Chapter : કુરબાની
(Page : 408-410)
સવાલ :– અમારે ત્યાં અમૂક લોકો મોટા જાનવરમાં કુરબાનીના સાત ભાગોનો રીતસરનો જે ધંધો કરે છે તે બાબતનો ખુલાસો આપશો. શું કોઈ માણસ સાત વ્યકિતઓ પાસેથી મોટા જાનવરમાં કુરબાનીના સાત ભાગો અને અમૂક નકકી રકમ વસૂલ કરે અને તે સાત વ્યકિતઓ તરફથી મોટા જાનવરની કુરબાની કરે અને કુરબાની કરતાં દરેક વ્યકિતની જે રકમ વધે તે વધારાની રકમ કુરબાની કરનાર પોતે વાપરી શકે? અને પોતે ન વાપરે તો પોતાની ઈચ્છાથી તે વધારાની રકમ બીજા કોઈ દીનના કામમાં વાપરી શકે કે નહિ? કે પછી આ વધારાની રકમ સાત વ્યકિતઓમાંથી દરેકને પરત કરવી પડશે?
જવાબ :– જે માણસ બીજાઓની કુરબાની કરાવી આપવા માટે મોટા જાનવરના સાતમા ભાગ માટે એક ચોકકસ પ્રમાણમાં રકમ વસૂલ કરે છે, જો રકમ વસૂલ કરતા પહેલાં તેણે આ ધંધો કરવા માટે જાનવરો ખરીદી લીધા હોય અને પછી એમ જાહેરાત કરે કે જેને કુરબાનીનો સાતમો ભાગ ખરીદ કરવો હોય તો હું આટલી રકમમાં વેચુ છું, તો આ સૂરતમાં આ પ્રમાણે પોતે ખરીદેલા મોટા જાનવરોના સાતમા ભાગો કે પૂરું જાનવર વેચવાનો ધંધો કરવો જાઈઝ છે. અને આ સૂરતમાં તેણે જાનવર નકકી કરીને ભાગ ખરીદનારને બતાવી આપવું જોઈએ કે આ જાનવરનો એક સાતમો ભાગ કે અનેક સાતમા ભાગો અથવા આ પૂરું જાનવર તમોને આટલી કિંમતમાં વેચાતું આપું છું અને આ પ્રમાણે સાતમો ભાગ કે પૂરું જાનવર ખરીદયા પછી ખરીદનાર વ્યકિત ચાહે તો પોતે કુરબાની કરે, ચાહે તો કુરબાની કરવાના વખતે વેચનાર વ્યકિતને કુરબાની કરી આપવાનો વકીલ બનાવી દે. આ સૂરતમાં ઉપર મુજબ ધંધો કરનાર માણસ ભાગ વેચનાર ગણાશે અને તેના માટે વધારાની રકમ નફા પેટે જાઈઝ અને હલાલ ગણાશે, અલબત્ત, તેણે પૂરી રકમ કુરબાનીના ભાગની કિંમત પેટે નકકી કરવી પડશે અને ભાગ ખરીદનાર સાથે એ વાતની ચોખવટ કરવી પડશે.
અને જો કુરબાનીના ભાગોનો ધંધો કરનાર વ્યકિતએ ભાગ રાખનારાઓ પાસેથી એક ચોકકસ પ્રમાણમાં રકમ વસૂલ કરતાં પહેલાં જાનવરો ખરીદયા નથી અને એવું એ’લાન કરી રકમ વસૂલ કરી છે કે જેને મોટા જાનવરમાં ભાગ રાખવો હોય તેઓ એક સાતમા ભાગ દીઠ આટલી રકમ જમા કરાવે તો આ સૂરતમાં તે રકમ જમા કરનાર તરફથી ભાગ ખરીદવાનો વકીલ ગણાશે અને જાનવર ખરીદતા સાતમા ભાગની જેટલી કિંમત થાય, તેટલી જ રકમ ભાગ રાખનારની જમા રકમમાંથી વસૂલ કરી શકે છે અને વધારાની રકમ જમા કરનારને પરત કરવી જરૂરી છે, વધારાની રકમ પોતે વાપરવી અથવા ભાગ રાખનારની રજા વગર કોઈ દીની કામમાં વાપરવી જાઈઝ નથી, અલબત્ત, જો રકમ જમા કરનારે તેને જાનવર ખરીદયા પછી કુરબાની કરવાનો પણ વકીલ બનાવ્યો હોય તો કુરબાની કરવાનો જે કંઈ ખર્ચ થાય તે વધેલી રકમમાંથી ફાળે પડતો લઈ શકે છે. એવી જ રીતે કુરબાનીની વ્યવસ્થા કરવા બદલ સાતમા ભાગ દીઠ પહેલેથી જ કોઈ મહેનતાણુ નકકી કર્યું હોય તો વધારાની રકમમાંથી પહેલેથી નકકી કરેલું પોતાનુ મહેનતાણુ પણ લઈ શકે છે. (શામી–ભાગઃ૪/પ)
Log in or Register to save this content for later.