Chapter : તહારત
(Page : 186)
સવાલ : –ચાંદીની વીંટીમાં હુરૂફે મુકત્તઆત અને કુર્આન મજીદની આયતો લખવામાં અથવા કોતરવામાં આવે છે, તો વુઝૂ ન હોવાની હાલતમાં અથવા જનાબતની હાલતમાં આવી વીંટી પહેરી શકાય કે નહિ? અને આવી નાપાકીની હાલતમાં મજકૂર વીંટીને પકડી શકાય કે નહિ ? અને આવી વીંટી પહેરીને પેશાબખાના કે ટોયલેટમાં જવું કેવું છે? તથા આવા લખાણવાળી વીંટીનું ખરીદ વેચાણ અને પહેરવું જાઈઝ છે કે નહિ ?
જવાબ :– વુઝૂ ન હોવાની હાલતમાં અને જનાબતની હાલતમાં મજકૂર વીંટી પહેરવાની ગુંજાઈશ છે, કારણકે વીંટી પહેરવાની સૂરતમાં તેના લખાણનો સ્પર્શ થતો નથી અને આદરપાત્ર લખાણને હાથ લાગતો નથી, કારણકે સામાન્ય રીતે લખાણ વીંટીના ઉપરના અને બાહ્ય ભાગમાં વર્તુળાકાર કે ચોરસ તખતીમાં હોય છે. બાકી અમુક ફુકહાએ કિરામ (રહ.)ના મત મુજબ નાપાકીની હાલતમાં મજકૂર પૂરી વીંટીનો સ્પર્શ મના છે માટે બેહતર આ છે કે નાપાકીની હાલતમાં મજકૂર વીંટી પહેરવાથી બચવું જોઈએ. (‘બહર ૧/ર૦૧, ‘તહતાવી ૪પ)
હદસે અસગર (વુઝૂ તોડનાર વસ્તુ) અને હદસે અકબર (ગુસલ વાજિબ કરનાર વસ્તુ)ની નાપાકીની હાલતમાં જેવી રીતે કુર્આનપાકને કોઈ અલગ વસ્તુની આડ વગર પકડવું નાજાઈઝ છે એવી જ રીતે વીંટીમાં લખેલા હુરૂફે મુકત્તઆત અને કુર્આનપાકની આયતના લખાણને કોઈ અલગ વસ્તુની આડ વગર હાથ લગાડવો પણ નાજાઈઝ છે અને વીંટીના મજકૂર લખાણ ઉપર સામાન્ય રીતે કાચ અથવા પ્લાસ્ટીક જડેલું હોય છે, પરંતુ તે કાચ અથવા પ્લાસ્ટીકનું કવર વીંટી સાથે જડેલું હોવાથી તેમાંના લખાણને હાથ લગાડવા માટે મજકૂર કવર આડરૂપે પૂરતું અને મોઅતબર નથી, માટે કોઈ અલગ વસ્તુની આડ વગર વીંટીના મજકૂર લખાણને હાથ લગાડી શકાય નહિ. (‘શામી ૧/૧૧૭)
મજકૂર લખાણવાળી વીંટી પહેરીને પેશાબખાના અથવા ટોયલેટમાં જવું મકરૂહ છે, માટે પેશાબ, પાયખાને જતી વખતે મજકૂર વીંટી કાઢીને, તેને બહાર મૂકીને જવું જોઈએ અથવા તેને ઢાંકીને ખિસ્સામાં મૂકીને જવું જોઈએ.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) મુહમ્મદુર્રસૂલુલ્લાહના લખાણવાળી પોતાની વીંટી પેશાબ, પાયખાના વખતે ઉતારી નાખતા હતા. (‘શામી ૧/૧૧૯, ‘તહતાવી ૩૦)
મજકૂર વીંટીનું ખરીદ–વેચાણ જાઈઝ છે અને ઉપરની વિગત મુજબ તેનો અદબ જાળવીને મર્દ–ઓરત માટે તેનું પહેરવું પણ જાઈઝ છે, પરંતુ મર્દની વીંટીની ચાંદીનું વજન પૂરા સાડા ચાર માશા અથવા તેથી વધુ ન હોવું જોઈએ, બલકે તેથી ઓછું હોવું જોઈએ. અલબત્ત, ઓરત ચાંદીની ગમે તેટલા વજનની વીંટી પહેરી શકે છે. (‘શામી પ/ર૩૦)
Log in or Register to save this content for later.