Chapter : કુરબાની
(Page : 469-470-471)
સવાલ :– એક માણસ માલદાર છે. જેની ઉપર કુરબાની વાજિબ છે. તો એણે એક જાનવર કુરબાની માટે ખરીદ કર્યુંં, પછી એણે એ જાનવર ફાવટ ન આવવાથી બીજું જાનવર ખરીદ કર્યુંં, તો મજકૂર માલદાર માણસ ઉપર બન્નવ જાનવરોની કુરબાની જરૂરી છે કે પછી બેમાંથી ગમે તે એક જાનવરની ? અને જો બન્નવ જાનવરોની કિંમતમાં ફર્ક હોય તો શું કરવું જોઈએ. અને આ જ મસ્અલો કોઈ ગરીબ માણસ કે જેની ઉપર કુરબાની વાજિબ નથી તેવા માણસનો હોય તો શું ફર્ક પડશે? અને જો ગરીબ માણસ પર બન્નવની કુરબાની જરૂરી છે તો શું ઈસ્લામમાં ફકત ગરીબ પર બે કુરબાની વાજિબ થઈ જવું ઝુલ્મ નહિ ગણાય? અગર નહિ તો એનો કોઈ બુદ્યિગમ્ય જવાબ આપવા નમ્ર અપીલ છે.
જવાબ :– માલદાર માણસ પર બેમાંથી ફકત ગમે તે એકની કુરબાની વાજિબ થશે. જો માલદાર માણસના પહેલા જાનવરમાં કોઈ નુકસાન પેદા નથી થયું તો બેહતર એ છે કે બેમાંથી તે પહેલા જાનવરની જ કુરબાની કરે. કારણ કે માલદાર માટે પણ વગર જરૂરતે જાનવર બદલવું મકરૂહ છે. (બદાઈઅ ૬૮ ભા.પ)
જો બીજીવાર ખરીદેલા જાનવરની કુરબાની કરી અને તે પહેલા જાનવર કરતાં કિંમતમાં સસ્તુ છે તો જેટલી કિંમત પહેલા જાનવરની વધારે છે, તેટલી રકમનો સદકો કરી દેવો જોઈએ. (બદાઈઅ –પ/૭ર,૭૮, શામી –પ/ર૦પ)
ગરીબ માણસે જો બન્નવ જાનવરો કુરબાનીના દિવસોમાં ખરીદયા છે તો બન્નવની કુરબાની વાજિબ થઈ જશે. અને જો કુરબાનીના દિવસો પહેલાં ખરીદ કર્યા હોય અને ફકત નફલ કુરબાની કરવાની નિય્યત કરી હોય અને એ કુરબાનીની જુબાનથી મન્નત ન માની હોય તો એ કુરબાની ગરીબ માટે પણ નફલ છે, વાજિબ નથી. ગમે તે એક જાનવરની કુરબાની કરશે તો પણ ચાલશે. અને સંજોગોના લઈ બેમાંથી એકની પણ કુરબાની નહિ કરી શકે તો કઝા પણ વાજિબ નહિ થાય.
અને જો બેમાંથી એક કુરબાનીના દિવસો આવતા પહેલાં ખરીદ કર્યું હોય અને બીજું કુરબાનીના દિવસોમાં ખરીદયું તો પહેલાં જાનવરની કુરબાની (જો ઝુબાનથી તેની કુરબાની કરવાની મન્નત ન માની હોય તો) વાજિબ નથી. અને બીજા જાનવરની કુરબાની વાજિબ થઈ છે અને ચોકકસ તે બીજા જ જાનવરની કુરબાની કરવી પડશે. ગરીબ એને બદલી નહિ શકે.
ગરીબ માણસ કુરબાનીના દિવસોમાં જો બે જાનવર ખરીદે તો બન્નવની અને એક ખરીદે તો એકની કુરબાની વાજિબ થવાનું કારણ એ છે કે ગરીબ માણસનું કુરબાની વાજિબ ન હોવા છતાં કુરબાનીના દિવસોમાં કુરબાનીની નિય્યતથી જાનવર ખરીદવું એ એના તરફથી કુરબાનીની મન્નત છે. અને મન્નતની અદાયગીના વાજિબ હોવામાં માલદાર – ગરીબનો કોઈ ફર્ક કરવામાં આવ્યો નથી. જો માલદાર માણસ પણ માલદારીની કુરબાની સિવાય બીજી કુરબાનીની મન્નત માને તો તેના ઉપર પણ બે કુરબાનીઓ વાજિબ થઈ જશે. અને મન્નત વિષે એ વાત ઝાહિર છે કે બંદો પોતે પોતાના ઉપર કોઈ એવી ઈબાદતની ઝિમ્મેદારી લાઝિમ કરી લે છે જે એના લાઝિમ કરતાં પહેલાં અલ્લાહ તઆલા તરફથી લાઝિમ ન હતી. મન્નત માની સ્વેચ્છાએ ઝિમ્મેદારી લીધા પછી અલ્લાહ તઆલા તરફથી તેને પૂરી કરવાનો હુકમ લાગુ પડે છે. તો એને જુલ્મ કેવી રીતે કહી શકાય ? (રદ્દુલ મુહતાર ર૦૪/ર૦૯ ભા.પ, બદાઈઅ ૬૩ ભા.પ)
Log in or Register to save this content for later.