[૭૦] એહરામની હાલતમાં ઉઝરના કારણે સીવેલો પટ્ટો બાંધવો

Chapter : હજ

(Page : 105-106)

સવાલ :– એક માણસને પેશાબ કર્યા પછી ટીપાં પડે છે. હંમેશા માટે મા’ઝૂર નથી. એટલે પેશાબ કર્યા પછી બે ચાર બેવડ કપડું પેશાબની જગ્યાએ રાખે છે. ૧૦ – ૧પ મિનિટ પછી ટીપાં પડવાનું બંધ થાય તે પછી કપડું કાઢી નાખી વુઝૂ કરી નમાઝ વગેરે પઢે છે.

                એ માણસને આ વર્ષે હજ પઢવા જવાનું છે તો સ્ટીમરમાં જિદ્દહ પહોંચતાં પહેલાં ૧ દિવસ અગાઉ અને એક દિવસ જિદ્દહ મુસાફર– –ખાનામાં અને પછી ઉમરહ પૂરો કર્યા સુધી આમ બે ત્રણ દિવસ સુધી એહરામ બાંધવાનું છે જેમાં સીવેલું કપડું પહેરવાનું નથી, હવે આ માણસ પેશાબ કર્યા પછી પેશાબની જગ્યાએ કપડું ન રાખે તો એહરામના કપડાં નાપાક થાય છે તો આવો માણસ પેશાબની જગ્યા આગળ કપડું રાખવા માટે સીવેલી ચડ્ડી પહેરી શકે કે કેમ? અથવા પેશાબની જગ્યા પર કપડું મૂકી તે કપડાં પર સીવેલો પાટો રાખી કમર સાથે બાંધી શકે કે કેમ?

જવાબ :– આવી મજબૂરીની સૂરતમાં સીવેલો પાટાનો ઉપયોગ થઈ શકે છે એમાં કોઈ કરાહત પણ નથી અને કંઈ કફફારો પણ આપવો નહિ પડે. (બદાઈઅ–ર/૧૮૭) હા, એટલું જરૂર નક્કી કરી લેવું જોઈએ કે એ સીવેલો પાટો લંગોટ (જે સીવેલી હોય છે) તો નથી બની જતો. જો લંગોટ બની જાય છે તો પછી એના પર સીવેલું કપડું પહેરવાનો હુકમ લાગુ પડશે. એટલે કે જો એક રાત અથવા એક દિવસ અથવા એથી વધારે મુદ્દત પહેરેલો રાખ્યો તો હરમ શરીફમાં એક જાનવર ઝબહ કરે. અથવા ૯ કિલો ૯૭ર ગ્રામ ઘઉં અથવા તેની કિંમત ગમે ત્યાંના ગરીબોને આપી શકે છે. અલબત્ત, મક્કહ મુકર્રમહના ગરીબો પર સદકો કરવો અફઝલ છે અથવા ત્રણ દિવસના એક સાથે યા અલગ અલગ ગમે તે જગ્યાએ રહી રોઝા રાખે.

                અને જો એથી ઓછી મુદ્દત લંગોટ પહેરેલો રાખે તો એક કિલો સાતસો ગ્રામ ઘઉં અથવા તેની કિંમતનો સદકો કરી આપે.     (દુર્રે મુખ્તાર, શામી – ર/ર૮૮)

                એક વખતે પેશાબ કર્યા બાદ આ લંગોટ બાંધ્યો અને એક દિવસથી ઓછો સમય બાંધવાથી સદકો વાજિબ થયો. જરૂરત પૂરી થવાથી લંગોટ ઉતારી લીધો. ફરી પેશાબની જરૂરત પડવાથી ફરી બાંધ્યો તો હવે ફરી સદકો વાજિબ થશે.

 (દુર્રે મુખ્તાર શામી – ભાગ – ર/ર૭૯)

                અને જો લંગોટ નથી બનતો પાટો જ રહે છે તો એને વારંવાર બાંધવાથી પણ કંઈ વાજિબ થશે નહિ, જો પાટાથી જરૂરત પૂરી થઈ જતી હોય તો ચડ્ડીની ઈજાઝત નથી. જો પહેરશે તો કફફારો આપવો પડશે. અને એ સૂરતમાં ગુનેહગાર પણ થશે.(દુર્રે મુખ્તાર શામી – ર/ર૭૯,ર૮૮)

Log in or Register to save this content for later.