[૪૪૦] લાંબો કુરતો પહેરી જમાઅતની નમાઝ

Chapter : નમાઝ

(Page : 464)

સવાલ : ફર્ઝ નમાઝ બાજમાઅત થતી હોય ત્યારે કોઈકવાર એવું બને છે કે પાછળની સફવાળા માણસનું માથું આગળની સફવાળા સાથીના કપડામાં (કફની અથવા ઝભ્ભામાં) ભેરવાવાથી તે સાથીની ટોપી પડી જાય છે અને તેની નમાઝમાં ખલલ થાય છે તો આવા સાથીઓ કહે છે કે તમે ટૂંકા કપડાં પહેરો, જેથી આ સ્થિતિ જ ઉભી ન થાય. તો આ માટે કફની અને ઝભ્ભાની શરઈ હદ શું હોઈ શકે ? અથવા આ રીતે ખલલ ન થાય તે માટે કોઈ માર્ગદર્શન આપશો.

જવાબ : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અડધી પિંડી સુધી કુરતો અને લૂંગી પહેરતા હતા અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તથા સહાબએ કિરામ (રદિ.) એવો લાંબો કુરતો અને અડધી પિંડી સુધી લૂંગી પહેરીને ખુશૂઅ ખુઝૂઅ સાથે નમાઝ પણ પઢતા હતા, માટે કુરતાની લંબાઈની હદ સુન્નત પ્રમાણે તો એ જ છે કે અડધી પિંડી સુધી નીચો રાખવામાં આવે અને એવો લાંબો કુરતો પહેરીને નમાઝ પઢવી વિના કરાહતે જાઈઝ છે, પરંતુ જો કોઈ માણસ લૂંગી અને લેંગા સાથે અડધી પિંડીથી ઉંચો એવો કુરતો પહેરે કે જેનાથી સતર અને સતરનો આકાર છુપાયેલો રહે તો પણ જાઈઝ છે.      (શામી ભા. ૧/પ)

                રહી વાત પાછળની સફના નમાઝીનું માથું આગલી સફના નમાઝીના કુરતામાં અથવા લૂંગીમાં ભરવાય જવાની, તો આનું કારણ માત્ર કુરતાનું લાંબુ હોવું જ નથી, બલકે મસ્જિદની સફો (ચટાઈઓ) ટૂંકી હોવાના લઈને પણ આવું બની શકે છે, જેમ કે સફ ટૂંકી હોવાથી નમાઝી સુન્નત તરીકા મુજબ પેટ જાંઘથી અલગ રાખી સજદહ કરી શકતો નથી અને પાછળની સફના નમાઝીનું માથું આગલી સફના નમાઝીના શરીરના પાછલા ભાગ સાથે અથડાય છે, માટે મજકૂર તકલીફનો એક ઉપાય તો આ છે કે મસ્જિદની સફ સવા ચાર ફૂટ જેટલી પહોળી રાખવામાં આવે અથવા બે સફોની ચટાઈઓ વચ્ચે છ (૬) ઇંચનો ફાસલો રાખવામાં આવે, આશા છે કે આવું કરવાથી મજકૂર તકલીફ દૂર થશે.

                વળી, નમાઝીઓ સજદહ અને કઅ્‌દહમાંથી આગળ પાછળ ઉભા થાય તો પણ આવી તકલીફ થઈ શકે છે, માટે કોઈ કારણ વગર માત્ર સુસ્તીના લઈ નમાઝીઓએ આગળ પાછળ ઉભા થવાથી બચવું જોઈએ અને બધાંએ સાથે ઉભા થઈ ઈમામ સાહેબની ઈક્‌તિદા કરવી જોઈએ.

                લાંબો ગોલ દામનવાળો બંધ કુરતો (અરબી કુરતો) અથવા લૂંગી પહેરી નમાઝ પઢતા નમાઝીઓએ કપડાંને ધૂળથી બચાવવા તેને સમેટવા તો મકરૂહ છે, પરંતુ રુકૂઅ અને સજદહમાં પોતાની પાછળની સફના નમાઝીઓને તકલીફથી બચાવવા તેની પહોળાઈને સમેટવી જાઈઝ છે. (શામી ભા. ૧)

Log in or Register to save this content for later.