મસ્જિદે હરામમાં દાખલો

Chapter : બહેનોની હજ્જ

(Page : 58 to 66)

મસ્જિદે હરામમાં દાખલો

                ”બયતુલ્લાહ શરીફ”ની ચારેવ બાજુ જે અઝીમુશ્શાન ઈમારત બનેલી છે તેને ”મસ્જિદે હરામ” કહે છે અથવા એમ પણ કહી શકાય, કે ”બયતુલ્લાહ શરીફ”ની મસ્જિદનું નામ ”મસ્જિદે હરામ” છે, અને ”બયતુલ્લાહ શરીફ” ”મસ્જિદે હરામ”ના વચ્ચોવચ છે. જે દુન્યામાં સૌથી પહેલું ઈબાદતખાનું છે, જેના તરફ નમાઝમાં સિજદહ કરવામાં આવે છે.

                કઅબહનો અર્થ ઊંચી જગાનો થાય છે, કઅબહ ઝમીનના ઉપર છે એટલા માટે, અથવા એના મરતબાના ઊંચા હોવાના કારણે, એને કઅબહ કહેવામાં આવે છે.

                ખૈર, તો વાત એ ચાલી રહી હતી કે બસ તમોને મુઅલ્લિમના મકાન સુધી પહોંચાડી આપશે, હવે સારું આ છે કે, આપનો સામાન ઉતારી, વુઝુ ના હોય તો વુઝૂ કરી, તે જ વખતે ”મસ્જિદે હરામ” તરફ, ”તલ્‌બિયહ” પઢતી પઢતીં, આગળ વધો, પ્રવેશતી વખતે નીચેની દુઆ પઢી જમણો પગ મસ્જિદે હરામમાં મૂકો :

بِسْمِ اللّٰہِ وَ الصَّلٰوۃُ وَ السَّلامُ عَلٰی رَسُوْلِ اللّٰہِ۔

”બિસ્મિલ્લાહી, વ સ્સલાતુ વ સ્સલામુ, અલા રસૂલિલ્લાહ”

                (અલ્લાહનું નામ લઈ દાખલ થાઉ છું, અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પર દુરૂદ મોકલું છું)

પછી આ દુઆ પઢો :

رَبِّی اغْفِرْ لِیْ وَ افْتَحْ لِیْ، اَبْوَابَ رَحْمَتِکَ۔

”રબ્બિગ્‌ ફિરલિ વફ્‌તહ લિ અબવાબ રહ્‌મતિક”

                (અય મારા રબ, મારા ગુનાહોને માફ ફરમાવો અને મારા માટે તમારી રહમતના દરવાજા ખોલી આપો)

                હવે નજર નીચી રાખીને આગળ વધો, કારણ કે તમારે ”કઅબતુલ્લાહ” સુધી પહોંચવાનું છે, તહિય્યતુલ મસ્જિદ પઢવાની નથી કારણ કે, મસ્જિદે હરામની તહિય્યતુલ મસ્જિદ ”કઅબતુલ્લાહ”નો તવાફ કરવું છે. લગભગ ર૦૦ કદમ વરંડામાં ચાલવા પછી તમો ”મસ્જિદે હરામ”ના સહેનમાં આવશો, હવે નજર ઉઠાવો, ઉઠાવતાં જ આપની નજર સીધી ”કઅબતુલ્લાહ” ઉપર પડશે, ”કઅબતુલ્લાહ” ઉપર પડનારી આ તમારી પહેલી નજર હશે, જે દુઆ કબૂલ થવાની ખાસ ઘડી છે, માટે કઅબતુલ્લાહ ઉપર નજર જમાવી આપો, અને ઉભા રહીને, પહેલાં ત્રણ વખત નીચે મુજબ દુઆ પઢો :

اَللّٰہُ اَکْبَرْ لااِلٰہَ اِلاَّ اللّٰہُ

(અલ્લાહુ અકબર લા ઈલાહ ઈલ્લલ્લાહ)

اَللّٰہُ اَکْبَرْ لااِلٰہَ اِلاَّ اللّٰہُ  

(અલ્લાહુ અકબર લા ઈલાહ ઈલ્લલ્લાહ)

اَللّٰہُ اَکْبَرْ لااِلٰہَ اِلاَّ اللّٰہُ  

(અલ્લાહુ અકબર લા ઈલાહ ઈલ્લલ્લાહ)

દુઆના બદલે, તકબીરે તશ્રીક પણ પઢી શકાય છે, જે આ પ્રમાણે છે

اَللّٰہُ اَکْبَر،ْ اللّٰہُ اَکْبَرْ،

لااِلٰہَ اِلا اللّٰہُ وَ اللّٰہُ اَکْبَرْ،

اللّٰہُ   اَکْبَرْ، وَ لِلّٰہِ الْْحَمْدُ

અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર

લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર

અલ્લાહુ અકબર,વલિલ્લાહિલ હમ્દ

                ત્યાર પછી ”તલ્‌બિયહ”પઢો, દુરૂદ શરીફ પઢો, અને હાથ ઉઠાવીને આ દુઆ પઢો. (હાથ ફકત આ દુઆમાં જ ઉઠાવવાના છે, પાછળથી તમો જયારે જયારે પણ કઅબતુલ્લાહની ઝિયારત કરો, દુઆમાં હાથ ઉઠાવશો નહિ.) દુઆ નીચે પ્રમાણે છે :

اَللّٰھُمَّ زِدْ ھٰذَا الْبَیْتَ، تَشْرِیْفاً، وَ تَعْظِیْماً، وَ تَکْرِیْماً، وَ مَھَابَۃً، وَ زِدْ مَنْ شَرَّفَہٗ مِمَنْ حَجَّہٗ، وَ اعْتَمَرَہٗ تَشْرِیْفًا، وَ تَکْرِیْمًا، وَ تَعْظِیْمًا وَ بِرًّا۔ اَللّٰھُمَّ اَنْتَ السَّلامُ وَ مِنْکَ السَّلامُ فَحَیِّنَا رَبَّنَا بِالسَّلامِ۔

                (અલ્લાહુમ્મ ઝિદ હાઝલ્બય્ત, તશરીફન તઅ્‌ઝીમન વ તકરીમન વ મહાબતન ઝિદ મન શર્રફહુ મિમ્મન હજજહુ વ એઅ્‌તમરહુ તશ્રીફવ વ તકરીમવં વ તઅઝીમવ વ બિર્રન. અલ્લાહુમ્મ અન્ત સ્સલામ વ મિન્ક સ્સલામ ફહય્યિના રબ્બના બિસ્સલામ.)

                ” અય અલ્લાહ આ ઘરની શરાફત, અઝમત, અને બુઝુર્ગીને વધારો, અને જે માણસ હજ્જ અને ઉમરહ કરી એની શરાફત, અઝમત દિલમાં રાખતો હોય, તેની શરાફત, કરામત, અને ભલાઈ વધારો. અય અલ્લાહ આપનું નામ સલામ છે, અને આપના તરફથી જ સલામતી મળી શકે છે, બસ અમોને સલામતી સાથે જીવતા રાખો.”

                (યાદ રાખો જયાં જયાં દુઆઓ લખી છે જો તે દુઆઓ ના આવડતી હોય, તો પોતાની ઝુબાનમાં દુઆ માંગો )

                ત્યાર પછી, પેટભરીને અદબ અને શુક્રના સાથે, પોતાની ખૂશકિસ્મતી ઉપર ઝૂમી ઉઠીને, એકદમ આજિઝીની સાથે, દીનો–દુન્યાની જાઈઝ અને નેક તમન્નાઓ, પૂરી થવાની દુઆ કરો, કારણ કે આ તમારી દુઆ કબૂલ થવાની ઘડી છે અને દુઆ કબૂલ કરનારનું ઘર તમારા સામે છે, જે કંઈ માંગવું હોય તે માંગી લો, અલ્લાહ રબ્બુલ ઈઝઝત, આ ટાઈમે માંગેલી દુઆ રદ નથી કરતા. આ સમયે, અને આ જગાએ, દુઆ કબૂલ થાય છે.

                હદીસ શરીફમાં છે કે ”બયતુલ્લાહ” ઉપર પ્રથમ નજર પડતાં જ જે દુઆ કરવામાં આવે, તે કબૂલ થાય છે. માંગવામાં કંજુસાઈથી કામ ના લો, બલ્કે પોતાના માટે, પોતાના સગાઓ માટે, પોતાની બહેનપણીઓ માટે, પોતાના મુહસિનો માટે, આમ મુસલમાનો માટે, દુઆઓ માંગો અને શાંતિથી દુઆ માંગી શકો, તે માટે બુઝુર્ગોનું કથન છે કે ”હરમ શરીફ”માં નઝર જુકાવીને ચાલો, અને સારી સુકૂનવાળી એવી જગા મળી જાય કે જયાંથી, ”કઅબતુલ્લાહ” સારી પેઠે દેખી શકાય, ત્યાં ઉભા રહી દુઆ કરો. અને એટલા માટે જ, આપને નસીહત કરવામાં આવે છે, કે પહેલાથી તૈયારી કરીને આવો, કે જયારે તમારી પહેલી નઝર ”કઅબતુલ્લાહ” ઉપર પડશે, ત્યારે તમારે, તમારા રબથી શું દુઆઓ માંગવી છે. જયાં સુધી આપની નઝર બંધ નહિ થાય, ત્યાં સુધીની દુઆઓ ચોકકસ કબૂલ થશે. માણસ જયારે પહેલ વહેલો ”કઅબતુલ્લાહ”ને જુએ છે, તો એના ઉપર અજીબ પ્રકારની હૈબત છવાય જાય છે, અને આંખ જલ્દી ઝપકાય જાય છે.

                સૌથી મહત્વની દુઆ આ છે : ”અય અલ્લાહ મને હિસાબ કિતાબ વગર જન્નતમાં દાખલો નસીબ ફરમાવો,

                અલહમ્દુલિલ્લાહ દિલની મુરાદો પૂરી થઈ, ઝિંદગીભરની દુઆઓનું મરકઝ, અને આ રૂએ ઝમીન ઉપર અલ્લાહ રબ્બુલઈઝઝતનું બનેલું સૌથી પહેલું ઘર, અત્યારે આંખોની સામે છે. અત્યાર સુધી જેને ખ્યાલોમાં ચુમ્યું હતું, અને જેને સ્વપ્નોમાં જોયું હતું, જેને ફોટાઓમાં નિહાળ્યું હતું, ઓ હજીયાણીઓ તમારી શું ખૂશકિસ્મતી ! કે આજે તે તમારી આંખોની સામે છે.

                આ દુનિયામાં પોતાની આંખોથી અલ્લાહ તઆલાને નથી જોઈ શકતી, તો તેના ઘરને જોઈ લેવું એ ઘણી મોટી નેઅ્‌મત છે.

                જેનું નામ તસ્બીહના જેમ, નાનપણથી જ, દરેક મુસ્લિમની ઝુબાન ઉપર જારી રહે છે, જેને જોવાનો શોખ, જન્નતની જેમ, દરેક મુસલમાનને રહે છે, જે દરેક મુસ્લિમ માટે ઈમાની અને દીની વતન છે, જેની કશિશ, (ચુંબકીય તાકત) દરેક ઝમાનામાં હઝારો માઈલો દૂર દૂર થી, પહાડોના આડા અવળા રસ્તાઓથી, એના ચાહકોને બળપૂર્વક ખેંચતી રહી છે. તે મસ્જિદે હરામમાં આપ ઉભી છો. આજ બયતુલ્લાહ છે, જેના તરફ હઝારો માઈલ દૂરથી તમો નમાઝ પઢતી રહી છો અને જેના તરફ નમાઝમાં મોઢું કરવું ફર્ઝ છે, જુઓ તો ખરી ! આજે તમારી નજરો સામે છે, તમારા અને તેના દરમિયાન થોડાક જ મીટરોનું અંતર છે, તમો તેના ગિલાફને પકડી શકો છો અને આંખોથી લગાવી શકો છો, એની દીવાલોને વળગી શકો છો, ઝિંદગીભર મોટી મોટી ઈમારતો ઘણી જોઈ, અને બેહતરીન બંગલાઓ જોયા, પણ આ એક સાદા, ચોખંડા ઘરમાં, અલ્લાહ જાણે શું હુસ્ન, ખૂબસૂરતી તથા દિલકશી છે, કે આંખોમાં વસતું જ જાય છે ! અને દિલમાં ઉતરતું જ જાય છે ! કોઈ રીતે નઝરમા સમાતુ નથી, બસ દિલ ચાહે છે, કે જોતા જ રહીઅેં, એને જોવું દિલની ખૂશી, આંખોનું નૂર, રૂહની ગિઝા, અને નઝરની ઈબાદત છે, દિલની અશુધ્ધિ એનાથી દૂર થાય છે, દિમાગની થકાવટ દૂર થાય છે, અલ્લાહ તઆલાએ અજીબો ગરીબ નેઅમત અતા ફરમાવી છે, તમો આ બધું સ્વપ્ન ના સમજતી ! અને ઝિંદગીની આ સૌથી બાબરકત ઘડીઓ ગફલતમાં ના ગુજારતી ! માંગો ખૂબ માંગો, આપનારાએ ખૂદ આપવાનો વાયદો કર્યો છે.

                અલ્હમ્દુ લિલ્લાહ દુઆ સારી રીતે થઈ ગઈ, હવે આપે ”અહમદાબાદ” અથવા ”મુંબઈ”થી ”ઉમરહ”નું એહરામ બાંધ્યું હતું, એટલે તવાફ કરવાનો છે, તો જેટલું શકય હોય એટલું ”કઅબતુલ્લાહ” તરફ આગળ વધો, પણ જો ભીડ હોય તો ધકકા મુકકી કરી આગળ વધવાની જરા પણ કોશિશ ના કરશો. જયાંથી શકય હોય ત્યાંથી જ આપે તવાફ કરવાનો છે.

Log in or Register to save this content for later.