રિપૉર્ટમાં નામો છપાવવા એ રિયાકારી નથી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 135)

ખરેખર, ઝકાત–સદકહ અને લિલ્લાહની અદાયગીમાં રિયાકારી અને પોતાની નામના માટે દેખાડો કરવો નાજાઇઝ અને હરામ છે. કુર્આન અને હદીસ શરીફમાં રિયાકારીની સખત બુરાઇ બયાન કરવામાં આવી છે. કુર્આન શરીફમાં છે : ”રિયાકારી મુનાફિકની ખસલત–આદત છે  અને રિયાકારીથી સદકહ બરબાદ થઇ જાય છે.”

હુઝૂર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે, ત્રણ માણસોથી અલ્લાહ તઆલા મુહબ્બત કરે છે. એક તે માણસ જે રાત્રે ઊઠીને કિતાબુલ્લાહની તિલાવત કરે અને બીજો તે માણસ જે જમણા હાથથી એ પ્રમાણે સદકહ આપે કે ડાબા હાથથી પણ છુપાવે અને ત્રીજો તે માણસ જે કોઇ લશ્કરમાં હોય અને તેના સાથીઓનો પરાજય થાય,  પરંતુ એ માણસ દુશ્મનનો સામનો કરે.

હઝરત અબૂ બક્ર (રદિ.)એ પોતાનો બધો માલ છુપાવીને અલ્લાહ તઆલાની રાહમાં આપ્યો હતો અને હઝરત ઉમર (રદિ.)એ પોતાનો અડધો માલ જાહેરમાં અલ્લાહ તઆલાની રાહમાં પેશ ફરમાવ્યો હતો.

જો ઝકાત ન આપવાના આક્ષેપથી બચવા માટે અથવા પોતાને જોઇ બીજાઓને ઝકાત અદા કરવાની પ્રેરણા મળે તે હેતુથી ઝકાત જાહેરમાં આપવી પણ જાઇઝ છે, બલકે આવી સૂરતમાં જાહેર કરવી અફઝલ અને બેહતર છે. (મઆરિફુલ કુર્આન : ૧/૬૪ર)

રહી વાત મદ્રસાઓના વાર્ષિક રિપૉર્ટમાં ઝકાત આપનારના નામ સાથે પ્રગટ કરવાની તો એ વિશે એ હકીકત પણ ધ્યાનમાં રાખવી યોગ્ય છે કે, મજકૂર નામ અને રકમ મોટા ભાગે ઝકાત આપનાર ભાઇઓની સૂચના અને કહેવાથી નથી પ્રગટ કરવામાં આવતાં, બલકે મદ્રસાઓના વ્યવસ્થાપકો હિસાબી વ્યવસ્થાની સફાઇ અને સરળતાના હેતુથી ઝકાત આપનાર ભાઇઓના કહયા વગર પ્રગટ કરે છે. કેમ કે ઝકાત આપનાર ભાઇ જો ચાહે તો રિપૉર્ટનો અભ્યાસ કરી એ વાતની તહકીક (તપાસ) કરી સંતોષ મેળવી શકે છે કે, પોતાના સ્થળ ઉપર રહી કોઇ વ્યક્તિ દ્વારા મોકલાવેલી અથવા રૂબરૂ આપેલી રકમ મદ્રસાના હિસાબ–કિતાબમાં શામિલ કરવામાં આવી છે અને તે યોગ્ય જગ્યાએ ખર્ચ કરવામાં આવી છે, માટે પોતાની ઝકાતની અદાયગીમાં અથવા અન્ય મદદની રકમમાં કોઇ ભૂલચૂક થઇ નથી. વળી, દરેક વાચક ભાઇ રિપૉર્ટની પૂરી નામાવલિને વાંચે અને દરેક નામવાળી વ્યક્તિને તે ઓળખે એ પણ જરૂરી નથી.

ખુલાસો એ કે વાર્ષિક રિપૉર્ટમાં ઝકાત આપનાર ભાઇઓનાં નામ અને રકમ પ્રગટ થવાથી એમ માની લેવું યોગ્ય અને દુરુસ્ત નથી કે આ ઝકાતની અદાયગી રિયાકારી અને દેખાડા માટે કરવામાં આવી છે અને ઝકાતના ખરા હકદારોને વંચિત રાખવામાં આવ્યા છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૯૧ થી ૧૯૩)

Log in or Register to save this content for later.