયા છે, જેઓ ઈસ્લામને દુશ્મનોથી બચાવવાની કોશીષમાં લાગેલ છે અને તે મુસલમાન જે તમારા દુશ્મનોના દેશમાં કમઝોર અને નબળા છે, તમારા દુશ્મનો વચ્ચે ઘેરાયેલા છે, મઝલૂમોના જેમ પોતાના દેશમાં રહે છે.

                એ ઘણી ભારે કુદરતવાળા ! પોતાની રહમત અને કરમથી તેઓ સર્વેની મદદ ફરમાવો, ઈસ્લામ અને મુસલમાનોને ઈઝઝત અને તાકત અતા ફરમાવો, દીનનું નામ બુલંદ ફરમાવો અને જે તમારા દીનની સાચી ખિદમત અને મદદ કરે છે તેઓની મદદ અને તાઈદ ફરમાવો, અને જેઓ મુસલમાનોને ઝલીલ (અપમાનિત) કરે છે, તેઓને ઝલીલ (અપમાનિત) ફરમાવો.

                હે મદદ તલબ કરનારની મદદ કરનારા ! એ મઝલૂમોની ફરીયાદ સાંભળનારા ! અમારી હિફાઝત ફરમાવો.

                હે અમારા ખુદા ! એ ઈઝઝત અને અઝમતના માલિક ! હે હંમેશા કુદરત અને તાકત રાખનારા ! હે સખત પકડના માલિક ! હે હુકમ અને ઈરાદાને તાત્કાલિક પૂરો કરનારા ! તે કાફિરો અને મુશ્રિકોના ઉપર લઅનત નાઝિલ ફરમાવો, અને પોતાનો ગઝબ નાઝિલ ફરમાવો, જે તમારા સાથે અમારો સંબંધ તોડવા માંગે છે અને તમારા તે બંદાઓને કતલ કરે છે, જે હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઉમ્મતી છે. તમો અમારા દુશ્મનો દરમિયાન જુદાઈ અને મતભેદ ઉત્પન્ન ફરમાવી દો અને દુશ્મનોની દરેક જમાતના ટુકડે ટુકડા ફરમાવી દો.

                હે અલ્લાહ ! હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સર્વે દુશ્મનો ઉપર પોતાનો તે ગઝબ અને અઝાબ નાઝિલ ફરમાવો જેનાથી કોઈ ઝુલ્મ કરનારાને કદાપિ પનાહ ન મળી શકે. તે ઝાલિમો કે જેઓએ મુસલમાનોને કતલ કર્યા અને તેઓના માલ–સામાન કબજે કરી લીધા, તમો અમારા તરફથી તે દુશ્મનોનો મુકાબલો ફરમાવો, તેઓના ફસાદ અને તેઓની સ્કીમોથી, તેઓના ખતરનાક ઈરાદાઓથી અમોને સર્વેને હિફાઝતમાં રાખો.

                હે અલ્લાહ ! અમોને અને અમારી ઔલાદને અને અમારા તમામ સંબંધીઓને એ દરેક વસ્તુઓ અને મુસીબતોથી જે અમારી ચારેવ બાજુ ફેલાયેલી, જેનાથી અમારૂં ઈમાન કમઝોર અને બસીરત (ઈમાની સમજ) ખત્મ થઈ ગયેલ છે, અમારા દિલ પથ્થર થઈ ગયા છે, હયા અને શરમ ઓછી થઈ ગઈ છે, અમારામાં તે દરેક જાતના ગુનાહો ફેલાઈ ગયા, અમે દરેક તરફથી એ ગુનાહોમાં ફસાયેલ છે, અમારો દેશ, અમારી વસ્તીઓ, તમારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દુશ્મનોથી ભરપૂર છે, એ રહીમ અને કરીમ ! અમોને અને દરેક મુસલમાનને એ દુશ્મનોની બર્બાદીઓથી મહફૂઝ ફરમાવો, અમારી હિદાયત અને ઈસ્લાહ ફરમાવો. અમારી હાલત દિવસે દિવસે પડતીના તરફ જઈ રહી છે, અમને સાચો માર્ગ બતાવો, અમારી દુઆઓ માટે કબૂલિય્યતના દરવાજા ખોલી દો. તમો જ દરેક પરેશાન હાલ અને બેકરારની દુઆ કબૂલ કરો છો.

                હે બે હદ કુદરત અને અઝમતવાળા પરવરદિગાર ! અમોને બીજી કોમો માટે લુકમો ના બનાવો ! અમોને તે ઈમાની તાકત અતા ફરમાવો, જેનાથી અમારા દુશ્મનોના દિલો પર અમારો રોબ કાયમ થઈ જાય, અમારા દિલોમાં ખૌફ અને કમઝોરી ઉત્પન્ન ન થાય અને અમારા દિલો ઉપર દુનિયાની મહોબ્બત ગાલિબ ન થઈ જાય.

                હે અલ્લાહ ! રહમતુલ લિલ આલમીન હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દીનની મદદ ફરમાવો અને હિફાઝત ફરમાવો, દીનની મદદ કરનારની હિફાઝત ફરમાવો, જેણે ઈસ્લામ અને મુસલમાનોની બેઈઝઝતી કરી, તમો તેઓને ઝલીલ (અપમાનિત) ફરમાવો.

                એ અલ્લાહ ! તમો જબ્બાર અને કહહાર છો. તમારો ગઝબ અને અઝાબ અને દરેક જાતની મુસીબતો, તમારા દુશમનો ઉપર નાઝિલ ફરમાવો. તેઓના દિલમાં ખૌફ અને ગભરાટ ઉત્પન્ન ફરમાવી દો, તેઓની શકલ અને સૂરતની તબદીલી ફરમાવી દો, તમો જ અમારા દુઃખ અને દર્દને સાંભળી શકો છો, તમારાથી જ અમો મદદની તલબગાર છીએ, તમારા સિવાય અમારો કોઈ મદદગાર નથી.

                હે અલ્લાહ ! અમારી ઈસ્લાહ ફરમાવી દો, અમારા આપસમાં મહોબ્બત અને હમદર્દી પૈદા ફરમાવી દો, અને અંદરોઅંદરના ઝઘડાઓ, એક બીજાને સતાવવાથી અને દુશ્મનીથી હિફાઝત ફરમાવો. અમોને અમારા મુસલમાન ભાઈબહેનો સાથે મહોબ્બતનો સંબંધ અને ભલાઈ કરવાની તૌફિક અતા કરો.

                હે અલ્લાહ ! અમે તમારા દરબારમાં અને રહમતના આ મૈદાનમાં અમારા સર્વે ગુનાહોની માફીની ઉમ્મીદવાર બનીને આવીં છે, અમોને તમારી રહમતથી દૂર ના ફરમાવો. તમો મહાન રહીમ અને કરીમ છો, અમારા હાલ ઉપર રહમ અને કરમ ફરમાવો, જેથી અમે દરેક અઝાબથી મહફૂઝ રહી શકીએ.

                એ અલ્લાહ ! અમારા દેશ અને અમારા વતન હિંદુસ્તાનની પણ હિફાઝત ફરમાવો, દુશ્મનોની બુરાઈઓથી તેની હિફાઝત ફરમાવો. અમારા દેશવાસીઓને ઈસ્લામની દવલતથી માલામાલ ફરમાવો !

                હે રબ્બુલ ઇઝઝત ! જો અમુક માણસો દેશમાં ફસાદ ફેલાવવા ઈચ્છતા હોય તો તેઓના નાપાક ઈરાદાથી હિફાઝત ફરમાવો, અને તેઓને તૌફિક અતા ફરમાવો કે તેઓના દિલમાં પોતાના દેશની મહોબ્બત, પોતાના દેશને મજબૂત કરવાનો જઝબો પૈદા થાય.

                એ અલ્લાહ ! જે લોકો નકારાત્મકપણે વિચારતા હોય તેઓને હકારાત્મકપણે વિચારવાની તૌફિક અતા ફરમાવો. જે લોકો તોડફોડ કરવાની વિચારસરણી ધરાવે છે તેઓને આબાદ કરવાની વિચારસરણી અતા ફરમાવો.

                એ અમારા પરવરદિગાર ! હિંદુસ્તાનના દરેક વતનીને મહોબ્બત અને પે્રમભાવના સાથે રહેવાની તૌફીક અતા ફરમાવો.

                એ અલ્લાહ ! અમો સર્વેને હલાલ રોઝી હાસિલ કરવાની તૌફીક નસીબ ફરમાવો. રિશ્વત, નફાખોરી, સંગ્રહખોરી, હરામ અને નાજાઈઝ તરીકાઓથી કમાવવાની વિચારસરણીને ખતમ ફરમાવી દો અને તમોએ કુર્આન શરીફ (પોતાના કલામ)માં જે કમાવવાના જાઈઝ તરીકા અને ઉસૂલો બયાન ફરમાવ્યા છે અને જે અહકામો બતાવ્યા છે, લોકોને તે ઉપર અમલ કરવાની તૌફિક અતા ફરમાવો. તેઓના દિલોમાં તમારો ખૌફ પેદા ફરમાવો.

                હે પાક પરવરદિગાર ! અમારી ઝમીનને દરેક બુરાઈથી પાક ફરમાવી દો, અમારા દેશને ખરા અર્થમાં ઈસ્લામનો મજબૂત કિલ્લો બનાવી દો અને તે લોકોને હિમ્મત અને અડગતાપણું નસીબ ફરમાવો, જે પોતાની તાકત મુજબ આ જમીન ઉપર તારા અહકામ ચાલુ કરવાની કોશીષ કરી રહયા છે.

                હે અલ્લાહ ! તે લોકોને કામ્યાબી નસીબ ફરમાવો, જે ઝિન્દગીના દરેક વિભાગોમાં દીનની ખિદમત કરી રહયા છે અને તેઓને તેનો સારો બદલો અતા ફરમાવો. આમીન યા રબ્બલ આલમીન !

                હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અરફાતના મૈદાનમાં પોતાની ઉમ્મતને ભૂલ્યા નથી અને રડી રડીને મગરિબ સુધી ઉમ્મત માટે દુઆઓ માંગી હતી, તો તે મેહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર જો અરફાતના મેદાનમાં દુરૂદ નહિ મોકલો તો પછી કામ્યાબી કેવી રીતે મળી શકશે ? આ મૌકા ઉપર આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઉંમ્‌રભરની મેહનતો, કે જે દીનને ફેલાવવા, અને બંદાઓના રિશ્તાઓ અલ્લાહથી જોડવા માટે કરી હતી, આપણું ઈમાન, આપણી નમાઝ, આપણી હજ્જ અને આપણું દરેક દીની કામ, આ જ મહેનતના પરિણામે છે, એટલે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર પુષ્કળ દુરૂદ મોકલશો.

                અને ૧૦૦ વખતે ચોથો કલિમહ જરૂર પઢશો. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અને આપનાથી પહેલા અંબિયા (અલયહિમુસ્સલામ) બધાએ જ, આ કલિમહને પોતાના માટે દુઆનો દરજજો આપ્યો છે.

ચોથો કલિમહ :

لآالٰہَ اِلا اللّٰہُ وَحْدَہُ لآ شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَ لَہُ الْحَمْدُ ، یُحْيِ و یُُمِیْتُ بِیَدِہِ الْخَیْرُ، وَ ھُوَ عَلٰی کُلِّ شیْئٍ قَدِیْرٌ

                (લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ મુલ્કુ વ લહુલ્હમ્દુ, યુહયી વ યુમીતુ, બિયદિહિલ ખયર, વ હુવ અલા કુલ્લિ શયઈન કદીર.)

                ” અલ્લાહના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી, તે એકલા જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેની જ બાદશાહી છે અને તેના માટે જ બધા વખાણ છે, તે જ જીવાડે છે અને તે જ મારે છે, તેના જ કબ્જામાં દરેક ભલાઈ છે, અને તે દરેક વસ્તુ ઉપર શકિત ધરાવે છે.”

                અદબથી એ પ્રમાણે ઉભી રહો, કે જાણે તમો અલ્લાહ તઆલા સમક્ષ તેના દરબારમાં ઉભી છો. હા, આ અલ્લાહ રબ્બુલ ઈઝઝતનો દરબાર જ છે અને આપ તેની રહમતના ખોળામાં ઉભી છો, માટે માંગવામાં પીછેહઠ ના કરશો. પોતાની ઝુબાનમાં માંગો, કારણકે દરેક ઝુબાનનો પૈદા કરનારો તમારી ઝુબાનને જાણે છે અને સમજે છે. અને દુઆ વખતે તમારૂ દિલ અને તમારી આંખો પણ ઝુબાનનો સાથ આપે એ અત્યંત જરૂરી છે. જયાં જયાં દુઆઓ માંગો ત્યાં ત્યાં તમારી આંખો પોતાના પાણીથી તમારા દિલને ધુએ જે ઘણું જ જરૂરી છે. ખૂબ આંસૂ વહાવો, જેમ તમારા નાનાં બચ્ચાઓ રડી રડીને, અને આંસૂ વહાવી વહાવીને તમારાથી પોતાની ફરમાઈશ પૂરી કરાવી લે છે.

                આખરે સુર્ય આથમ્યો, દુન્યામાં જયાં જયાં સુર્ય ડૂબ્યો હશે, ત્યાં ત્યાં મગરિબની નમાઝ થઈ રહી હશે અને જે લોકો નમાઝ નહિ પઢતા હોય તેઓ અલ્લાહના ત્યાં નમાઝ છોડનારા અને ગુનેહગાર ગણાતા હશે. પણ ખુદા વહદહુ લા શરીક લહૂની કુદરત તો જુઓ, કે આ મેદાનમાં જયા અલ્લાહ તઆલાનાં બોલાવેલા મુસલમાનો ભેગા છે, અને જેમણે આજે હજ્જનો મોટો રૂકન અદા કર્યો છે, તે બધા જ મગરિબની નમાઝ છોડી રહયા છે. અલ્લાહુઅકબર ! આ જ બાદશાહી શા’ન છે. જયાં ઈરાદો કર્યો, ત્યાં હુકમ આપ્યો અને જયાં ઈરાદો કર્યો ત્યાં રોકી દીધા. આજે હુકમ છે કે મગરિબની નમાઝ, ઈશાની નમાઝ સાથે મુઝદલિફહમાં પઢવામાં આવશે. તે બહેનો કે જેમણે કયારેય એક પણ નમાઝ છોડી નથી, તે પણ આજે ખૂશી ખૂશી છોડી રહી છે. અરફાત વાળાઓ માટે આજે મગરિબની નમાઝની જગા મુઝદલિફહ છે, (જો કોઈ રસ્તામાં મગરિબની નમાઝ પઢી લેશે તો પણ મુઝદલિફહમાં જઈને ફરીથી પઢવી પડશે.)અને આજે મગરિબની નમાઝનો ટાઈમ ઈશાનો ટાઈમ છે.

یَفْعَلُ اللّٰہُ مَا یَشَاء وَ یَحْکُمُ مَا یُرِیْد

                યફઅલુલ્લાહુ મા યશાઅુ વ યહકુમુ મા યુરીદુ

”અલ્લાહ તઆલા જે ચાહે તે કરે છે, અને જે ચાહે તેનો હુકમ ફરમાવે છે.”

Log in or Register to save this content for later.