Chapter : કુરબાની
(Page : 500-501)
સવાલ :– અમારે ત્યાં કુરબાનીના ટાઈમ ઉપર જાનવર કાપી આપીને વહેંચવા લાયક પીસ બનાવી મજૂરીથી કામ કરી આપે છે અને એવા બેથી ત્રણ સંગઠન બનાવી ધંધો કરે છે અને પોતાની સાથે ગરીબ ગેર મુસ્લિમોને પણ મદદ માટે રાખે છે જેઓ સાથે મદદગારીમાં હોય એ લોકો મજૂરીથી નકકી ભાવે મજૂરી લઈ કામ કરી આપે છે, પરંતુ આ સંગઠનો શર્ત એ રાખે છે કે મજૂરી ઉપરાંત ચામડું પણ અમને આપવું પડશે જેમાં ચામડાંના ભાવ બજાર કિંમત કરતા ઘણાં ઓછા આપે છે. સાથે મદદ કરવાવાળા ગેર મુસ્લિમોને પણ પોતાના હાથે જ સારુ મટન કાઢીને પોતે જ આપી દે છે, ચામડું આપવા ના પાડીએ તો બધાં જ સંગઠનો કાપી આપવા ના પાડે છે, માટે મજબુરન એ લોકોને ચામડું કમને આપવું પડે છે. પૂછેલી સૂરતમાં કમને મજબૂરીથી આપેલ ચામડાં માટે શું હુકમ છે? કુરબાની સહીહ થશે કે કેમ ? અમારે શું કરવું ? ચામડાં બાબત ખુલાસો કરશોજી.
જવાબ :– કુરબાનીના જાનવરની કટીંગના મામલામાં મહેનતાણા પેટે રોકડ રકમ નકકી કરવી અને લેવી દેવી જાઈઝ છે, પરંતુ કટીંગની મજૂરી સાથે એવી શર્ત લગાડવી કે ચામડું પણ અમો કટીંગ કરનારને આટલી કિંમતમાં વેચાણ આપવું પડશે એ જાઈઝ નથી, વળી કટીંગ કરનારે કુરબાનીના માલિકની રજા સિવાય પોતે મટન લેવું અને બીજા મદદનીશોને આપવું એ પણ જાઈઝ નથી. મટનનો માલિક કુરબાની કરનાર છે અને મટન વહેંચવાનો અધિકાર તેનો જ છે. તે જો સ્વેચ્છાએ આપે તો જ મટન લેવું અને ખાવું હલાલ ગણાશે. કમને આપશે તો પણ જાઈઝ નહિ ગણાય.
કટીંગ કરનાર પોતાની રોકડ મજૂરી વધારે લઈ શકે છે. બાકી કટીંગના દબાવ હેઠળ શરત કરીને ઓછી કિંમતમાં ચામડું લેવું જાઈઝ નથી. જો મસ્અલો બતાવવા છતાં મજૂરી લઈ કુરબાની કટીંગ કરતા મુસ્લિમો ઓછી કિંમતમાં ચામડું લેવાની શરત છોડવા તૈયાર ન હોય તો પોતાના સ્થળ ઉપર સુન્નત તરીકા મુજબ પોતે પોતાની કુરબાની ઝબહ કરવાની શરૂઆત કરવી જોઈએ અથવા કોઈ બીજા નજીકના સ્થળે કુરબાની ઝબહ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. (શામી ૪–પ)
Log in or Register to save this content for later.