Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 70)
આ સિલસિલામાં સૌ પ્રથમ ઇમ્દાદુલ ફતાવા અને ફતાવા રશીદિય્યહથી અમુક સવાલ–જવાબ નકલ કરું છું, પછી મસાઇલથી ઉલ્લેખ કરીશ.
સવાલ : રમઝાનુલ મુબારકના અશર–એ– અખીરહના મસ્નૂન એતિકાફમાં જુમ્અહ માટે યા ઠંડક મેળવવા માટે ગુસલ કરવાના હેતુએ મસ્જિદની બહાર નીકળવું મુફસિદે એતિકાફ છે યા મુત્મિમ (સમાપ્તિ કરનાર) યા જાઇઝ યા ગેર મુફસિદ ? અને મસ્જિદની બહાર નીકળવાથી મુરાદ મસ્જિદની સીમા છે અથવા તે ભાગ જે નમાઝ માટે મસ્જિદના હુકમમાં છે યા શું ?
જવાબ : જે દિવસનો એતિકાફ શરૂ થઇ ગયો છે તે દિવસ માટે મુફસિદ (ફાસિદ કરનાર), બાકીના દિવસો માટે મન્હી (મનાઇ કરેલ) અને અલબત્ત, મન્નત માનેલ એતિકાફના બધા દિવસો માટે ફાસિદ કરનાર છે અને મસ્જિદ તે જગા છે જ્યાં નમાઝ પઢવામાં આવે છે, ન કે મસ્જિદની બધી સીમા. (ઇમ્દાદુલ ફતાવા : ર/૧પ૪, ૧પપ)
સવાલ : એકવીસમાં દિવસનો એતિકાફ કર્યા પછી કોઇ કારણસર એતિકાફ ફાસિદ થઇ ગયો તો બીજા–ત્રીજા દિવસ પછી કરી લેવાથી રમઝાનુલ મુબારકના એતિકાફમાં શામિલ થઇ શકે યા નહિ ?
જવાબ : મસ્નૂન એતિકાફના દસ દિવસો તો તેનાથી છૂટી ગયા, બાકી જેટલા દિવસોનો એતિકાફ કરશે તેનો સવાબ મળશે. (તા’લીફાતે રશીદિય્યહ કમ ફતાવા રશીદિય્યહ : ૩૭૮)
મસ્અલહ : મસ્નૂન એતિકાફમાં જે દિવસનો એતિકાફ ફાસિદ કર્યો છે તે જ દિવસની કઝા વાજિબ થાય છે, પછી જો રમઝાનુલ મુબારકના અમુક દિવસો હજી બાકી છે અને તેની કઝાની નિય્યતે એતિકાફ કરી લે તો પણ દુરુસ્ત છે યા ઇદુલ ફિત્ર પછી છ દિવસના નફલ રોઝહ સાથે એક દિવસનો એતિકાફ કરી લે, નહિતર જયારે મોકો હોય એક નફલી રોઝહ રાખી તે એક દિવસના એતિકાફની કઝા કરી લે. (શામી : ૩/૩૮૭)
મસ્અલહ : ધર્મશાસ્ત્રીઓના અલગ–અલગ લખાણોથી માલૂમ થાય છે કે, જો કોઇ માણસ અશર–એ અખીરહના મસ્નૂન એતિકાફની નિય્યતથી એતિકાફમાં બેસી જાય અને તે બે–ત્રણ દિવસ ગુજર્યા પછી સખત મજબૂરીના કારણસર આ નિય્યત કરે કે આજના દિવસનો એતિકાફ પૂરો કરી મગરિબ બાદ ઘરે ચાલ્યો જઇશ. અર્થાત આવતા દિવસના એતિકાફનો નકાર કરી આપે છે કે મારે આવતી કાલનો એતિકાફ કરવો નથી તો તેનો મસ્નૂન એતિકાફ ખતમ થઇ નફલી એતિકાફ થઇ જશે અને ચાલ્યા જવાથી તેના પર કોઇ કઝા લાઝિમ નહિ થાય, કેમ કે તેણે શરૂ કરી એતિકાફને તોડયો નથી, બલકે ખતમ કર્યો છે. હા, જો ખતમ કરવાની નિય્યત ન કરી, બલકે ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) પછી આવતી કાલનો એતિકાફ શરૂ થયા પછી તે જ રાત યા દિવસના દરમિયાનમાં ચાલ્યો જશે તો તે એક દિવસનો એતિકાફ તૂટી જશે અને તે એક દિવસની કઝા કરવી લાઝિમ રહેશે. (શામી : ૩/૩૮૯)
Log in or Register to save this content for later.