Chapter : નિકાહ
(Page : 192-193-194)
સવાલ :– હું રેલ્વેનો રિટાયર્ડ ગાર્ડ છું, મારી ઉમર પ૯ વર્ષની છે, મારી બીવી ગુઝરી ગયેલ છે અને મારે બીજા નિકાહ કરવા છે, પરંતુ જરા મુશ્કેલી છે, તે નીચે મુજબ જણાવું છું, તો એ નિકાહ થઈ શકે કે નહિ તે ઈસ્લામી કાયદાની રૂએ મને માર્ગદર્શન આપશોજી. મારી હકીકત આ પ્રમાણે છે.
(૧) મારા એક સાળુ ભાઈ છે, તેમની પત્ની અને મારી મરહૂમા પત્ની સગી બહેનો છે.
(ર) મારા સાળુભાઈની એક છોકરીના મારા મોટા છોકરા સાથે નિકાહ થયેલ છે.
(૩) આજ મારા સાળુ ભાઈની એક મોટી છોકરી છે તેને તલાક આપેલ છે અને આ તલાક આપેલ મોટી છોકરી સાથે મારા નિકાહ કરવા માંગે છે અને આ બન્ને બહેનો મારા સાળુભાઈની સગી છોકરીઓ થાય છે અને મારી મરહૂમા પત્ની અને મારા સાળુભાઈની પત્ની સગી બહેનો થાય છે.
(૪) એટલે નિકાહ થાય તો મારા છોકરાની બીવીની એની મોટી બહેનને માનો દરજો મળે છે અને અમે બાપ – દીકરા સાળુભાઈના રિશ્તામાં બદલાય જઈએ છીએ, મારા સગા વ્હાલાઓ એટલે સુધી કહે છે કે આ નિકાહ થઈ શકે નહીં, કારણ કે આમાં દૂધની સગાઈ માલમ પડે છે અને મને આમાં સમજણ પડતી નથી, માટે આપ ઈસ્લામના કાયદા પ્રમાણે યોગ્ય સલાહ આપશો, આમ અમારી સગાઈ જેની સાથે મારા નિકાહ થવાના છે તેનો ખાલુ થાઉં છું.
જવાબઃ– પુરુષના કોઈ ઓરત સાથે નિકાહ કરવાથી તે ઓરતના ઉસૂલી રિશ્તેદારો એટલે કે માં – દાદી – નાની – પુરુષ માટે હંમેશા માટે હરામ થઈ જાય છે અને તેના ફુરૂઈ રિશ્તેદારો એટલે કે તે ઓરતને આગલા શોહરથી જન્મેલી પુત્રીઓ, પૌત્રીઓ, નવાસીઓ પુરુષ પતિ માટે કાયમ માટે હરામ થઈ જાય છે, આ બે પ્રકારના રિશ્તેદારો સિવાય અન્ય પ્રકારની સુસરાલી રિશ્તેદાર ઓરતો જેમ કે પોતાની પત્નીની બહેન, બહેનની છોકરી, ફોય, માસી વગેરે કાયમ માટે હરામ ગણાતી નથી, માટે તમારા માટે તમારી ઓરતના મૃત્યુ પછી તમારી મૃત ઓરતની બહેન (એટલે તમારી સાળી)ની છોકરી સાથે નિકાહ કરવા હલાલ અને જાઈઝ છે. (શામી ર૭૯ ભા.ર)
તમારી સાળીની એક છોકરી સાથે તમારા મોટા છોકરાના નિકાહ થયા હોય તો પણ તમારા માટે તે જ સાળીની બીજી છોકરી સાથે નિકાહ કરવા જાઈઝ છે. રહી વાત એ કે મજકૂર સૂરતમાં નિકાહ કરવાથી બાપ – બેટા સાળુ બનશે અને બન્ને બહેનો સાસુ અને વહુ બનશે, તો બે બહેનો વચ્ચે આવી સગાઈ ઉપસ્થિત થવી અને બાપ – બેટા વચ્ચે સાળુભાઈની સગાઈ થવી જાઈઝ છે, આવી સગાઈ ઉપસ્થિત થવાના કારણે બાપના નિકાહ બેટાની ઓરતની બહેન સાથે હરામ નહિ ગણાય.
જેવી રીતે કે કોઈ છોકરો પોતાના બાપની પત્નીની આગલા પતિની છોકરી સાથે નિકાહ કરી શકે છે, ચાહે આ પ્રમાણે નિકાહ કરવાની ઓરમાઈ સગાઈથી બાપ – બેટા સસરો, જમાય બનશે અને માં – દીકરી સાસુ વહુ બને એવી જ રીતે કોઈ બાપ પોતાના છોકરાની પત્નીની આગલા પતિની છોકરી સાથે નિકાહ કરી શકે છે, ચાહે આ સૂરતમાં છોકરો સસરો અને બાપ જમાય ઠરશે અને દીકરી સાસુ અને માં વહુ બનશે. (દુર્રે મુખ્તાર, શામીઃ ર/ર૭૯)
રહી વાત દૂધની સગાઈની તો જો દરેક છોકરીએ પોતાની માંનું જ દૂધ પીધુ હોય અન્ય કોઈ ઓરતનું દૂધ ન પીધુ હોય તો તમારી અને સાળીની છોકરી વચ્ચે દૂધની એવી કોઈ સગાઈ જણાતી નથી કે જેનાથી મજકૂર સૂરતમાં તમારા નિકાહ નાજાઈઝ ઠરે.
Log in or Register to save this content for later.