Chapter : નમાઝ
(Page : 397)
સવાલ :– જે મોટી મસ્જિદોની ઉત્તર–દક્ષિણ લંબાઈ વધુ હોય છે તેવી મસ્જિદોમાં સામાન્ય રીતે આ કોતાહી જોવા મળે છે કે ગરમીમાં હવા હાસિલ કરવાના હેતુથી અથવા રકઅત મળવાના મકસદથી અથવા માત્ર સુસતીના કારણે એક સફ અધૂરી છોડીને બીજી નવી સફ શરૂ કરવામાં આવે છે અને પાછળથી આવનાર લોકો આગલી અધૂરી સફ પૂરી કરવાના બદલે એમ સમજીને નવી સફમાં ઉભા થઈ જાય છે કે જો આગલી સફમાં જઈને ઉભા રહીશું તો પાછલી નવી સફના નમાઝીઓની સામેથી ગુઝરવું પડશે અને નમાઝીની સામેથી પસાર થવું જાઈઝ નથી. માટે આપ બતાવશો કે આવી હાલતમાં આગલી સફ પૂરી કરવા માટે નવી સફના નમાઝીઓ સામેથી પસાર થવાય કે નહિ ? અને તેમની સામેથી પસાર થઈને આગલી અધૂરી સફ પૂરી કરવી જોઈએ કે નહિ ?
જવાબ :– જમાઅતની નમાઝની એક સફ પૂરી થઈ જાય તે પછી જ બીજી નવી સફ શરૂ કરવી જોઈએ, જો અમુક નમાઝીઓએ આગલી સફ પૂરી કર્યા વગર નવી સફ શરૂ કરી દીધી હોય તો નવા આવનાર નમાઝીઓએ નવી સફના નમાઝીઓની સામેથી પસાર થઈને આગલી સફમાં જ ઉભા રહેવું જોઈએ અને તે અધૂરી આગલી સફ પૂરી કરવી જોઈએ અને આવી સૂરતમાં નવી પાછલી સફના નમાઝીઓનો ઈહતિરામ જાળવવો ઝરૂરી નથી અને તેમની સામેથી પસાર થવાની મજબૂરીના કારણે પાછલી સફમાં ઉભા રહેવું જાઈઝ નથી.(શામી ભા. ૧/૩૮૩)
હઝરત અનસ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન નકલ કરે છે કે પ્રથમ આગળની સફ પૂરી કરો અને પછી તેના પછીની સફ પૂરી કરો અને સફમાં જે કંઈ કમી રહે તે સૌથી પાછલી સફમાં બાકી રહેવી જોઈએ. (અબૂ દાવુદ, મિશ્કાત શરીફ–૯૮)
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન નકલ કરે છે કે જે માણસ (નમાઝની) કોઈ સફમાં ખાલી જગ્યા જોવે તો તેણે પોતે તે જગ્યા પૂર કરવી જોઈએ, જો તેણે ખાલી જગ્યા પૂર ન કરી (અને પાછળની સફમાં જ ઉભો થઈ ગયો) અને નવો કોઈ માણસ આવ્યો તો નવા આવનારે તેની ગરદન ઉપરથી કુદીને આગળ જવું જોઈએ, કારણ કે તે સન્માન પાત્ર નથી. (મુસ્નદે અહમદ, ઈબ્ને માજહ, તબરાનીથી શામી ભા. ૧/૩૮૩)
Log in or Register to save this content for later.