[ ૧૦ ] દેવાદાર બાપ બેટાઓએ આપેલી રકમમાંથી હજ કરે

Chapter : હજ

(Page : 54-55)

સવાલ :– મારા અબ્બા–અમ્મા અને પોતે એક મકાનમાં રહીએ છીએ, મારી શાદી નથી થઈ, મારા બે મોટા ભાઈ અલગ રહે છે. જે મકાનમાં અમે રહીએ તે મારા અબ્બાનું છે, મારા દાદાનું એક મકાન છે જે ખાલી છે કોઈ તેમાં રહેતું નથી. મારા અબ્બાએ તેમની બહેનને શરઈ હિસ્સો આપ્યો નથી, મારા આ એક ફોઈ છે તે એક જ વારસદાર છે, પરંતુ તે મકાનમાં તેઓને હિસ્સો આપ્યો નથી. મકાન મારા અબ્બાને નામે છે (એક ભાઈ હતા તેઓ શાદી શુદા હતા ગુજરી ગયા અન્ય કોઈ વારસદાર નથી) મારા અબ્બા પાસે અન્ય કોઈ મોટી મિલકત નથી મારા બે ભાઈઓ અબ્બાને પૈસા આપી હજ માટે મોકલવાના છે તો આ હજ મારા અબ્બા માટે ફર્ઝ ગણાશે?

                તા.ક.–  ફોઈને મકાનમાં હીસ્સો આપ્યો નથી તેની કિંમત લગભગ ૬૦ હજાર જેટલી હશે.

જવાબ :– સવાલમાં લખેલી વિગત મુજબ દાદાની મિલકતમાંથી ફોઈને ત્રીજો ભાગ આપવો જરૂરી છે. જો અબ્બા પોતાની બહેનનો વારસા હક નહિ આપે તો સખત ગુનેહગાર થશે અને હજ પઢવાથી પણ તે વારસાહકના ગુનાહમાંથી મુકત નહિ થાય, જો બાપ પાસે હજ ફર્ઝ થવા પાત્ર રોકડ રકમ કે મિલકત ન હોય, પરંતુ છોકરાઓ તેઓને હજ માટે રકમ આપે અને બાપના શિરે કોઈનું દેવું ન હોય તો છોકરાઓની રકમ સ્વીકારી લીધા પછી બાપના ઉપર હજ ફર્ઝ થઈ જશે અને જો બાપના શિરે એટલું દેવું હોય કે જો હજ માટે મળેલી રકમ ભરપાય કરી આપવામાં આવે તો હજના જરૂરી ખર્ચ માટે પૂરતી રકમ બાકી ન રહે તો બાપ ઉપર હજ ફર્ઝ નહિ થાય, એવી જ રીતે જો બાપ છોકરાઓની રકમ ન સ્વીકારે તો પણ હજ ફર્ઝ નહિ થાય અને બાપે રકમ સ્વીકારવી જરૂરી પણ નથી, જો હાલ હજ ફર્ઝ ન હોવા છતાં પણ તેઓ હજ માટે જશે અને નફલ હજની નિય્યત નહિ કરે બલ્કે ફર્ઝ હજની અથવા મુતલક ફકત હજની નિય્યત કરી હજ અદા કરશે તો તેઓની ફર્ઝ હજ અદા થઈ જશે.      (શામી–ર)

[૧૧] હજના વાજિબો કયા અને કેટલા ?

સવાલ :– હજના વાજિબ કેટલા અને કયા કયા ?

જવાબ :–  હજના વાજિબો છ છે, જે આ પ્રમાણે છેઃ

                (૧) મુઝદલિફહમાં થોભવું, (ર) સફા – મરવાની સઈ કરવી, (૩) જમરાઓને કાંકરી મારવી,  (૪) કિરાન અને તમત્તુઅ હજ પઢનારે હજની કુરબાની કરવી, (પ) માથાના વાળ મૂંડાવવા અથવા કપાવવા,  (૬) આફાકી માટે તવાફે વિદાઅ કરવો.           (શામી –ર)

    અલબત્ત, હજના અમલોના પેટા વાજિબાત ઘણા છે. (મુઅલ્લિમુલ હુજ્જાજ – ૮૯)

Log in or Register to save this content for later.