[૪૯] ફોનથી નિકાહ કરવાની રીત

Chapter : નિકાહ

(Page : 85-86)

સવાલઃ– શું ટલિફોનથી નિકાહ થઈ શકે છે? અવાજની છેતરપીંડી તથા દુલ્હાની ઓળખની દગાબાજીની શકયતા થઈ શકે છે. શું કાઝી જે નિકાહ પઢાવે છે તે શખ્સની રૂબરૂ દુલ્હાની હાજરીની જરૂર નથી? શું દુલ્હાની ગવાહી અને વકીલની સામે હાજર રહેવાની જરૂર નથી? અગર ટેલીફોનથી નિકાહ થઈ શકતા હોય તો આની યોગ્ય રીત કેવી હોવી જોઈએ.

જવાબઃ– માણસ ટેલીફોનથી નિકાહ કરવા ચાહતો હોય, તે પોતે ટેલીફોન પર છોકરી સાથે અથવા છોકરીના વકીલ સાથે નિકાહના ઈજાબો કબૂલ નથી કરી શકતો કારણકે એક જ ગવાહો એ બન્‍ને પક્ષોના ઈજાબ–કબૂલ રૂબરૂ હાજર રહી સાંભળવા જરૂરી છે, ઈજાબ અને કબૂલના ગવાહો જુદા–જુદા હોય એ દુરસ્ત નથી અને ટેલીફોન ઉપરના ઈજાબ–કબૂલ એક જ ગવાહોએ રૂબરૂ હાજર રહી સાંભળવા શકય નથી.

                છોકરા–છોકરીએ અથવા છોકરીના વકીલે અલગ અલગ જગ્યાએ રહી ટેલીફોન દ્વારા નિકાહ પઢવાનો તરીકો આ છે કે છોકરો પોતાના કોઈ ઓળખીતા માણસને ટેલીફોન ઉપર જે છોકરી સાથે નિકાહ કરવા ચાહે છે તેની સાથે પોતાના નિકાહ પઢાવવાનો વકીલ બનાવી દે અને છોકરા તરફથી ટેલીફોન ઉપર વકીલ બનેલો માણસ નિકાહની મજલિસમાં હાજર થાય અને પોતે છોકરી અથવા છોકરીના વકીલ તરફથી ગવાહોની રૂબરૂ ઈજાબ થયા પછી તેના જવાબમાં છોકરાનો વકીલ તે નિકાહને તે જ ગવાહોની રૂબરૂ છોકરા તરફથી કબૂલ કરી લે, આ પ્રમાણે કાર્યવાહી કરવાથી નિકાહ દુરસ્ત થઈ જશે. ઉકત વિગતથી માલૂમ પડયું કે આ સૂરતમાં નિકાહ પઢાવતી વખતે નિકાહ પઢાવનારની સામે દુલ્હાની હાજરી જરૂરી નથી, બલકે દુલ્હાના વકીલની હાજરી કાફી છે અને દુલ્હાના વકીલ બનાવવાના ગવાહોની હાજરી પણ વકીલ સામે જરૂરી નથી અને ઓળખીતા માણસને વકીલ બનાવવાથી અવાજની છેતરપીંડી અને દુલ્હાની ઓળખની દગાબાજીનો ભય પણ નહિ રહે. (શામીઃર, મહમૂદિય્યહઃ૧૧/૧૬ર)

Log in or Register to save this content for later.