માલિક બનાવવાના હીલાની અમુક સૂરતો–રીતભાતો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 124)

(૧) ફકીરને ઝકાતના માલનો સંપૂર્ણ માલિક બનાવી આપવામાં આવે, પછી તેને કહેવામાં આવે કે ફલાણી જગા પર ખર્ચની જરૂરત છે, તમે પોતાના તરફથી ત્યાં ખર્ચ કરી દો, જો તે ખુશી–ખુશી તે જગાએ ખર્ચ કરી આપે તો તેને આ અમલનો સવાબ મળશે અને ઝકાત દેનારાની ઝકાત અદા થઇ જશે.

(ર) ફકીરને કહેવામાં આવે કે તું પોતાની રીતે કર્ઝ લઇને ફલાણી જરૂરતમાં ખર્ચ કરી આપ અને ખર્ચ કર્યા પછી ફકીરના કર્ઝની અદાયગી ઝકાતની રકમથી કરી આપવામાં આવે, તો આવી સૂરતમાં નિઃશંકપણે ઝકાત અદા થઇ જશે.

(૩) મદ્રસાનો જેટલો માસિક ખર્ચ રસોડા, તા’લીમ, મુદર્રિસોના પગાર સહિત થાય છે તેને તલબાની સંખ્યા પર ડિવાઇડ કરી જે હિસ્સામાં આવે તેટલી રકમ હરેક તાલિબે ઇલ્મ પર ફીસ રૂપે નિયત કરવામાં આવે અને દરેક મહિને ફીસની માત્રા મુજબ વઝીફા રૂપે તાલિબે ઇલ્મને આપીને ખર્ચ કરવી જાઇઝ લેખાશે. (ફતાવા રહીમિય્યહ : પ/૧પ૦, ફતાવા મહમૂદિય્યહ–મેરઠ : ૯/૬૦૩, મહમૂદુલ ફતાવા : ર/૪૭, કિતાબુલ મસાઇલ : ર/૧૯૪)

ઉપરોક્ત બાબતને અનુરૂપ પીરો–મુર્શિદ હઝરત મવ. મુફતી અહમદ સા. ખાનપૂરી (દા.બ.) ”ઝકાતની રકમથી મદ્રસા માટે રૂમો બનાવવાની એક સૂરત” હેડિંગ હેઠળ લખે છે કે,…. એક જાઇઝ સૂરત આ છે કે ઝકાતની હકદાર વ્યક્તિ બે રૂમ બની શકે એટલી રકમ કોઇકની પાસેથી કરજ લઇ મદ્રસામાં લિલ્લાહ રૂમ બનાવવા માટે આપી દે. ત્યાર પછી ઝકાત આપનાર ભાઇ પોતાની ઝકાતની રકમમાંથી એટલી મિકદાર (પ્રમાણ) તે ઝકાતના હકદારને આપશે તો એમાં કોઇ બાધ નથી.    (મહમૂદુલ ફતાવા–ગુજરાતી : ર/૬૯)

તદુપરાંત, ફકીહે ગુજરાત ઉસ્તાઝી હઝરત મવ. મુફતી ઇસ્માઈલ ભડકોદ્રવી (રહ.) ”ઝકાતની અદાયગી અને સહીહ હીલો” હેડિંગ હેઠળ આ બાબતે બહુ સરસ અને સચોટ વાત લખે છે કે, …….ઝકાતની અદાયગી માટે ઝકાત આપનારે અથવા તેના વકીલે (નાયબે) ઝકાતના હકદાર સાથે ઝકાતની રકમ કોઇ જગ્યાએ આપવાની શર્ત ઠરાવ્યા વગર તેને માલિકી ધોરણે ઝકાતની રકમ આપવી જરૂરી છે, ઝકાતનો હકદાર પણ એમ સમજતો હોય કે આ રકમ મને માલિકી ધોરણે મળી રહી છે, એટલા માટે જ ફુકહાએ કિરામે લખ્યું છે કે ઝકાતનો હીલો કરવા પ્રથમ ઝકાતના હકદારને માલિકી ધોરણે રકમ આપવામાં આવે અને તેના કબજામાં પહોંચી ગયા પછી તેને તરગીબ–પ્રેરણા અપાવવામાં આવે કે ફલાણી સંસ્થામાં બાંધકામ ખર્ચની જરૂરત છે, જો તમે પોતાના તરફથી લિલ્લાહ રકમ આપવા ચાહો તો આપી શકો છો. તરગીબ પછી તે હકદાર બધી અથવા અમુક રકમ સ્વેચ્છાએ આપે તો તે બાંધકામના ખર્ચ માટે  લઇ શકાય છે. જો આ પ્રમાણે સાફ સાફ હીલો થાય તો તે દુરુસ્ત છે અને ઝકાત અદા થઇ જશે અથવા કોઇ ગરીબ હકદારને કહેવામાં આવે કે, ફલાણી સંસ્થામાં બાંધકામમાં લિલ્લાહ રકમની જરૂરત છે, તું કોઇ સાહિબે માલ પાસેથી કર્ઝ લઇને પોતાના તરફથી લિલ્લાહ રકમ બાંધકામ માટે આપ, અમે તારું આ કર્ઝ ચૂકતે થાય તે માટેની ફિકર અને સહાય કરીશું. તે ગરીબ વ્યક્તિ આ વાતચીત મુજબ જ્યારે કર્ઝ લઇ સંસ્થાને લિલ્લાહ રકમ આપશે, ત્યાર પછી તેને કર્ઝ ચૂકવવા ઝકાતની રકમ માલિકી ધોરણે આપી તે પોતાનું કર્ઝ ચૂકતે કરશે તો આ હીલાની આ સૂરત પણ દુરુસ્ત અને જાઇઝ છે.

ઉપરોકત સહીહ તરીકા મુજબ હીલો કરનારી સંસ્થાને અથવા તેના સફીરને ઝકાતની રકમ આપવી જાઇઝ છે અને ઝકાત આપનારની ઝકાત અદા થઇ જશે. (મુસ્તફાદ ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૬૦ થી ૧૬ર)

Log in or Register to save this content for later.