[૧૭૭] પરણેતર ઓરતે બીજા નિકાહ પઢવા અને ઈમામ, વકીલ, ગવાહોએ પઢાવવા હરામ છે

Chapter : નિકાહ

(Page : 221-222)

સવાલ :– એક ઓરતનો પતિ કાયમ છે અને ઓરતને તેણે તલાક આપી નથી અને તે ઓરતને હમલ છે, તો તલાક થયા વગર અથવા બચ્ચુ થયા વગર બીજા સાથે તેના નિકાહ થઈ શકે કે નહિ? જો આવી ઓરતના નિકાહ ન થઈ શકતા હોય તો નિકાહ પઢાવનાર અને વકીલ, ગવાહ બનનાર ગુનેહગાર થશે કે નહિ? અને નિકાહ પઢાવનારની પાછળ નમાઝ થશે કે નહિ?

જવાબ :– જે ઓરત એક માણસના નિકાહમાં બાકી હોય તેના નિકાહ બીજા પુરૂષ સાથે નાજાઈઝ અને હરામ છે, ચાહે તે ઓરત હમલવાળી હોય કે ન હોય અને ચાહે આવી ઓરતના નિકાહ બચ્ચું પેદા થતા પહેલાં કરવામાં આવે કે બચ્ચું પેદા થયા પછી કરવામાં આવે, દરેક સૂરતમાં આવી પરિણિત ઓરતના બીજા નિકાહ નાજાઈઝ અને હરામ છે, જયાં સુધી પરિણિત ઓરતનો શોહર તેને તલાક ન આપે અથવા તેનું મૃત્યુ ન થાય અથવા ઓરતની ઈદ્દત વીતી ન જાય ત્યાં સુધી એ ઓરતના બીજા સાથે નિકાહ જાઈઝ નથી.

                પતિની તલાક કે મૃત્યુ અને ઈદ્દત પહેલાં કોઈ પતિવાળી ઓરતના નિકાહનું હરામ હોવું કુર્આનમાં સ્પષ્ટ શબ્દોમાં મવજૂદ છે. હરામ ઓરતોના વર્ણનમાં અલ્લાહ ફરમાવે છે : ‘વલ્‌ મુહસનાતુ મિનન્‌ નિસાઈ’  જેની તફસીર બધા જ તફસીરકર્તાઓ પતિવાળી ઓરતોથી કરે છે. (તફસીરે મઝહરી – ર/ર૬૧)

                જો ઈમામને ઓરતના બીજાના નિકાહમાં હોવાની જાણ હોવા છતાં તેણે આ ઓરતના બીજા નિકાહ પઢાવ્યા છે તો તે ગુનેહગાર અને ફાસિક છે. આ બીજા નિકાહ પઢાવી તેણે હરામ કામ કર્યું છે. એવી જ રીતે વકીલ અને ગવાહોની જાણમાં હોવા છતાં તેઓ આવા નાજાઇઝ અને હરામ નિકાહમાં વકીલ અને ગવાહ બન્યા છે, તો તેઓ પણ ગુનેહગાર છે, આ બધાએ પોતાના ગુનાહથી સાચી તવબહ કરવી જોઈએ અને બીજા નિકાહ પઢનાર મર્દ અને ઓરતથી કહી એ વાતનું એલાન કરી દેવું જોઈએ કે આ નિકાહ થયા નથી અને એ ઓરત પહેલા પતિના નિકાહમાં બાકી છે અને નાજાઈઝ તરીકાથી બીજા નિકાહ કરનાર બન્‍ને સ્ત્રી પુરૂષને નિકાહના સંબંધે અલગ થઈ જવા ફરજ પાડવી જોઈએ. જાણ હોવા છતાં પરિણિત ઓરતના નિકાહ પઢાવનાર જયાં સુધી તવબહ ન કરે તેઓની પાછળ નમાઝ મકરૂહે તહરીમી છે અને એવા ઈમામ ઈમામતના લાયક નથી અને જો ઈમામ, વકીલ અને ગવાહોને ઓરતના પતિવાળી હોવાની જાણ ન હતી તો તેઓ બીજા નિકાહ પઢાવવામાં મઅઝૂર ગણાશે અને ગુનેહગાર નહિ થાય, પરંતુ જાણ થયા પછી તેઓએ બીજા નિકાહ કરનાર મર્દ ઓરતને નિકાહનું નાજાઇઝ અને હરામ હોવું બતલાવી દેવું જોઈએ અને બન્‍નેવને અલગ થઈ જવા ફરજ પાડવી જોઈએ.     (કિ.મુફતી – પ)

Log in or Register to save this content for later.