[૪પ૮] મસ્જિદે હરામમાં નમાઝી સામેથી પસાર થવું

Chapter : નમાઝ

(Page : 475-476)

સવાલ : મક્કા શરીફની મસ્જિદમાં (હરમ શરીફમાં) અને કાબા શરીફ પાસે લોકો નમાઝ પઢે છે અને નમાઝીની સામેથી જ બીજો માણસ પસાર થાય છે, કારણ કે ત્યાં ભીડ બહુ હોય છે તો નમાઝીની સામેથી પસાર થવું તો ગુનાહ છે. એક કિતાબમાં મેં વાંચ્યું કે ત્યાં પસાર થવામાં કોઈ વાંધો નથી, જેથી મેં લખ્યું છે જવાબ આપશો.

જવાબ : નમાઝીની આગળથી પસાર થનાર માણસ જો તવાફ કરતો હોય તો તેના માટે નમાઝીની આગળથી પસાર થવું મકરૂહ અને ગુનાહ નથી અને જો પસાર થનાર માણસ તવાફ ન કરતો હોય, પરંતુ નમાઝીથી એટલે દૂરથી ગુજરે કે જો નમાઝી સજદહની જગાએ પોતાની નજર રાખે તો પસાર થનારને તે ન જોઈ શકે તો આ સૂરતમાં પણ નમાઝીની          આગળથી મસ્જિદે હરામ જેવી મોટી મસ્જિદમાં પસાર થવું ગુનાહ અને મકરૂહ નથી, જે મસ્જિદની લંબાઈ–પહોળાઈ ૬૦ × ૬૦ (ફૂટ)ની હોય તે મોટી મસ્જિદ ગણાય છે અને જો ગેર તાઈફ માણસ નમાઝીની એટલી નજદીકથી કોઈ આડ વગર ગુજરે કે તેના ઉપર નમાઝીની નજર પડે તો મસ્જિદે હરામ જેવી મોટી મસ્જિદ હોય તો પણ તે ગુનેહગાર થશે, પરંતુ જો હજ્જની મોસમમાં આ પ્રમાણે નમાઝીની નજદીકથી પસાર થવાથી બચવું મુશ્કેલ હોય તો આવી ભીડ અને તકલીફની હાલતમાં ફુકહાએ કિરામના એક બીજા મંતવ્ય મુજબ જો આટલો એહતિયાત કરી લેવામાં આવે કે નમાઝીના પગથી લઈ સજદહમાં પેશાની મુકવાની જગ્યા દરમિયાન પસાર થવામાં ન આવે, બલ્કે સજદહની જગ્યાથી બહાર થઈને પસાર થવામાં આવે તો તકલીફના કારણે એ વાતની ગુંજાઈશ છે.(શામી, ભાગ–ર/૧૭ર)

Log in or Register to save this content for later.