Chapter : કુરબાની
(Page : 476-477)
સવાલ :– એક માણસે કુરબાનીમાટે જાનવર ખરીદયું, પરંતુ કુરબાનીના દિવસો આવતાં પહેલાં તે જાનવર ગુમ થઈ ગયું અને તે ઝુલહજની તેરમી તારીખે મળ્યું અને તેજ સમયે અસરનો સમય શરૂ થતાં પહેલાં તેની કુરબાની કરી આપી તો કુરબાની અદા થાય કે નહિ? અને નહિ અદા થાય તો હવે શું કરવું ? કુરબાનીનો આખરી સમય કયાં સુધી છે ? જવાબ :– કુરબાની કરવાનો આખરી સમય બારમી ઝુલહજના ગુરૂબે આફતાબ સુધી છે. મજકૂર સમય વીતી ગયા પછી માત્ર જાનવર ઝબહ કરી આપવાથી કુરબાની અદા થતી નથી, બલ્કે તે સૂરતમાં હુકમ આ પ્રમાણે છે કે એક મધ્યમ પ્રકારનો કુરબાનીમાં ચાલી શકે એવો બકરો–બકરી કે ધેટો–ધેટી જીવિત હાલતમાં મુસ્લિમ ગરીબોને સદકો કરી દેવામાં આવે અથવા તેવા બકરાની રોકડ કિંમતનો ગરીબોને સદકો કરી દેવામાં આવે.
જો પૂછેલી સૂરતમાં ગુમ થયેલું જાનવર કુરબાનીનો સમય વીતી ગયા પછી મળ્યું અને તેની કુરબાની માટે વખત પછી ઝબહ કરવામાં આવ્યું તો હુકમ એ છે કે બધા જ ગોશ્ત અને ચામડાં વગેરેનો સદકો કરી દેવો જરૂરી છે. તેનો ગોશ્ત વગેરે પોતે ઉપયોગ કરવો અથવા કોઈ માલદારને આપવો જાઈઝ નથી.
અને તે જાનવર ઝબહ કર્યા પછી તેનો જેટલો ગોશ્ત ગરીબોને સદકો કરવામાં આવે જો તે એટલી કિંમતનો હોય કે તેનાથી મધ્યમ પ્રકારનું કુરબાની લાયક નાનું જાનવર ખરીદી શકાય તો તે ગોશ્તનો સદકો કુરબાની લાયક નાના જાનવરની કિંમતના સદકાની જગ્યાએ પૂરતો અને જાઈઝ ગણાશે અને જો ગરીબોને સદકો કરેલો ગોશ્ત મધ્યમ પ્રકારના કુરબાની લાયક નાના જાનવરની કિંમતના પ્રમાણમાં ન હોય તો નાના કુરબાની લાયક જાનવરની કિંમતમાં ઘટતાં પ્રમાણની રોકડ રકમનો ગરીબોને સદકો કરવો જરૂરી છે. (શામી–પ/ર૦૪)
Log in or Register to save this content for later.