[૪પ૦] નમાઝમાં ડકાર ગળી જવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 470)

સવાલ : એક માણસને નમાઝમાં ડકાર આવે છે અને એની સાથે ઉલ્ટીની જેમ મોં ભરીને ખાવું–પીવું વગેરે આવી જાય છે, પરંતુ નમાઝમાં હોવાના કારણે તે બહાર તો કાઢી શકતો નથી, જેથી જાણી જોઈને તે ડકાર ગળામાં પાછી લઈ જાય છે અને આવું વારંવાર થયા કરે છે તો મોં ભરીને ડકારમાં દાણા–પાણી વગેરે નમાઝની હાલતમાં મોંમાં આવી જાય અને તેને પેટમાં જાણી જોઈને પાછું લઈ જાય. આવી સૂરતમાં આ માણસની નમાઝનો અને વુઝૂનો શું હુકમ છે ? અને ડકાર મોં ભરીને ન હોય અને તે નમાઝમાં પાછી લઈ જાય તો શું હુકમ છે ?

જવાબ : પૂછેલી સૂરત વિશે કોઈ સ્પષ્ટ મસ્અલો ફિકહની કિતાબોમાં નજરે પડયો નથી, પરંતુ નીચેના મસાઈલનો અભ્યાસ કરવામાં આવે કે દાંતોની અંદર ઘુસેલી કોઈ વસ્તુ જો કોઈ ગળી જાય અને તે ચણાનાં પ્રમાણમાં હોય તો તેનાથી રોઝો અને નમાઝ તૂટી જાય છે. બીજો મસ્અલો છે કે જો મોં ભરીને ઉલ્ટી થાય અને બહાર નીકળતાં પહેલાં ઈરાદાપૂર્વક પાછી ગળી જાય તો રોઝો તૂટી જાય છે, કારણ કે મોં ભરીને જે ઉલ્ટી હોય તે ચાહે બહાર ન નીકળી હોય, પરંતુ તેને બહાર નીકળી ગયેલી માનવામાં આવે છે.

                આ મસાઈલથી એ સાબિત થાય છે કે જો ડકારમાં મોં ભરીને ખાવું–પાણી નીકળશે તો ચાહે નીકળતાં પહેલાં પાછું ગળી જશે. તેનું વુઝૂ તૂટી જશે, કારણ કે તે મોંથી બહાર નીકળી ગયેલ ઉલ્ટીના હુકમમાં ગણાશે અને જ્યારે વુઝૂ તૂટી ગયું તો નમાઝ પણ તૂટી જશે અને આ સૂરતમાં વુઝૂ કરી બાકી નમાઝની બિના કરી પૂરી પણ નહિં કરી શકાય, કારણ કે નમાઝમાં ઉલ્ટીની જેમ ડકારમાં નીકળેલી વસ્તુ મોઢામાંથી ઈરાદાપૂર્વક ગળામાં ઉતારવામાં આવી છે, એટલે ડકારમાં મોં ભરીને નીકળેલી વસ્તુથી વુઝૂ તૂટી ગયા પછી એવું કામ કરવામાં આવ્યું છે, જેનાથી નમાઝ ફાસિદ થઈ જાય છે, કારણ કે ખાવા–પીવા અને મોઢામાંથી ફરી ગળામાં ઉતારી જવાની જે સૂરતોમાં રોઝો ફાસિદ થાય છે તે સૂરતોમાં નમાઝ પણ ફાસિદ થઈ જાય છે.

                જો ડકારના કારણે મોઢામાં આવેલું ખાણું–પાણી મોઢું ભરીને ન હોય અને નમાઝની હાલતમાં ગળામાં ઈરાદાપૂર્વક પાછું ઉતારી જવામાં આવે તો નમાઝ પણ નહિં તૂટે અને વુઝૂ પણ નહિં તૂટે, જેમ કે ઉલ્ટી મોં ભરીને ન હોય તો વુઝૂ નથી તૂટતું અને રોઝો પણ ફાસિદ નથી થતો ચાહે ઈરાદાપૂર્વક ગળામાં પાછું ઉતારી આપે.

(શામી, ભાગ–૧/૪૧૮, ભાગ–ર : ૯૮/૧૧૧)

Log in or Register to save this content for later.