[૪૦૩] ગોશ્તની મુસ્તહબ તકસીમ

Chapter : કુરબાની

(Page : 456-457)

સવાલ :– કરમાડ ગામે લગભગ ર૪૦ કુરબાની હતી. જેમાં કમેલાની વ્યવસ્થા હોવાથી ત્યાં બધી કુરબાની ભેગી કરવામાં આવી હતી અને ત્યાં જ કટીંગ કરતા હતા. શરીઅત મુજબ કુરબાનીના ગોશ્તના ત્રણ હિસ્સા કરવા જોઈએ, એક પોતાના માટે, બીજો કુટુંબ – સગાવ્હાલા માટે અને ત્રીજો ગરીબો માટે. જયારે અહિંઆ કમેલામાંથી કુરબાની કરનાર વ્યકિત પોતાની જરૂરિયાત પૂરતો ગોશ્ત લઈ આવતા હતા. કુટુંબીજનો અને અન્ય ગરીબ વ્યકિતને જરૂર હોય તો કમેલામાંથી રૂબરૂ જઈને લઈ આવે. સદગૃહસ્થો તેમજ અન્ય બીજા માણસો કે જે ઈઝ્‌ઝતવાળા છે તેઓ કમેલા પર જઈ શકતા નથી, કારણ કે તેમને યોગ્ય લાગતું નથી અને આ વધતો ગોશ્ત બહારથી આવતા ભંગી, ભીલ તેમજ રાજપીપલા ડીસ્ટ્રીકના ગેર મુસ્લિમ માણસો આ કમેલામાંથી જેટલો જોઈએ તેટલો ગોશ્ત લઈ જાય છે. કુરબાનીનો ગોશ્ત જે હિફાઝતથી ગરીબોમાં વહેંચાવો જોઈએ તે વહેંચાતો નથી. તો આપ આ બાબત યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ :– પૂછેલી સૂરતમાં સામુહિક રીતે કમેલામાં કુરબાની કરવાથી કુરબાની અદા તો થઈ જશે, કુરબાની અદા થવામાં કોઈ ઉણપ નહિ રહે, પરંતુ મુસ્તહબ તરીકા મુજબ ગોશ્ત વહેંચણી વ્યવસ્થા ન હોવાથી ગોશ્ત વહેંચણીનો મુસ્તહબ છૂટી જશે. કારણ કે કુરબાનીના ગોશ્ત બાબત મુસ્તહબ આ છે કે એક ત્રીજા ભાગનો ગોશ્ત પોતાના ઉપયોગ માટે રાખે અને તેમાંથી પોતે પણ ખાય જો તેથી ઓછો રાખશે તો પણ વાંધો નથી અને એક ત્રીજા ભાગનો મુસ્લિમ ગરીબોને સદકો કરે અને એક ત્રીજા ભાગના ગોશ્તથી રિશ્તેદારો, દોસ્તો અને સંબંધીઓની દઅવત અને મેહમાની કરે અથવા તેઓને હદિયા રૂપે પહોંચાડે, આ મુસ્તહબની આદયગી માટે કુરબાનીવાળાએ પોતે કમેલામાંથી ત્રીજા ભાગનો ગોશ્ત લઈ તેનાથી મેહમાની કરવી અથવા હદિયા રૂપે પહોંચાડવો જોઈએ અને બને ત્યાં સુધી ગેર મુસ્લિમોને ગોશ્ત આપવાથી બચવું જોઈએ અને જેમ બને તેમ ગરીબ મુસ્લિમોને પહોંચાડવાની કોશીષ કરવી જોઈએ.      (શામી–ર/પ)

Log in or Register to save this content for later.