[૧૭૭] દરેક ઉમરહ વખતે વાળ કપાવવાનો કે મૂંડાવવાનો એક સરખો હુકમ છે

Chapter : હજ

(Page : 235-236-237-238)

સવાલ :– એક માણસ પહેલી જ વાર ઉમરહ કરવા જાય છે તો તે માણસે પૂરું માથું મૂંડાવવું જરૂરી છે અથવા કાતર વડે વાળની અમુક લટો કાપી લેવાથી ઉમરહ અદા થઈ જશે? અમારા એક સાથીનું કહેવું છે કે તેના માટે માથું મૂંડાવવું જરૂરી છે, જયારે બીજા ભાઈનું કહેવું છે કે તેના માટે માથુ મૂંડાવવું જરૂરી નથી, પરંતુ અફઝલ છે.

                અને જો કોઈ માણસ બે – ત્રણ વખત ઉમરહ કરી ચૂકયો હોય તો તેના માટે શું હુકમ છે? શું તેણે માથું મૂંડાવવું જરૂરી છે અથવા કાતરથી પોતાની જાતે અથવા બીજા સાથી પાસે વાળની અમુક લટો કપાવી લેશે તો પણ ચાલશે?

જવાબ :– પહેલી વાર કે બીજી, ત્રીજીવાર ઉમરહ અદા કરનાર પૂરૂષના માથા ઉપર જો એક બેડકાથી વધુ લાંબા વાળ હોય તો તેણે ઉમરહના એહરામથી હલાલ થવા માટે બે સૂરતોમાંથી ગમે તે સૂરત અપનાવવી જાઈઝ અને દુરસ્ત છે, ચાહે તો એક બેડકાની લંબાઈના પ્રમાણમાં કાતરથી વાળ કપાવી લે અથવા બધા વાળ મૂંડાવી લે અને આ પ્રમાણે એક બેડકાથી વધુ લાંબા વાળ હોવાની સૂરતમાં બધા વાળ મૂંડાવવા એ સુન્‍નત છે માટે બેડકા બરાબર કાતરથી કાપવા – કપાવવા કરતાં બધા વાળ અસ્તરાથી મૂંડાવવા એ અફઝલ અને વધુ સવાબપાત્ર છે.

                અને જો પહેલી વાર કે બીજી, ત્રીજીવાર ઉમરહ અદા કરનાર પુરૂષના માથા ઉપરના વાળ એક બેડકા બરાબર લાંબા ન હોય,  બલ્કે તેથી ટૂંકા હોય તો તેણે એહરામથી હલાલ થવા માટે વાળ મૂંડાવવા વાજિબ અને જરૂરી છે, જો આ પ્રમાણે ટુંકા વાળ હોવાની સૂરતમાં તે કાતરથી વાળ કાપશે અથવા કપાવશે તો તે એહરામથી હલાલ નહિ થાય. આ બધી વિગતથી એ વાત માલૂમ થઈ ગઈ કે ઉમરહના એહરામથી હલાલ થવા માટે માથું મૂંડાવવાના વાજિબ અને જરૂરી હોવાની બુનિયાદ ઉમરહના પહેલી જ વાર અદા કરવા ઉપર નથી,  બલ્કે વાળના એક બેડકાથી નાના હોવા ઉપર છે, ઉમરહની અદાયગી ચાહે પહેલી વાર હોય કે બીજીવાર હોય જો માથા ઉપર વાળ ઉપર પ્રમાણે નાના હોય તો મૂંડાવવા વાજિબ અને જરૂરી છે અને જો એક બેડકા બરાબર લાંબા હોય તો મૂંડાવવા વાજિબ નથી,  બલ્કે સુન્‍નત છે અને કાતરથી કાપવા કપાવવા પણ જાઈઝ છે,

                રહી વાત આ કે વાળ કપાવવા કે મૂંડાવવાની સૂરતમાં એહરામથી હલાલ થવા માટે પહોળાઈમાં માથાના કેટલા ભાગના વાળ એક બેડકાની લંબાઈમાં કપાવવા કે મૂંડાવવા વાજિબ અને જરૂરી છે ? તો એ વિશે વિગત આ પ્રમાણે છે કે પહોળાઈમાં ચોથાઈ માથાના વાળ એક બેડકાની લંબાઈમાં કપાવવા કે પૂરા મુંડાવવા વાજિબ છે અને પહોળાઈમાં પૂરા માથાના વાળ એક બેડકાની લંબાઈમાં કાતરથી કપાવવા અથવા પૂરી લંબાઈમાં મૂંડાવવા એ સુન્‍નત છે. માટે જો હજ – ઉમરહ કરનાર મુહરિમ પહોળાઈમાં ચોથાઈ માથાથી ઓછા ભાગના વાળ એક બેડકાની લંબાઈમાં કાતરથી કપાવશે અથવા પૂરી લંબાઈમાં મૂંડાવશે તો મુહરિમ એહરામથી હલાલ નહિ થાય અને પહોળાઈમાં ચોથાઈ માથાના વાળ કપાવતાં કે મૂંડાવતા સુધી એહરામની પાબંદીઓ તેના ઉપર બાકી રહેશે.

                અને જો મુહરિમ સુન્‍નત તરીકા મુજબ પૂરા માથાના વાળ પહોળાઈમાં કપાવે કે મૂંડાવે નહિ, બલ્કે માથાના ફકત ચોથાઈ અથવા તેથી વધુ ભાગના વાળ એક બેડકાની લંબાઈમાં કપાવશે અથવા મૂંડાવશે તો હજ–ઉમરહનો વાજિબ તો અદા થઈ જશે, પરંતુ આ પ્રમાણે માથાના અમુક ભાગના વાળ કપાવવા કે મૂંડાવવા અને બાકીના વાળ કપાવ્યા કે મૂંડાવ્યા વિના રહેવા દેવા એ સુન્‍નત વિરૂધ્ધ અને મકરૂહે તહરીમી છે.

                ઉમરહ કે હજ કરનાર મુહરિમે વાળ કપાવવા કે મૂંડાવવાના કામથી પહેલાં ઉમરહ – હજના જે અમલો કરવાના હોય તે અમલોથી ફારિગ થઈને એહરામથી હલાલ થવા માટે મુહરિમ પોતે પણ પોતાના માથાના વાળ કાપી કે મુંડી શકે છે અને એવા અમલોથી ફારિગ થયેલા બીજા મુહરિમથી પણ વાળ કપાવી કે મૂંડાવી શકે છે અને ગેર મુહરિમથી પણ વાળ કપાવી કે મૂંડાવી શકે છે.

                એહરામથી હલાલ થવા માટે માથાના વાળ એક બેડકાથી લંબાઈમાં કાતર કે મશીનથી કપાવવાની સૂરતમાં એ હકીકત પણ નઝર સમક્ષ રાખવી જરૂરી છે કે માથાના વાળ સામાન્ય રીતે લંબાઈમાં એક સરખા હોતા નથી,  બલ્કે લાંબા – ટૂંકા હોય છે અને એહરામથી હલાલ થવા માટે જો કાતર કે મશીનથી વાળ ટુંકા કરવામાં આવે (મુંડવામા ન આવે) તો કમથી કમ એક બેડકાની લંબાઈમાં વાળ કપાવવા જરૂરી છે માટે વાળ કપાવવામાં એ વાતની કાળજી રાખવી જરૂરી છે કે વાળ એક બેડકાની લંબાઈથી થોડા વધુ પ્રમાણમાં કાપવામાં આવે. તાકે લાંબા – ટૂંકા બધા જ વાળ એક બેડકાની લંબાઈમાં કપાઈ જવાનો સંતોષ થઈ જાય. એવી જ રીતે જો માથાના વાળની લંબાઈ એક બેડકાથી વધુ ન હોય તો આ સૂરતમાં પણ એહરામથી હલાલ થવા માટે વાળ મૂંડાવવામાં જ એહતિયાત છે. (શામી–ર, ગુન્યતુન્નાસિક)

Log in or Register to save this content for later.