Chapter : નિકાહ
(Page : 76-77-78-79)
સવાલ :– કોઈ મર્દ અને ઓરત અલગ અલગ શહેર કે દેશમાં રહેતા હોય અને તે બન્નેમાં નિકાહની સગાઈ નકકી થઈ હોય અને તેઓ તાર કે ટેલીફોનથી નિકાહ પઢે તો જાઈઝ છે કે નહિ? અને જો જાઈઝ હોય તો તાર અથવા ટેલીફોનથી નિકાહ કરવાનો સહીહ તરીકો શું છે?
જવાબ :– જે મર્દ અને ઓરત અલગ અલગ શહેર કે દેશમાં રહેતા હોય તેઓએ તાર અથવા ટેલીફોનથી એ પ્રમાણે નિકાહ કરવા તો જાઈઝ નથી કે બેમાંથી એક તાર વડે લેખિત મોકલી આપે કે હું નામે ફલાણાએ આટલી મહરના બદલામાં મારી જાતના નિકાહ તમો ફલાણા સાથે કરું છું અને સામેથી બીજો પક્ષ પોતાની મંજૂરી તારથી એ પ્રમાણે લેખિત મોકલી આપે કે મને તમો ફલાણા સાથેના એ નિકાહ કબૂલ મંજૂર છે, ચાહે નિકાહના આ લેખિત ઈજાબ અને કબૂલ (કોલ કરાર)ના ગવાહો બન્ને તરફ લેખિત કાર્યવાહી વખતે હાજર હોય તો પણ આ પ્રમાણે માત્ર તાર વડે લેખિત નિકાહ દુરસ્ત નહીં થાય. કારણ કે નિકાહના અસ્તિત્વ માટે અને તે દુરસ્ત થવા માટે મોઢેથી બોલીને નિકાહના ઈજાબ અને કબૂલ કરવા જરૂરી છે. ઈજાબ અને કબૂલની ફકત લેખિત કાર્યવાહી પૂરતી નથી.
એવી જ રીતે ઉપર મુજબ મર્દ – ઓરત અથવા મર્દ અને ઓરતના વાલી કે વકીલ એકબીજા સાથે નિકાહના ઈજાબ – કબૂલ ફોન ઉપર કરે તો પણ નિકાહ દુરસ્ત નહિ થાય, ચાહે બન્ને તરફના અથવા એક તરફના ફોન ઉપર મર્દ – ઓરતને ઓળખે એવા ગવાહો હોય કે ન હોય. કારણ કે નિકાહના દુરસ્ત થવા માટે કોઈ એક તરફ નિકાહના એવા ગવાહો હાજર હોવા જરૂરી અને શર્ત છે કે જે બન્ને પક્ષના નિકાહના ઈજાબ કબૂલ પોતાના કાનોથી સાંભળે. અને જાહેર છે કે તારના લખાણની સૂરતમાં ગવાહો કોઈ એક તરફના ઈજાબ અથવા કબૂલ પણ નહિ સાંભળી શકે અને ફોનની સૂરતમાં ચાહે બન્ને તરફ ગવાહો હાજર હોય તો પણ દરેક તરફના ઈજાબ અથવા કબૂલ સાંભળી શકશે જે તરફના ફોન ઉપર તેઓ હાજર હશે.
અલબત્ત, તારથી નિકાહ પઢવાની આ સૂરત જાઈઝ થઈ શકે છે કે મર્દ ઓરતમાંથી કોઈ એક બીજા ઉપર એ પ્રમાણેનો તાર કરે કે હું ફલાણા (મર્દ અથવા ઓરતનું પૂરું નામ બાપ દાદાના નામ સાથે) તમો ફલાણા (પૂરું નામ) સાથે આટલી મહરના બદલામાં મારી જાતના નિકાહ કરું છું. જયારે સામા પક્ષને એ તાર પહોંચી જાય તો એ તે નિકાહની ગવાહી માટે કમથી કમ બે મુસલમાન મર્દો અથવા એક મુસલમાન મર્દ અને બે ઓરતોને બોલાવી નિકાહની મજલિસ કાયમ કરી પ્રથમ નિકાહનો ખુત્બો પઢી તે ગવાહોની સામે પહેલા પક્ષનું પૂરું નામ ઠામ બતાવી તેઓ તરફથી આવેલા તારનું લખાણ વાંચી સંભળાવે. તારનું આ વાંચન પહેલા પક્ષ તરફથી નિકાહનો ઈજાબ (કરાર) ગણાશે અને તે પછી તુરત ગવાહોને સંબોધીને કેહવામાં આવે કે તમો ગવાહ રહો કે હું નામે ફલાણા (પૂરું નામ) મારી જાતના નિકાહ ફલાણા (પૂરું નામ) રહેવાસી (ઠેકાણું)ના સાથે આટલી મહરના બદલામાં કબૂલ મંજૂર કરું છું. પરંતુ આ તરીકાથી ફોન ઉપર નિકાહ ન કરવામાં આવે, કારણ કે તાર અને ટપાલની સૂરત ફોન કરતાં નોખી છે. ફોનની સૂરતમાં નિકાહના ઈજાબ બાકી રહેવાનો કોઈ આધાર ન હોવાથી એકજ મજલિસમાં ઈજાબ અને કબૂલ બન્ને ભેગા નહિ થઈ શકે.
તાર અને ટેલીફોનથી નિકાહ પઢવાની બીજી એક જાઈઝ સૂરત એ થઈ શકે છે કે નિકાહ કરનાર મર્દ – ઓરતમાંથી કોઈ એક પક્ષ બીજા પક્ષ ઉપર એ પ્રમાણેનો તાર કે ફોન કરે કે હું ફલાણો (મર્દ અથવા ઓરતનું પૂરું નામ ઠામ) તમો ફલાણા (મર્દ અથવા ઓરતનું પૂરું નામ ઠામ)ને તમારી સાથે મારી જાતના નિકાહ કરી આપવાનો વકીલ (નાયબ) બનાવું છું, માટે તમો તમારી જાત સાથે આટલી મહરના બદલામાં મારા નિકાહ કરી આપશો. જયારે બીજા પક્ષને એ તાર અથવા ફોન પહોંચી જાય તો તે નિકાહના ગવાહોને બોલાવી નિકાહની મજલિસ કાયમ કરે અને નિકાહનો ખુત્બો પઢી ગવાહો સમક્ષ તાર મોકલનાર અથવા ફોન કરનારનું પૂરું નામ ઠામ બતાવીને નિકાહની વકાલતનો તાર વાંચી સંભળાવે અથવા તાર કે ફોનથી તેઓએ પોતાને નિકાહનો વકીલ બનાવ્યાની રજુઆત ગવાહો સમક્ષ કરી આપે અને તે પછી ખુત્બો પઢીને ગવાહોને સંબોધીને કહે કે તમો ગવાહ રહો હું નામે (પૂરું નામ ઠામ) ના સાથે જેણે નિકાહનો વકીલ બનાવ્યો છે આટલી મહરના બદલામાં કરી આપ્યા. આ પ્રમાણે તાર અથવા ફોન અને તે પછીની કાર્યવાહી કરવાથી શરઈ દ્રષ્ટિએ નિકાહ દુરસ્ત થઈ જશે.
ઉપરોકત તારવાળી પહેલી સૂરતમાં એ પણ જાઈઝ છે કે બાલિગ ઓરતની રજા લઈને તેનો વાલી અથવા વકીલ નિકાહ કરનાર મર્દ ઉપર તાર કરી આપે. ફકત એટલો ફરક પડશે કે વાલી અથવા વકીલે તારમાં એ વાતનો ઉલ્લેખ કરવો પડશે, હું નામે ફલાણા ફલાણી ઓરતની રજા લઈને પોતાની વિલાયત અથવા વકાલતથી તેના નિકાહ આટલી મહરના બદલામાં તમારી સાથે કરું છું અથવા કરી આપ્યા.
તાર અને ટેલીફોન વડે નિકાહ પઢવાની એક ત્રીજી જાઈઝ સૂરત એ પણ થઈ શકે છે કે પરસ્પર નિકાહ પઢવા ઈચ્છતા મર્દ – ઓરતમાંથી કોઈ એક બીજા પક્ષના રહેઠાણ સ્થળ ઉપર રહેતા હોય એવા કોઈ ત્રીજા માણસને પોતાના નિકાહ કરી આપવાના વકીલ બનાવી આપે. જો આ પ્રમાણે ત્રીજા માણસને વકીલ બનાવનાર ઓરત હોય તો તે પોતાના વકીલને પોતાનાથી નિકાહ કરનાર મર્દનું પૂરું નામ કામ અને મહર પણ બતાવી આપે અને જો તે મર્દ હોય તો તે પોતાના વકીલને ઓરતનું પૂરું નામ, ઠામ અને મહર બતાવી આપે. પછી તે વકીલ નિકાહની પ્રચલિત શરઈ પધ્ધતિ મુજબ નિકાહની મજલિસમાં વકીલ તરીકે હાજર થઈને પોતાના અસીલ તરફથી નિકાહના ઈજાબ અથવા કબૂલની જવાબદારી અદા કરે. (શામી–ર/ર૬પ, ર૭ર)
Log in or Register to save this content for later.