Chapter : કુરબાની
(Page : 475-476)
સવાલ :– મારા ભાઈએ બહાર દેશથી મારા ઉપર કુરબાનીનું જાનવર ખરીદ કરી તેની કુરબાની કરવા માટે એક હજાર રૂપિયા મોકલ્યા અને સાત ભાગીદારોના નામો પણ લખી મોકલ્યા છે. હવે હું મારી મરજીથી પાંચસો રૂપિયાનું જાનવર ખરીદું અથવા એક હજાર રૂપિયાના બે મોટા જાનવરો ખરીદી બીજા સાત નામો કુરબાની માટે દાખલ કરું તો આ પ્રમાણે તે ભાઈના લખેલા નામોમાં ફેરફાર કરવાનો તથા કુરબાની ખરીદતાં વધેલી રકમ પોતાના ખર્ચમાં લાવવાનો મને હક ખરો કે નહિ?
જવાબ :– તમારા ભાઈએ તમને એક હજાર રૂપિયાનું મોટું જાનવર ખરીદી સાત વ્યકિતઓ તરફથી તેની કુરબાની કરવાના વકીલ (નાયબ) બનાવ્યા છે. માટે તેમના લખવા મુજબ એક હજાર રૂપિયાની કિંમતનું એક મોટું જાનવર ખરીદી કુરબાની કરવી તમારા માટે જરૂરી છે. પાંચસો રૂપિયાની કિંમતનુું જાનવર પાંચસોમાં ખરીદ કરી કુરબાની કરવી જાઈઝ નથી. જો એ પ્રમાણે જાનવર ખરીદ કરી કુરબાની કરવામાં આવશે અને કુરબાની કરતાં પહેલાં એ પ્રમાણે જાનવરની ખરીદીની અને કુરબાની કરવાની ભાઈ તરફથી મંજૂરી મેળવવામાં નહિ આવે તો ભાઈએ લખેલી સાત વ્યકિતઓની વાજિબ કુરબાની દુરસ્ત નહિ ગણાય અને મજકૂર પાંચસો રૂપિયા તમારે પોતે ભોગવવા પડશે, તે રકમ તમે ભાઈ પાસેથી લેવાના હકદાર નહિ રહો.
અને જો હજાર રૂપિયાની કિંમતનું જાનવર તમે સસ્તુ ખરીદ કર્યુું અને ફકત પાંચસો કે છસો રૂપિયામાં મળી આવ્યું તો ભાઈએ લખેલા નામોવાળી વ્યકિતઓની કુરબાની દુરસ્ત અને જાઈઝ તો ગણાશે, પરંતુ હજારમાંથી વધેલી બાકીની રકમ તમારી પાસે ભાઈની અમાનત ગણાશે, ન તમો તે વધેલી રકમ વડે પોતાની મરજીથી કોઈની કુરબાની કરી શકો છો અને ન પોતાના ખર્ચમાં લઈ શકો છો, બલ્કે ભાઈની સૂચના મુજબ તે રકમની વ્યવસ્થા કરવી જરૂરી છે. (બઝાઝિય્યહ આલમ –પ/૪૮૪)
Log in or Register to save this content for later.