Chapter : ઝકાત
(Page : 74-75)
સવાલ :– મારો ઈરાદો એક કારખાનું નાખવાનો છે, જેમાં મરેલ જાનવર ગાય, ભેંસ, બળદ તેમજ કોઈપણ મરેલ જાનવરના હાડકાઓનું પીલાણ કરી પાવડર બનાવી બહાર નિકાસ કરવાનો છે. આ કારખાનામાં અંદાજિત રૂપિયા ચાર લાખ રોકવા પડે, તેમાં આશરે ૧૦૦ રૂપિયા પર પ૦ રૂપિયા નફો છે. આપણે કોઈ જગ્યાએ હાથ દેવાનો નથી. હાડી તેમજ ભંગી લોકો હાડકા ભેગા કરી જમા કરી આપે અને આપણે તે હાડકાં મણના હિસાબે લેવાના અને તેના પાસે પીલાણ કરાવી પાવડર બનાવી પેટીમાં પેકીંગ કરી તેને બહાર મોકલવાનો. તો શરઈ દ્રષ્ટિએ આ ધંધો કરવો આપણા માટે જાઈઝ છે? તેમજ તેમાં ઝકાત કયારે લાગશે ?
જવાબ :– ઈન્સાન અને સુવ્વર સિવાય અન્ય જાનવરોના હાડકાંઓના ખરીદ–વેચાણની વિગત આ પ્રમાણે છે કે જો શરઈ તરીકા મુજબ ઝબહ કરેલા જાનવરોના હાડકાં હોય તો ચાહે ચીકણા હોય કે સુકા હોય તેનું ખરીદ વેચાણ જાઈઝ છે અને જો શરઈ તરીકા મુજબ ઝબહ કરેલા જાનવરના હાડકાં ન હોય બલ્કે મરેલા જાનવરના હાડકાં હોય તો એ શર્તે તેનું ખરીદ વેચાણ જાઈઝ છે કે તેની ઉપર નાપાક ગોશ્ત – ચરબી અને લોહીનો કોઈ ચીકાશ બાકી ન હોય અને સુકાયેલા હોય, જો મરેલા જાનવરના હાડકાં ઉપર નાપાક માંસ, ચરબી અથવા લોહીનો ચીકાશ લાગેલો હોય તો એવી હાલતમાં તેનું ખરીદ વેચાણ જાઈઝ નથી અને ઈન્સાન તેમજ સુવ્વરના હાડકાનો વેપાર કોઈપણ સૂરતમાં જાઈઝ નથી અને જે તે સૂરતમાં જે તે પ્રકારના હાડકાઓનું ખરીદ વેચાણ જાઈઝ છે, તે સૂરતમાં તેનો પાવડર બનાવી વિદેશમાં તેનો નિકાસ કરવો પણ જાઈઝ છે. (શામી–૪/૧૧૪, આલમગીરી –૩/૧૧પ)
જયારે તમારું ઝકાતનું વર્ષ પૂરું થતુ હોય અને તમે અન્ય ઝકાત પાત્ર માલની ઝકાત અદા કરતા હોય તેની સાથે આ વેપારના માલ મૂડીની પણ ઝકાત અદા કરવી પડશે. પરંતુ કારખાનાની જગ્યા – મશીનરી અને બીજી એવી વસ્તુઓ જે વેપાર માટે ન હોય બલ્કે કારખાનું ચલાવવાના સાધનો તરીકે હોય તેની ઝકાત નહિ આપવી પડે, ફકત વેપાર પાત્ર કાચા અને તૈયાર માલની ત્થા રોકડ રકમની ઝકાત આપવી પડશે. (શામી–ર)
Log in or Register to save this content for later.