Chapter : હજ
(Page : 291-292)
સવાલ :– એક ભાઈ બે વાર હજ કરી આવ્યા છે હવે તેઓ ઉમરહમાં જવા વિચારે છે એ ભાઈ પૂછે છે કે ઉમરહમાં જેટલો ખર્ચ થાય એટલા રૂપિયાનું સવાબે જારિયહનું કોઈ કામ કરવું અફઝલ છે કે પછી ઉમરહ કરવો અફઝલ છે? વધુ સવાબ કઈ સૂરતમાં મળે છે?
જવાબ :– ઉમરહની અદાયગીમાં માલી અને બદની બન્ન તકલીફો વેઠવી પડે છે જયારે સદકએ જારિયહના કોઈ કામમાં માત્ર માલ આપવાની તકલીફ ઉઠાવવી પડે છે, શારિરીક કોઈ તકલીફ ઉઠાવવી જરૂરી નથી તો વધુ તકલીફની દ્રષ્ટિએ ઉમરહ કરવો વધુ અફઝલ છેે અને ઉમરહની માલી શકિત ધરાવનાર માટે ઉમરમાં એક વાર ઉમરહ કરવો સુન્નતે મુઅક્કદહ છે અને એક વાર ઉમરહ કર્યા પછી ઉમરહ કરવો મુસ્તહબ અને નફલ છે, માટે જો સવાબે જારિયહના કોઈ કામની ખાસ આવશ્યકતા હોય અને તે માટે નાણાકીય સહાયની ખાસ જરૂરત હોય, પૂરતા પ્રમાણમાં નાણાકીય વ્યવસ્થા ન હોય તો આ સૂરતમાં નફલ ઉમરહના ખર્ચ જેટલી રકમ તે ખાસ જરૂરી કામમાં વાપરવી નફલ ઉમરહ કરતાં અફઝલ અને વધુ સવાબપાત્ર છે. (ઉ.ફિકહ – ૪/૬પ૯, કિ.મુફતી–૪/૩૩૦)
અલ્લામા શામી (રહ.) એ આ વાતના સમર્થનમાં એક ઘટના નકલ કરી છે જે જાણવાપાત્ર છે કે એક માણસ હજના ઈરાદાથી તેની તૈયારી માટે એક હજાર દીનાર લઈને ઘરથી નિકળ્યા તો રસ્તામાં એક ઔરત તેઓની પાસે હાજર થઈને કહેવા લાગી કે હું હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની આલમાંથી છું અને મને માલી મદદની ખાસ જરૂરત છે તો પેલા માણસે પોતાની પાસેની બધી મૂડી તે ઔરતને આપી દીધી. તે પછી જયારે તે આબાદીના હાજીઓ હજ કરીને વતન પાછા ફરવા લાગ્યા તો મજકૂર માણસ તેઓમાંથી જે કોઈને મળતા તો દરેક મુલાકાતી તેઓને દુઆ આપતા કે ”તકબ્બલલ્લાહુ મિન્ક” (અલ્લાહ તઆલા તમારી હજ કબૂલ ફરમાવે). મજકૂર માણસ તેઓની આવી દુઆઓથી આશ્ચર્ય કરવા લાગ્યા. (કારણ કે તેમણે તો હજમાં જવાના બદલે હજનો ખર્ચ હાજતમંદ ઔરતને આપી દીધો હતો અને હજમાં જવાનું મોકૂફ રાખ્યું હતું). અને તેમણે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સ્વપનમાં ઝિયારત કરી તો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તે માણસથી ફરમાવ્યું કે શું લોકોના ”તકબ્બલલ્લાહુ મિન્ક” કહેવાથી તમોને આશ્ચર્ય થાય છે? તે માણસે જવાબ આપ્યો કે હા, મને તેઓની આ દુઆથી આશ્ચર્ય થાય છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ )એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ તમારી શકલો સૂરતમાં એક ફરિશ્તાને પૈદા કર્યો છે જેણે તમારા તરફથી હજ અદા કરી છે અને કિયામત સુધી તે ફરિશ્તો તમારા તરફથી હજ કરતો રહેશે. એ કારણથી અને એ વાતના બદલામાં કે તમોએ મારી અવલાદમાંથી એક મજબૂર અને હાજતમંદ ઓરતની મદદ કરીને તેનો ઈકરામ કર્યો છે. (શામી – ર/ રપ૩)
Log in or Register to save this content for later.