[૪૩૪] કુરબાનીની દલાલી લેવી

Chapter : કુરબાની

(Page : 485-486)

સવાલ :– કુરબાનીના જાનવરમાં દલાલીનો ધંધો કરવો જાઈઝ છે કે નહિ?  દા.ત. એક માણસે એમ કહયું કે મોટા જાનવરમાં મારા બે ભાગ રાખશો. અને એક ભાગ દીઠ ર૦૦ રૂપિયા લેવાનું નકકી કરવામાં આવ્યું, તો કુલ સાત ભાગના રૂપિયા ૧૪૦૦ થયા, હવે જાનવરની કિંમત કટીંગ સાથે ૧ર૦૦ રૂપિયા નકકી થઈ, તો એક ભાગ દીઠ લગભગ ૧૭૧ રૂપિયા થયા. જે લોકોનો કુરબાનીમાં ભાગ છે તેઓ પાસેથી ભાગ દીઠ ર૦૦ રૂપિયા લીધા હતા. એટલે ભાગ દીઠ ર૯ રૂપિયા વધારે લીધા તો તે વધારાની રકમ લેવું કેવું છે ? કુરબાનીના ભાગ રાખનારાઓને જો એમ કહયું નથી કે ભાગ દીઠ લીધેલા ર૦૦ રૂપિયામાં મારું કમીશન પણ છે. તો સામે વાળા માણસને પોતાના કમીશનની જાણ કર્યા વિના કમીશન લેવું જાઈઝ છે કે નહિ? કમીશન મહેનત પેટે લેવામાં આવે છે?

જવાબ :– તમો કુરબાનીમાં ભાગ રાખવા ઈચ્છતા માણસ તરફથી ભાગીદારીમાં જાનવર ખરીદવાના અને કુરબાની ઝબહ કરાવી ગોશ્ત વગેરેની વ્યવસ્થા કરવાના વકીલ છો, માટે વકીલ બનીને જાનવર ખરીદયા પછી દરેક ભાગ દીઠ નફા પેટે કોઈ વધુ રકમ લેવી તમારા માટે જાઈઝ નથી.  અને જાનવર ખરીદવાના અને કુરબાની કરાવવાના મહેનતાણા પેટે પહેલેથી પોતાના કમીશનની ચોખવટ કર્યા વિના કમીશન લેવું એ પણ જાઈઝ નથી. અલબત્ત, જાનવરના ઘાસચારાનો, કુરબાની ઝબહ કરવાનો, ગોશ્તની કટીંગનો અને ગોશ્ત વહેંચવાનો જે કંઈ ખર્ચ થાય તે લેવું જાઈઝ છે અને જો ભાગ રાખનાર સાથે પહેલેથી એવી ચોખવટ કરી લેવામાં આવે કે જાનવર ખરીદવા અને કુરબાનીની વ્યવસ્થા કરવા બદલ એક ભાગ દીઠ આટલું મહેનતાણું લઈશ તો પહેલેથી કરેલી ચોખવટ મુજબ મહેનતાણું લેવું જાઈઝ છે.(શામી –પ, ઈ.ફતાવા – ૩)

Log in or Register to save this content for later.