Chapter : કુરબાની
(Page : 427-428)
સવાલઃ– એક ભાઈએ કુરબાનીની મન્નત માની અને તેને ખબર ન હતી કે મન્નતની કુરબાનીનો બધો જ ગોશ્ત ગરીબોને સદકો કરી આપવો જરૂરી છે. હવે ઝિંદગીમાં પહેલી વખત એવણના કુંટુંબમાં એ ભાઈને ત્યાં કુરબાની છે. અને આપણા સામાજિક રિવાજ મુજબ કુરબાની કરનારે પેતાના ભાઈ ભાગીયાને બોલાવવા પડે છે. ન બોલાવે તો એક બીજાને મન દુઃખ થાય છે અને મજકૂર માણસના ભાઈ ભાગીયા (સગાઓ) મોટા ભાગે સાહિબે માલ અને માલદાર છે, તો હવે એ કુરબાનીનું શું કરવું ? અલબત્ત, મન્નત માનનારનો એક ભાઈ ગરીબ છે, જો મજકૂર કુરબાનીનું જાનવર તેને આપી દે તો મન્નત પૂરી થઈ જશે કે નહિ ? અને તેને આપ્યા પછી મન્નત માનનાર પોતે અને બીજા માલદાર સગાઓ તે કુરબાનીનો ગોશ્ત ખાઈ શકે કે નહિ ?
જવાબઃ– પ્રથમ કુરબાનીના દિવસોમાં મજકૂર મન્નત કુરબાનીનું જાનવર પોતે ઝબહ કરી અથવા બીજા પાસે ઝબહ કરાવી મન્નત પૂરી કરવી જરૂરી છે, ઝબહ કરતાં પહેલાં તે જાનવર પોતાના ગરીબ ભાઈને અથવા બીજા કોઈ ગરીબને ન આપી શકાય અને ઝબહ કર્યા પછી પૂરું જાનવર કોઈ એક મુસ્લિમ ગરીબને આપી દે તો પણ જાઈઝ છે. ચાહે ગરીબ પોતાનો સગો ભાઈ હોય તો પણ જાઈઝ છે.
મન્નતની કુરબાનીનો ગોશ્ત કોઈ મુસલમાન ગરીબને સદકારૂપે આપી દીધા પછી તે ગરીબ માણસ મજકૂર જાનવરનો ગોશ્ત માલદારોને દઅવતરૂપે ખવડાવે તો અથવા હદિયારૂપે કાચો ગોશ્ત તેઓને આપે એ જાઈઝ છે, પરંતુ મન્નત માનનારે પોતે ગરીબના ઘર ઉપર જઈને દઅવતરૂપે ગોશ્ત ખાવાથી બચવું જોઈએ. હા, તે ગરીબ જેને સદકારૂપે પૂરા જાનવરનો ગોશ્ત આપવામાં આવ્યો હોય મન્નત માનનારને પોતાના તરફથી હદિયારૂપે માલિકી ધોરણે ગોશ્ત આપે તો આ સૂરતમાં મન્નત માનનાર પોતે પણ તે ગોશ્ત ખાઈ શકે છે. (શામી ર૦૮,ભા.પ,આલમગીરી ૩૦૮,ભા.પ)
Log in or Register to save this content for later.