[૩૪ર] ચાર મોટા જાનવરોના ર૮ ભાગોની કુરબાનીની કઝા

Chapter : કુરબાની

(Page : 406-408)

સવાલ :– ગયા વર્ષે એક માણસે ઈદુલ અદહાના સમયે એક દારૂલ ઉલૂમમાં એક મોટા જાનવરની કુરબાની માટે કાગળ લખ્યો અને રકમ મોકલાવી, પરંતુ પોસ્ટમાં તે કાગળ અને રકમ ગુમ થઈ ગઈ અને મદ્રસામાં પહોંચી શકી નહિ અને મોટા જાનવરમાં કુરબાનીના સાત ભાગ હોય છે એ હિસાબથી કુલ અઠ્ઠાવીસ ભાગો હતા. તો શું હવે તે માણસ ગયા વર્ષના અઠ્ઠાવીસ ભાગોના બદલે ચાલુ વર્ષે મોટા ચાર જાનવરોની કુરબાની કરે તો જાઈઝ છે કે નહિ અથવા કુરબાનીની કિંમતનો સદકો કરવો જરૂરી છે ? મજકૂર માણસ પોતાના સ્થળ ઉપર પોતાના દોસ્તોની કુરબાનીની રકમ વસૂલ કરીને દારૂલ ઉલૂમમાં મોકલતા રહે છે, ગયા વખતે રજીસ્ટરી અને રકમ ખોવાઈ ગઈ તો શું મજકૂર માણસ પોતાના તરફથી ચાર મોટા જાનવરોની કુરબાની કરે અથવા કુરબાની માફ છે?

જવાબ :– ગયા વર્ષે લખેલા કાગળ મુજબ મોટા ચાર જાનવરોના કુલ ર૮ સાતમા ભાગોમાં જે ભાઈઓની વાજિબ કુરબાની હતી તે વાજિબ કુરબાનીઓની તલાફી અને કઝા માટે ચાલુ વર્ષે ચાર મોટા જાનવરોની કુરબાની કરી આપવી દુરસ્ત નથી, બલ્કે મજકૂર અઠ્ઠાવીસ ભાગોમાં જેટલા ભાગોની અને જે ભાઈઓની કુરબાની વાજિબ હતી અને કાગળ તથા રકમ ગુમ થવાથી ગયા વર્ષે કુરબાનીના દિવસોમાં તેઓની વાજિબ કુરબાની અદા ન થઈ શકી, તે ભાઈઓમાંથી દરેકે એક એવા જીવતા બકરા અથવા ઘેટાનો ગરીબ મુસ્લિમને સદકો કરવો પડશે જે બકરો અથવા ઘેટો કુરબાની લાયક હોય અથવા એવા મધ્યમ કક્ષાના બકરા અથવા ઘેટાની કિંમતનો ગરીબ મુસલમાનને સદકો કરવો વાજિબ છે, જે તે વર્ષના કુરબાનીના દિવસો પસાર થઈ ગયા પછી વાજિબ કુરબાનીની કઝા માટે આ જ તરીકો જાઈઝ અને દુરસ્ત છે. તેની કઝા માટે બીજા વર્ષે કુરબાનીના દિવસોમાં કુરબાની કરવી જાઈઝ અને દુરસ્ત નથી, બલ્કે ઉકત વિગત મુજબ કુરબાની લાયક મધ્યમ કક્ષાના જીવંત બકરા અથવા ઘેટાનો અથવા તેની કિંમતનો સદકો કરવો વાજિબ છે અને મજકૂર અઠ્ઠાવીસ ભાગોમાં જેટલા ભાગોની અને ભાઈઓની નફલ કુરબાની હતી તે ભાઈઓ ઉપર તે નફલ ભાગોની કઝા કરવી વાજિબ અને જરૂરી નથી.                (શામી –પ/ર૦૩)

                અને વાજિબ કુરબાનીની કઝા જે તે વાજિબ કુરબાનીવાળા ભાઈઓએ જ કરવી પડશે, તેઓ પાસેથી વાજિબ કુરબાનીની રકમ વસૂલ કરીને દારૂલ ઉલૂમમાં મોકલનાર ભાઈ ઉપર વાજિબ નથી. અને મજકૂર ભાઈ ગૂમ થયેલ રકમના પણ જવાબદાર નહિ ગણાય.

Log in or Register to save this content for later.